તમારી હળદરમાં ભેળસેળ છે?

11 September, 2026 01:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રસોડામાં પડેલા મસાલા-બૉક્સમાં હળદર ન હોય તો આપણે એ રસોઈને ઇમેજિન પણ નથી કરી શકતા. રસોઈ અને ઔષધિઓમાં વપરાતી હળદરમાં સીસાની ભેળસેળ હોવાનો અહેવાલ બહાર આવ્યા બાદ આ ઝેરી રસાયણથી આરોગ્યને શું નુકસાન થાય અને એનાથી કેવી રીતે બચી શકાય એ જાણો

હળદર

આયુર્વેદ અને રસોડામાં વ્યાપક પ્રમાણમાં વપરાતી જે હળદરને આપણે સ્વાસ્થ્યનો ખજાનો માનીએ છીએ એ જ આપણા શરીરમાં ધીમું ઝેર તો નથી ઘોળી રહીને? હાલમાં જ સામે આવેલા અહેવાલો મુજબ બજારમાં મળતી છૂટક હળદરમાં ૩૦થી ૪૦ ટકા જેટલાં સૅમ્પલ્સમાં સીસાનું પ્રમાણ ચિંતાજનક સ્તરે મળી આવ્યું છે. અત્યાર સુધી આપણને એવું જ લાગતું હતું કે ખેતરમાં પાકની લણણી એટલે કે હાર્વેસ્ટિંગ દરમ્યાન માટી કે પાણી દ્વારા સીસાના અંશ હળદરમાં રહી જતા હશે, પણ ભારતીય વૈજ્ઞાનિકોએ ૬ રાજ્યોમાંથી હળદરનાં સૅમ્પલ તપાસીને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે ખેતીની પ્રક્રિયામાં કોઈ ગરબડ નથી, આ બધો ખેલ પ્રોસેસિંગ દરમ્યાન થતી ભેળસેળનો જ છે. 
મે ૨૦૨૬માં NPJ સાયન્સ ઑફ ફૂડ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ પૂર્વ અને ઉત્તર ભારતના ભાગોમાંથી લેવાયેલાં છૂટક અને પૉલિશ્ડ હળદરનાં લગભગ ૩૦ ટકા સૅમ્પલમાં સીસાનું પ્રમાણ સુરક્ષા-મર્યાદા કરતાં ઘણું વધારે મળ્યું છે. હવે સવાલ એ થાય કે આ સીસું હળદરમાં આવે છે ક્યાંથી? વાત એમ છે કે હળદરને વધુ પીળી, ઘાટી અને ગ્રાહકને આકર્ષે એવી બતાવવા માટે પ્રોસેસિંગ દરમ્યાન વેપારીઓ દ્વારા લેડ ક્રોમેટ નામનું ઝેરી રસાયણ ભેળવવામાં આવે છે. એટલે કે દેખાવ સુધારીને વધુ ભાવ મેળવવાના ચક્કરમાં આરોગ્ય સાથે રમત રમાઈ રહી છે.

સીસાની ભેળસેળ શું અસર કરે?

સીસું શરીરમાં ગયા પછી બહાર નથી નીકળતું પણ ધીમે-ધીમે જમા થાય છે. શરૂઆતમાં તો ટેસ્ટ કરાવશો તો પણ ખબર નહીં પડે કે તમે હળદરના માધ્યમથી સીસાનું સેવન કરી રહ્યા છો. સીસાનું સેવન મગજના કોષોને ધીમે-ધીમે નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને નાનાં બાળકોમાં યાદશક્તિ નબળી પડવી અને માનસિક વિકાસ રૂંધાવા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. લાંબા ગાળે આ રસાયણ કિડની, લિવર અને હૃદયની કાર્યક્ષમતા ઘટાડે છે. એ લોહીમાં હીમોગ્લોબિન બનવાની પ્રક્રિયા અટકાવે છે જેનાથી એનીમિયા અને હાઈ બ્લડ-પ્રેશર થાય છે. ગર્ભવતી મહિલાઓ જો આવી હળદરનું સેવન કરે તો ગર્ભસ્થ શિશુના શારીરિક અને માનસિક વિકાસ પર કાયમી વિપરીત અસર પડી શકે છે.

તમારા ઘરની હળદર શુદ્ધ છે કે નહીં?

વૉટર-ટેસ્ટ : એક કાચના ગ્લાસમાં નવશેકું પાણી લો. એમાં એક ચમચી હળદર પાઉડર નાખો. એને હલાવ્યા વગર જ વીસથી ૩૦ મિનિટ રહેવા દો. શુદ્ધ હળદર હશે તો એ ધીમે-ધીમે ગ્લાસના તળિયે બેસી જશે અને ઉપરનું પાણી હળવું પીળું રહેશે. ભેળસેળ હશે તો પાણીનો રંગ એકદમ ઘાટો પીળો થઈ જશે અને કેમિકલ તળિયે બેસવાને બદલે પાણીમાં તરતું રહેશે.
ગંધ અને સ્પર્શથી ઓળખો : 
શુદ્ધ હળદરમાંથી એની કુદરતી, સોડમદાર અને તીવ્ર સુગંધ આવે છે. જો હળદરમાંથી કોઈ સુગંધ ન આવે અથવા કેમિકલ જેવી વાસ આવે તો સમજી જવું કે કંઈક ગરબડ છે. આ ઉપરાંત જો આખી હળદર ગાંઠિયા પર અતિશય પીળો પાઉડર ચોંટેલો દેખાય તો એ લેડ ક્રોમેટ એટલે કે સીસાનું કોટિંગ હોઈ શકે છે.
ઍસિડ-ટેસ્ટ : ટેસ્ટ-ટ્યુબમાં થોડી હળદર લઈને એમાં હાઇડ્રોક્લોરિક ઍસિડ અને પાણી ઉમેરતાં જો મિશ્રણ ગુલાબી કે જાંબુડિયા રંગનું થઈ જાય તો એમાં કૃત્રિમ રંગોની ભેળસેળ છે એની ખાતરી થાય છે.

lifestyle news life and style food news food and drink healthy living health tips