18 November, 2026 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
માનવશરીરમાં યુરિક ઍસિડનું યોગ્ય પ્રમાણ જાળવવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ આજકાલની અસ્તવ્યસ્ત જીવનશૈલીને કારણે શરીરમાં યુરિક ઍસિડ વધવાની સમસ્યા ખૂબ સામાન્ય બની ગઈ છે. જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે શરીરમાં પ્યુરિન નામનું એક પ્રોટીન તત્ત્વ તૂટે છે અને એના પાચનની સ્વાભાવિક પ્રક્રિયાના ભાગરૂપે યુરિક ઍસિડ બને છે. સામાન્ય સંજોગોમાં કિડની આ યુરિક ઍસિડને લોહીમાંથી ગાળીને પેશાબ મારફત શરીરની બહાર કાઢી નાખે છે. જોકે જ્યારે શરીરમાં યુરિક ઍસિડનું ઉત્પાદન ખૂબ વધી જાય અથવા કિડની એને પૂરતા પ્રમાણમાં બહાર ન કાઢી શકે ત્યારે એ લોહીમાં જમા થવા લાગે છે અને આગળ જતાં સાંધાના દુખાવા કે ગાઉટ જેવી તકલીફો ઊભી કરે છે.
શરીરમાં યુરિક ઍસિડ વધવાનું સૌથી મોટું કારણ આપણો આહાર છે. જે ખોરાકમાં પ્યુરિનનું પ્રમાણ વધારે હોય એવા પદાર્થોનું વધુ પડતું સેવન કરવાથી યુરિક ઍસિડ ઝડપથી વધે છે. પ્રોસેસ્ડ ફૂડમાં પ્યુરિન પુષ્કળ માત્રામાં હોય છે. આ ઉપરાંત મીઠાઈઓ, પૅક્ડ જૂસ, કોલ્ડ ડ્રિન્ક્સ અને ફ્રક્ટોઝયુક્ત પદાર્થોનું સેવન પણ શરીરમાં યુરિક ઍસિડની માત્રામાં વધારો કરે છે. આજના યુગમાં ફાસ્ટ ફૂડ અને બહારના તળેલા ખોરાકનું ચલણ વધ્યું છે, જે યુરિક ઍસિડનું મુખ્ય કારણ બની રહ્યું છે.
આહાર સિવાય આપણી બગડેલી જીવનશૈલી અને કેટલીક આદતો પણ આ સમસ્યા માટે જવાબદાર છે. જે લોકો પૂરતા પ્રમાણમાં પાણી નથી પીતા તેમના શરીરમાંથી ઝેરી તત્ત્વો અને વધારાનું યુરિક ઍસિડ બહાર નીકળી શકતું નથી. આ સિવાય દારૂનું સેવન કરવું, ખાસ કરીને બિઅર પીવાથી યુરિક ઍસિડ ફેંકવાની કિડનીની ક્ષમતા ઘટી જાય છે. શારીરિક પ્રવૃત્તિનો અભાવ, કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું અને ઓછો વ્યાયામ કરવાથી શરીરનું મેટાબૉલિઝમ ધીમું પડી જાય છે. જે લોકો સ્થૂળતા કે વધુ પડતા વજનથી પીડાય છે તેમના શરીરમાં પણ યુરિક ઍસિડનું નિર્માણ વધુ થાય છે.
તબીબી કારણોની વાત કરીએ તો જે લોકોને કિડની સંબંધિત કોઈ બીમારી હોય તેમની ગાળણ-પ્રક્રિયા નબળી પડે છે, જેને કારણે યુરિક ઍસિડ શરીરમાં જ ભેગું થવા લાગે છે. હાઈ બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ અને થાઇરૉઇડ જેવી બીમારીઓ ધરાવતા દરદીઓમાં પણ આ તકલીફ વધુ જોવા મળે છે. કેટલીક વાર હાઈ બ્લડ-પ્રેશર કે હૃદયરોગ માટે લેવાતી ચોક્કસ દવાઓ અને ડાયયુરેટિક્સ પણ શરીરમાં યુરિક ઍસિડ વધારે છે. આ ઉપરાંત ક્યારેક વારસાગત કે જિનેટિક કારણોસર પણ વ્યક્તિના શરીરમાં યુરિક ઍસિડ કુદરતી રીતે જ વધુ બનવા લાગે છે. આમ ખોરાકની બેદરકારી, પાણીની કમી, શારીરિક નિષ્ક્રિયતા અને આરોગ્યની અન્ય સમસ્યાઓ ભેગી મળીને શરીરમાં યુરિક ઍસિડના સ્તરને અનિયંત્રિત બનાવે છે. બાકી અમુક દવાઓ પણ છે જે મદદરૂપ થઈ શકે છે, પરંતુ એ માટે તમારે ડૉક્ટરની મુલાકાત લેવી. જો ડૉક્ટર કહે તો જ દવા ચાલુ કરવી.
-ડૉ. અમિત મહેતા