પાર્કિન્સન્સ ડિસીઝમાં દવા જીવનભર લેવાની?

29 September, 2021 01:45 PM IST  |  Mumbai | Dr. Shirish Hastak

ડૉક્ટરને બતાવેલું તો એમણે કહ્યું કે પાર્કિન્સન્સની આ શરૂઆત છે. મને આ રોગ કેમ થયો હશે? હું સમજી નથી શકતો. બીજું એ કે આ રોગ મને મટશે કે નહીં? એની ટ્રીટમેન્ટ કરાવું કે નહીં?

પ્રતીકાત્મક તસવીર

હું ૬૯ વર્ષનો છું અને મને છેલ્લા થોડા સમયથી હાથમાં સખત ધ્રુજારી ચાલે છે. એ આવે અને પછી બંધ થઈ જાય છે. આ સિવાય હાથ-પગ ખૂબ અકળાઈ જાય છે. ક્યારેક તો એટલા દુખે છે કે હલનચલન જ બંધ થઈ જાય છે. પીઠથી હું ઝૂકતો જાઉં છું અને આજકાલ પકડીને જ ચાલુ છું, કારણ કે ૨-૩ વાર બૅલૅન્સ જતું રહેલું અને પડી ગયેલો. ડૉક્ટરને બતાવેલું તો એમણે કહ્યું કે પાર્કિન્સન્સની આ શરૂઆત છે. મને આ રોગ કેમ થયો હશે? હું સમજી નથી શકતો. બીજું એ કે આ રોગ મને મટશે કે નહીં? એની ટ્રીટમેન્ટ કરાવું કે નહીં?
   
પાર્કિન્સન્સ એવો રોગ છે જે થવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ ન્યુરોલૉજિકલ ડિસઑર્ડર થવાનાં ઘણાં જુદાં-જુદાં કારણો હોય શકે છે. આ મગજને લગતો રોગ છે. ચેતાતંત્રના ન્યુરોટ્રાન્સમીટર્સ ખોરવાય છે ત્યારે આ રોગ થાય છે. આમ તો મોટા ભાગે વૃદ્ધાવસ્થામાં થતો રોગ છે, છતાં આજકાલ ૪૫ જેવી નાની ઉંમરે પણ આ રોગ જોવા મળે છે. તમે પૂછ્યું છે કે આ રોગ મને મટશે કે નહીં. તો અહીં સમજવાનું એ છે કે આ રોગ ક્યારેય મટતો નથી. આ એક એવો રોગ છે જે નાબૂદ થઈ શકતો નથી. જે રીતે બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ જેવા રોગ એક વાર થાય તો જિંદગીભર દવાઓ લેવી પડે એમ જ પાર્કિન્સન્સનું છે. દવાઓ દ્વારા તમે આ રોગને કન્ટ્રોલમાં રાખી શકાય છે. પરંતુ સંપૂર્ણપણે ક્યૉર નથી કરી શકાતો. 
આ રોગમાં જો તમે નિયમિત દવાઓ નહીં લો તો પણ આ રોગમાં બિલકુલ ચાલશે જ નહીં.  અહીં સમજવું બહુ જરૂરી છે કે દવાઓ જ આ સમસ્યાનો ૯૦ ટકા ઈલાજ છે. બાકીના ૧૦ ટકામાં એક્સરસાઇઝ અને ડાયટ વગેરે આવે છે. 
૧૯૬૦ સુધી આ રોગ માટેની કોઈ ખાસ દવાઓ આપણી પાસે હતી નહીં. એ સમયે આ રોગ ધરાવનાર વ્યક્તિ રોગની શરૂઆતથી લઈને ફક્ત ૯ વર્ષ જીવી શકતો હતો, પરંતુ આજે એના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરો, અકસીર દવાઓ, લોકોમાં જાગૃતિ અને વ્યવસ્થિત ટ્રીટમેન્ટને કારણે આજે એના પેશન્ટ્સની જેટલી ઉંમર છે ત્યાં સુધી તે ઘણી સારી જિંદગી જીવી શકવા સક્ષમ બની શકે છે. આમ પાર્કિન્સન્સ મટશે નહીં, પરંતુ એને મૅનેજ કરવા માટે દવાઓ જરૂરી છે. ગભરાવાની કે હતાશ થવાની જરૂર નથી. તમારા ડૉક્ટરની સલાહ મુજબ કરો તો બધું ઠીક રહેશે.

health tips