✕

દિવાળી પહેલાં રંગકામ કરાવતા હો તો ફેફસાંની આટલી કાળજી રાખજો

26 October, 2026 05:34 PM IST  |  Mumbai | Kajal Rampariya

દિવાળી નજીક આવે એટલે ઘરે-ઘરે રિનોવેશન અને રંગકામ પુરજોશમાં શરૂ થઈ જાય છે. રંગાયેલું નવું ઘર તાજગી આપે છે, પણ રંગકામ દરમ્યાન હવામાં ભળતી પેઇન્ટની સ્ટ્રૉન્ગ સ્મેલ અને એમાં રહેલાં રસાયણો આપણા શ્વસનતંત્ર પર વિપરીત અસર કરી શકે છે

પ્રતીકાત્મક તસવીર

દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તહેવાર દરમ્યાન ઘર નવું-કોરું લાગે એ માટે લોકો પેઇન્ટિંગનું કામ કરાવતા હોય છે. ઘરમાં નવા પેઇન્ટની સુગંધ ઘણા લોકોને ગમતી હોય છે, પણ એ વાસ્તવમાં હવામાં ભળેલાં ખતરનાક કેમિકલ ફ્યુમ્સનું મિશ્રણ હોય છે. પેઇન્ટમાંથી નીકળતાં આ અદૃશ્ય રસાયણો આપણા શ્વાસ સાથે શરીરની અંદર જઈને શ્વસનતંત્રના કાર્યમાં ખલેલ પેદા કરે છે. ખાસ કરીને નાનાં બાળકો, ઘરના વડીલો અને અસ્થમા કે ઍલર્જી હોય એવી વ્યક્તિ માટે આ સ્મેલ મુશ્કેલીનું કારણ બની શકે છે. આનો અર્થ એ નથી કે ઘરમાં પેઇન્ટ જ ન કરાવવો જોઈએ. આ તહેવારમાં ઘરની સજાવટ સાથે પરિવારના સ્વાસ્થ્યની સુરક્ષા કેવી રીતે જાળવવી એ નિષ્ણાત પાસેથી જાણીએ.

વૉલ પેઇન્ટ્સ શ્વસનતંત્ર પર કેવી અસર કરે છે એ વિશે વાત કરતાં પરેલની ગ્લેનીગલ્સ હૉસ્પિટલ્સના ચેસ્ટ ફિઝિશ્યન અને ફેફસાંના ‌નિષ્ણાત ડૉ. હરીશ ચાફલે કહે છે, ‘વૉલ પેઇન્ટમાં વૉલેટાઇલ ઑર્ગેનિકલ કમ્પાઉન્ડ્સ (VOC) એટલે કે ઊડીને હવામાં ભળી જાય એવાં કે‌મિકલ્સ હોય છે જે હવામાં ભળી જાય છે અને શ્વાસ દ્વારા શ્વાસનળીમાં પ્રવેશ કરે તો ગળામાં ખંજવાળ આવવી, ઉધરસ થવી, ઊબકા આવવા, માથાનો દુખાવો થવો, શ્વાસ ચડવો જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. જે લોકોને પહેલેથી જ શ્વસન-સંબંધિત બીમારીઓ છે તેમના માટે પેઇન્ટની સ્મેલ સ્થિતિ વધુ બગાડી શકે છે. આથી દુકાનમાંથી જ્યારે પેઇન્ટ ખરીદવા જાઓ અથવા રંગકામનો જેને કૉન્ટ્રૅક્ટ આપો તેમને VOCનું પ્રમાણ ઓછું અથવા નહીંવત્ હોય એવા જ વિકલ્પોની પસંદગી કરવાનું કહેવું જોઈએ. કલરકામ ચાલતું હોય ત્યારે અને એ પછી પણ ઘરનાં બારીબારણાં ખુલ્લાં રાખવાં જેથી તાજી હવાની અવરજવર થતી રહે અને સાથે એક્ઝૉસ્ટ ફૅનનો પણ ઉપયોગ કરવો જોઈએ જેથી કેમિકલયુક્ત હવા બહાર ફેંકાઈ જાય. જેમને અસ્થમાનો ઈશ્યુ છે અથવા તો ફેફસાં નબળાં છે એવા લોકોએ જ્યાં સુધી રંગ સંપૂર્ણપણે સુકાઈ ન જાય ત્યાં સુધી બીજે રહેવા જતું રહેવું જોઈએ. કલરકામ કરતા લોકોએ પણ પોતાની હેલ્થનું ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. આ માટે આખો દિવસ તેમણે મોઢા પર કપડું બાંધીને રાખવું જેથી તેમના શ્વાસમાં કેમિકલ ન પ્રવેશે.’

પૉઇન્ટ્સ ટુ બી નોટેડ

કયો પેઇન્ટ સૌથી સુરક્ષિત?

આટલું જાણ્યા બાદ ઘણા લોકોને એવો પ્રશ્ન ઉદ્ભવતો હશે કે વૉલ પેઇન્ટ શ્વસનતંત્ર માટે હાનિકારક છે તો કેવા પ્રકારના પેઇન્ટ સેફ ટુ યુઝ હોય એ વિશે વાત કરતાં ડૉ. હરીશ ચાફલે કહે છે, ‘ઘરનો કલર ખરીદતી વખતે એટલું ધ્યાન રાખવું કે એ વૉટરબેઝ્ડ હોય અને લો VOC હોય એટલે કે આ રસાયણનું પ્રમાણ ઓછું હોય. આ પેઇન્ટ ઘરની અંદરના વપરાશ માટે સેફ માનવામાં આવે છે. ઑઇલબેઝ્ડ પેઇન્ટની સરખામણીમાં આમાં બહુ ઓછા પ્રમાણમાં કેમિકલ્સ હોય છે. જો તમે ઑઇલબેઝ્ડ પેઇન્ટ લેશો તો એમાં સ્મેલ પણ બહુ સ્ટ્રૉન્ગ હશે અને કેમિકલ્સનું પ્રમાણ પણ વધુ હશે જે લાંબા સમય સુધી હવામાં રહે છે. આ જ કારણ છે કે ઑઇલબેઝ્ડ પેઇન્ટ ઘરની અંદર ન કરવો જોઈએ. લો VOC પેઇન્ટ પણ તદ્દન કેમિકલમુક્ત નથી હોતા. તેથી આ પેઇન્ટ વાપરતી વખતે પણ ઘરમાં યોગ્ય વેન્ટિલેશન રાખવું એટલું જ જરૂરી છે.’

રંગકામ પછી રહેવા ક્યારે જવું?

ઘણા લોકો પેઇન્ટ સુકાઈ જાય એટલે તરત જ એ રૂમમાં રહેવા જતા રહે છે. આ વિશે વાત કરતાં ડૉ. હરીશ ચાફલે કહે છે, ‘રંગકામ પૂરું થયા પછી ઓછામાં ઓછા ૪૮ કલાક એટલે કે બે દિવસ સુધી એ રૂમમાં વધુ સમય ન વિતાવવો જોઈએ, કારણ કે આ દરમ્યાન કેમિકલ્સનું પ્રમાણ હવામાં વધુ રહેલું હોય છે. જેમને અસ્થમા, ઍલર્જી કે ફેફસાંની કોઈ બીમારી હોય તેમણે જ્યાં સુધી સ્મેલ જતી ન રહે ત્યાં સુધી અંદર ન જવું જોઈએ. જો રંગકામ ચાલુ હોય અને તમારે ફરજિયાત ઘરમાં જ રહેવું પડે એમ હોય તો કેમિકલ્સ અને ગંધની અસરથી બચવા માટે એક સેફ ઝોન બનાવીને કેટલીક સાવચેતીઓ રાખવી જરૂરી છે. ઘરમાં જે રૂમમાં સૌથી છેલ્લે રંગકામ કરવાનું હોય અથવા જ્યાં રંગકામ નથી થઈ રહ્યું એને તમારો સેફ ઝોન બનાવો. એ રૂમનો દરવાજો હંમેશાં બંધ રાખો. જે રૂમમાં રંગકામ ચાલી રહ્યું હોય એ રૂમના દરવાજાની નીચેની જગ્યામાં ભીનો ટુવાલ કે કાપડ દાબી દો, જેથી બહારથી પેઇન્ટની ગંધ અને ઝેરી ફ્યુમ્સ તમારા રહેવાના રૂમમાં પ્રવેશ ન કરે. એકસાથે આખા ઘરમાં રંગકામ કરાવવાને બદલે એક સમયે એક જ રૂમને કલર કરાવવો જોઈએ. એક રૂમનું કામ પૂરું થાય, એનો કચરો સાફ થાય અને ગંધ ઓછી થાય ત્યાર પછી જ બીજા રૂમનું કામ શરૂ કરાવો. સીલિંગ ફૅન ફુલ સ્પીડમાં ચાલુ ન રાખવો, નહીંતર પેઇન્ટની ગંધ અને ધૂળ આખા ઘરમાં ફેલાઈ જશે. જો તમારી પાસે ઍર પ્યુરિફાયર હોય તો એને તમે જે રૂમમાં બેઠા હો કે ઊંઘતા હો ત્યાં ચાલુ રાખો. જો શક્ય હોય તો જે સમયે સૌથી વધુ કામ હોય અને પુટ્ટી ઘસવાની ધૂળ ઊડતી હોય એ સમય દરમ્યાન ઘરની નજીકના કોઈ પાર્કમાં, સોસાયટીના ગાર્ડનમાં કે સગાંસંબંધીને ત્યાં થોડો સમય વિતાવો અને રાતે કામ બંધ થાય ત્યારે પાછા પોતાના ઘરે આવી જાઓ.’

air pollution diwali health columnists gujarati mid day lifestyle news life and style