22 June, 2025 07:09 AM IST | Mumbai | Heena Patel
કૈવલ્યધામ
લોનાવલામાં આવેલા આ યોગસંસ્થાનની સ્થાપના ૧૯૨૪માં સ્વામી કુવલયાનંદે કરી હતી. કૈવલ્યધામની ખાસિયત એ છે કે એ યોગને આધુનિક વૈજ્ઞાનિક સાથે જોડીને યોગની શારીરિક, માનસિક રીતે થતી અસરને લૅબોરેટરીમાં રિસર્ચના માધ્યમથી સમજવામાં આવે છે. કૈવલ્યધામે આટલાં વર્ષોમાં કઈ રીતે વટવૃક્ષ બનીને યોગનું જ્ઞાન દેશ-વિદેશમાં ફેલાવવાનું કામ કર્યું છે એના પર એક નજર ફેરવીએ.
કૈવલ્યધામની ઓળખ આપવાની હોય તો એ રીતે આપી શકાય કે એ વિશ્વનું સૌથી જૂનું સાયન્ટિફિક યોગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. લોનાવલામાં હરિયાળી વચ્ચે ૧૮૦ એકરમાં ફેલાયેલા આ યોગસંસ્થાનમાં દેશ-વિદેશથી યોગમાં રસ ધરાવતા લોકો જ્ઞાન મેળવવા, મનની શાંતિ માટે, ક્રૉનિક ડિસીઝમાંથી રાહત મેળવવા માટે આવે છે.
ઇતિહાસ
કૈવલ્યધામની શરૂઆત ૧૯૨૪માં સ્વામી કુવલયાનંદે કરી હતી. કુવલયાનંદનું મૂળ નામ જગન્નાથ ગણેશ ગુણે હતું. તેમનો જન્મ ૧૮૮૩માં થયો હતો. છાત્રજીવનમાં તેઓ આધ્યાત્મિક સુધારક શ્રી ઓરોબિંદો અને પ્રખર રાષ્ટ્રવાદી લોકમાન્ય ટિળકની સેવાભાવના અને દેશભક્તિથી પ્રભાવિત હતા જેમણે તેમનામાં પોતાનું જીવન લોકસેવામાં સમર્પિત કરવાનાં બીજ રોપ્યાં હતાં. કુવલયાનંદની યોગિક યાત્રાની શરૂઆત ૧૯૦૭માં થઈ હતી, જ્યાં તેમણે વડોદરાની જુમ્માદાદા વ્યાયામશાળામાં પ્રોફેસર રાજરત્ન માણિકરાવ પાસેથી શિક્ષા લીધી, જે ૧૯૧૦ સુધી ચાલી. આગળ ૧૯૧૯માં કુવલયાનંદની મુલાકાત પરમહંસ માધવદાસજી સાથે થઈ હતી જેઓ એક યોગી હતા. કુવલયાનંદ યોગ-અધ્યાત્મમાં માનનારા હતા, પણ સાથે-સાથે તેઓ રૅશનલિસ્ટ પણ હતા. એટલે કે તેઓ તર્કશીલ વ્યક્તિ હતા જે દરેક વાતને લૉજિક, જ્ઞાન અને બુદ્ધિથી સમજવા અને સ્વીકારવામાં વિશ્વાસ રાખતા હતા. યોગની શરીર અને માનસ પર ઊંડી અસર થતી હોવાનું તેમણે અનુભવ્યું હતું, પણ એને લઈને કોઈ વૈજ્ઞાનિક સંશોધન થયું નહોતું એટલે તેમણે લોનાવલામાં કૈવલ્યધામ યોગ આશ્રમ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. યોગને લઈને સાયન્ટિફિક સ્ટડી કરવા માટે લૅબોરેટરી શરૂ કરી એટલું જ નહીં, યોગ મીમાંસા નામે એક સાયન્ટિફિક જર્નલ પણ શરૂ કર્યું હતું જેમાં યોગને લઈને કરવામાં આવેલા રિસર્ચ વિશે માહિતી આપવામાં આવતી હતી. આ જર્નલ આજે પણ પ્રકાશિત થાય છે જેમાં યોગાસન, પ્રાણાયામ, ધ્યાન વગેરેના સ્વાસ્થ્ય પર પ્રભાવ, વિભિન્ન રોગોમાં યોગની ચિકિત્સકીય ઉપયોગિતા, યોગ અને આયુર્વેદ પર આધારિત અધ્યયનો, વ્યક્તિગત કેસ-રિપોર્ટ વગેરે પબ્લિશ થાય છે. કુવલયાનંદનો મૂળ ઉદ્દેશ યોગને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સમજવાનો, રિસર્ચ કરવાનો અને સમાજમાં એનો પ્રસાર કરવાનો હતો. એટલે જ આજે પણ કૈવલ્યધામ પહેલું એવું યોગસંસ્થાન છે જ્યાં સાયન્ટિફિક રિસર્ચ, એજ્યુકેશન અને થેરપી એ ત્રણેય વસ્તુ પર ભાર મૂકવામાં આવે છે. કૈવલ્યધામ યોગ ઇન્સ્ટિટ્યૂટનો ઉદ્દેશ એ જ છે કે યોગના પ્રાચીન જ્ઞાનને આધુનિક વિદ્યા સાથે જોડીને માનવકલ્યાણ માટે એનો ઉપયોગ કરવો અને લોકોને યોગિક જીવનશૈલી અપનાવવા માટે પ્રેરિત કરવા.
યોગની અસરનું થઈ રહેલું રિસર્ચ
આજનું કૈવલ્યધામ
કૈવલ્યધામમાં અલગ-અલગ ડિપાર્ટમેન્ટ છે જેના માધ્યમથી યોગસંબંધી વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. એને લઈને વિસ્તારપૂર્વક માહિતી આપતાં કૈવલ્યધામનાં મૅનેજર (ઍડ્િમન) અને કો-ઑર્ડિનેટર ભૂમિ ચોકસી કહે છે, ‘અહીંના હેલ્થકૅર સેન્ટરની વાત કરીએ તો લાઇફસ્ટાઇલ સંબંધી રોગો જેમ કે સ્થૂળતા, ડાયાબિટીઝ, હૃદયસંબંધી બીમારી, સ્ટ્રેસ, આર્થ્રાઇટિસ, અનિદ્રાની સમસ્યા જેમને હોય તેઓ તેમના સ્વાસ્થ્યને સુધારવા તેમ જ ડિટૉક્સિફિકેશન કે રિલૅક્સ ફીલ કરવા ઇચ્છતા હોય એ લોકો અહીં આવીને બૉડી અને માઇન્ડને રિલૅક્સ કરી શકે છે. તેમના માટે વિવિધ પ્રોગ્રામ્સ ચાલે છે જેમ કે યોગ અને આયુર્વેદ, યોગ અને નૅચરોપથી, યોગ અને રિલૅક્સેશન, યોગ અને વેઇટ મૅનેજમેન્ટ, યોગ અને પેઇન મૅનેજમેન્ટ, યોગ અને ઍન્ટિ એજિંગ. આમાં તમારે સેન્ટરમાં જઈને થોડા દિવસ સુધી રહીને એક જીવનચર્યા ફૉલો કરવાની હોય જેમાં સવારે વહેલા ઊઠવાથી લઈને, યોગ-પ્રાણાયામ કરવાથી લઈને નૅચરોથેરપી લેવાથી લઈને સાત્ત્વિક ભોજન લેવા સુધીનું બધું જ આવી જાય. એના માટે ઍડ્વાન્સ બુકિંગ કરાવવું પડે. કૈવલ્યધામ યોગ ફૉર કૅન્સર કૅર પ્રોગ્રામ ચલાવે છે, જે ખાસ કૅન્સરના દરદીઓ માટેનો બે અઠવાડિયાંનો રેસિડેન્શિયલ પ્રોગ્રામ છે જેમાં ૧૫ દિવસ સુધી દરદીએ કૈવલ્યધામમાં રહેવાનું હોય છે. કૅન્સરના દરદીઓ માટે સારવાર લીધા બાદ હીલ થવું ખૂબ જરૂરી હોય છે; જે તેમને ફિઝિકલ રિકવરી, લૉન્ગ ટર્મ સાઇડ-ઇફેક્ટને મૅનેજ કરવામાં, ઇમોશનલ અને સાઇકોલૉજિકલ વેલબીઇંગમાં મદદ કરે છે. કૅન્સરના પેશન્ટ્સને હીલ થવામાં સપોર્ટ કરવા માટે કૈવલ્યધામ દ્વારા કૅન્સર કૅર પ્રોગ્રામ ચલાવવામાં આવે છે જેમાં યોગ, પ્રાણાયામ, મેડિટેશન, નૅચરોથેરપી, આયુર્વેદિક થેરપી અને સાઇકોલૉજિકલ વેલનેસ સેશન્સ લેવામાં આવે છે.’
બૉડી અને માઇન્ડને રિલૅક્સ કરવા આવેલા હેલ્થકૅર પાર્ટિસિપન્ટ્સ
કૈવલ્યધામમાં CBSE બોર્ડની કૈવલ્ય વિદ્યાનિકેતન સ્કૂલ પણ ચાલે છે જે બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને ભણાવે છે. આ સ્કૂલમાં બાળકોને ભણતર સિવાય યોગ શીખવાડવા પર ભાર મૂકવામાં આવે છે. અહીં બાળકોને ફક્ત યોગ શીખવાડવામાં નથી આવતા, યોગને જીવનશૈલીના ભાગરૂપે અપનાવવાની શિક્ષા પણ આપવામાં આવે છે. અહીં ગોરધનદાસ સેક્સરિયા કૉલેજ ઑફ યોગ ઍન્ડ કલ્ચરલ સિન્થેસિસ નામે એક મહાવિદ્યાલય પણ ચાલે છે, જેની શરૂઆત ૧૯૫૧માં થઈ હતી. એમાં સર્ટિફિકેટ, પોસ્ટ-ગ્રૅજ્યુએટ, ડિપ્લોમા, ડિગ્રી, માસ્ટર્સ, ડૉક્ટરેટ લેવલના યોગના શૉર્ટ ટર્મ અને લૉન્ગ ટર્મ કોર્સ શીખવવામાં આવે છે; જેમાં થિયરી અને પ્રૅક્ટિકલ બન્ને શીખવવામાં આવે છે. એવી જ રીતે યોગમાં રેસિડેન્શિયલ કોર્સ કરતા સ્ટુડન્ટ્સ માટે હૉસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા પણ છે. મિનિસ્ટ્રી ઑફ આયુષના યોગ સર્ટિફિકેશન બોર્ડ દ્વારા આ કૉલેજને અગ્રણી યોગ ઇન્સ્ટિટ્યૂટ તરીકે માન્યતા મળી છે. આ કૉલેજ કવિ કુલગુરુ કાલિદાસ સંસ્કૃત યુનિવર્સિટી, રામટેક સાથે અફિલિયેટેડ છે. આ કૉલેજના માધ્યમથી યોગ-ટીચર, યોગ-થેરપિસ્ટની ટ્રેઇનિંગ લેવા માટે દેશ-વિદેશથી આવતા સ્ટુડન્ટ્સને ટ્રેડિશનલ યોગ શીખવવામાં આવે છે. અહીં ફિલોસૉફિક લિટરરી રિસર્ચ ડિપાર્ટમેન્ટ (PLRD) છે જેનું ફોકસ યોગ ફિલોસૉફી અને લિટરેચરમાં ઊંડાણપૂર્વક રિસર્ચ કરવાનું છે. યોગને વૈજ્ઞાનિક અને વ્યવસ્થિત રીતે શીખવવાની સ્વામીજીની જે પરંપરા હતી એને આગળ લઈ જવાનું કામ PLRD કરી રહ્યું છે. યોગના સિદ્ધાંત અને મૂલ્યને બદલાતા સમય સાથે પારંપરિક યોગનો આત્મા બની રહે એનું ધ્યાન રાખીને નવા રૂપમાં પ્રસ્તુત કરવાનું કામ PLRDના રિસર્ચર અને સ્કૉલરની ટીમ કરી રહી છે. PLRDનો જ પાર્ટ ગણાતી કૈવલ્યધામ સેન્ટ્રલ રિસર્ચ લાઇબ્રેરી પણ અહીં છે, જ્યાં યોગસંબંધી અનેક પુસ્તકો છે. અહીં કૈવલ્યધામ આશ્રમ ટ્રસ્ટ પણ ચાલે છે; જેની સ્થાપના પતંજલિના અષ્ટાંગ યોગને એના ઑથેન્ટિક ફૉર્મમાં જાળવી, એનું અનુકરણ કરી એનો પ્રસાર કરવાના ઉદ્દેશ સાથે ૧૯૨૪માં થઈ હતી. યોગને વે ઑફ લાઇફ બનાવવા માટે ટ્રસ્ટ દ્વારા વિવિધ કામ કરવામાં આવે છે જેમાં આયુર્વેદિક, ઑર્ગેનિક અને નૅચરલ વસ્તુઓનો સ્ટોર; ઉત્પત્તિ, યોગસંબંધી પુસ્તકોનો સ્ટોર; આયુર્વેદિક છોડનું ઔષધિ વન; ગૌશાળા અને ડેરી વગેરેનો સમાવેશ છે.
કૈવલ્યધામનો કૅમ્પસ
નોંધનીય છે કે કૈવલ્યધામની એક બ્રાન્ચ મરીન ડ્રાઇવમાં પણ છે. મુંબઈ બ્રાન્ચની શરૂઆત ૧૯૩૨માં થઈ હતી. મુંબઈ બ્રાન્ચનું નામ ઈશ્વરદાસ ચુનીલાલ યોગિક હેલ્થ સેન્ટર, કૈવલ્યધામ છે. મુંબઈના સ્ટ્રેસ અને પૉલ્યુશનવાળા જીવનથી થાકી ગયા હો, ઘૂંટણમાં દુખાવો રહેતો હોય, જે મહિલાઓને મેન્સ્ટ્રુઅલ ડિસઑર્ડર્સ હોય, આંખમાં ડ્રાયનેસની સમસ્યા હોય તો એ માટેની અનેક આયુર્વેદિક ટ્રીટમેન્ટ્સ અને થેરપી અહીં આપવામાં આવે છે. સાથે જ સ્થૂળતા, હાઇપરટેન્શન, ડાયાબિટીઝ, થાઇરૉઇડ, સ્કિન ડિસીઝ, પાચનસંબંધી સમસ્યા માટે નૅચરોથેરપી આપવામાં આવે છે. અહીં યોગનાં સર્ટિફિકેટ, ડિપ્લોમા, પોસ્ટ-ગ્રૅજ્યુએશન ડિપ્લોમાના વિવિધ કોર્સ પણ કરાવવામાં આવે છે.