22 October, 2026 12:32 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
ચાલવું એ બેસ્ટ એક્સરસાઇઝ છે, પરંતુ આજકાલ સોશ્યલ મીડિયા પર સાદા નહીં, ખાસ પ્રકારના વૉકિંગનો ટ્રેન્ડ વાઇરલ થઈ રહ્યો છે. લોકો એને શરીરનો સોજો ઓછો કરવા, બ્લડ-સર્ક્યુલેશન વધારવા અને વજન ઓછું કરવા માટેની એક સરળ રીત તરીકે જોઈ રહ્યા છે. આ પ્રકારની ચાલવાની પદ્ધતિ ખરેખર કેટલી કારગર છે એ વિશે જાણીએ
લિમ્ફેટિક વૉકિંગ નામ સાંભળવામાં ભારેભરખમ લાગે છે. જોકે વાસ્તવિકતામાં આ કોઈ અઘરી એક્સરસાઇઝ નથી પણ ચાલવાની એક સિમ્પલ ટેક્નિક છે. સોશ્યલ મીડિયા પર એવો દાવો કરવામાં આવે છે કે આ પદ્ધતિથી ચાલવાથી શરીરની લિમ્ફેટિક સિસ્ટમ સક્રિય થાય છે. સોજો કે ભારેપણુ અનુભવાતું હોય તો લિમ્ફેટિક વૉકિંગ કરવાથી શરીર હળવું અનુભવાય છે એટલું જ નહીં, આ ટાઇપનું વૉકિંગ ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરે છે અને શરીરનાં ટૉક્સિન્સ પણ સરળતાથી બહાર નીકળી જાય છે. એવામાં આપણા માટે એ જાણવું જરૂરી બની જાય છે કે લિમ્ફેટિક વૉકિંગ શું છે, એનાથી શું ફાયદો થાય છે અને સોશ્યલ મીડિયા પર જે દાવાઓ થાય છે એ કેટલી હદ સુધી સાચા છે.
લિમ્ફેટિક સિસ્ટમ શું છે?
લિમ્ફેટિક વૉકિંગ વિશે સમજતાં પહેલાં શરીરની લિમ્ફેટિક સિસ્ટમ સમજવી જરૂરી છે. આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિનો અત્યંત મહત્ત્વનો હિસ્સો છે આ સિસ્ટમ. બ્લડ-સર્ક્યુલેશન સિસ્ટમને પૅરૅલલ એક ડ્રેનેજ સિસ્ટમ પણ શરીરમાં કાર્યરત હોય છે જે શરીરમાં રહેલા વધારાના પ્રવાહી કચરાને બહાર કાઢવાનું અને ઇન્ફેક્શન સામે લડવાનું કામ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો એ આપણા શરીરની ડ્રેનેજ અને સિક્યૉરિટી સિસ્ટમ છે.
આ સિસ્ટમ કોઈ એક અંગ નથી પરંતુ આખા શરીરમાં ફેલાયેલું એક મોટું નેટવર્ક છે જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે.
લિમ્ફ : આ એક રંગહીન કે આછા પીળા રંગનું પાણી જેવું પ્રવાહી છે જેમાં શ્વેત રક્તકણો હોય છે. એ શરીરમાંથી કચરો, બૅક્ટેરિયા અને વાઇરસને ખેંચી લે છે.
લિમ્ફ વેસલ્સ : લોહીની નસોની જેમ જ આખા શરીરમાં ફેલાયેલી બારીક નળીઓ છે જે લિમ્ફ પ્રવાહીનું વહન કરે છે.
લિમ્ફ નોડ્સ : આ નાની, વટાણા જેવી ગાંઠો હોય છે જે શરીરના જૉઇન્ટ્સમાં આવેલી હોય છે. ગરદન, બગલ, થાપાના સાંધાના તેમ જ પેટમાં એ ફેલાયેલી હોય છે અને આખીય ડ્રેનેજ સિસ્ટમમાં એ કનેક્ટિવ ફિલ્ટર તરીકે કામ કરે છે અને પ્રવાહીમાં રહેલા હાનિકારક કીટાણુઓનો નાશ કરે છે.
લિમ્ફેટિક સિસ્ટમનાં મુખ્ય કાર્યો
પ્રવાહીનું સંતુલન જાળવવું : લોહીની નસોમાંથી જે વધારાનું પ્રવાહી પેશીઓમાં છૂટું પડે છે એને આ સિસ્ટમ શોષી લે છે અને ફરીથી લોહીના પ્રવાહમાં ભેળવી દે છે. જો આ સિસ્ટમ કામ ન કરે તો શરીરમાં સોજા આવી જાય છે.
રોગપ્રતિકારક શક્તિ : લિમ્ફ સિસ્ટમ શરીરમાં ઘૂસી આવેલાં વાઇરસ, બૅક્ટેરિયા અને અન્ય હાનિકારક તત્ત્વો સામે લડે છે.
ચરબીનું શોષણ : આપણું પાચનતંત્ર ખોરાકમાંથી જે ચરબી અને પોષક તત્ત્વો શોષે છે એને લોહી સુધી પહોંચાડવાનું કામ પણ લિમ્ફ વેસલ્સ કરે છે.
હવે લિમ્ફેટિક વૉકિંગને સમજીએ
લિમ્ફેટિક વૉકિંગ એટલે સામાન્ય રીતે ચાલવાની સાથે-સાથે શ્વાસ પર નિયંત્રણ રાખવું, હાથને જાણીજોઈને ચોક્કસ રીતે હલાવવા અને અમુક ખાસ સ્ટેપિંગ પૅટર્ન (પગલાં ભરવાની રીત) ફૉલો કરવી. સોશ્યલ મીડિયા પર આને એવી રીતે પ્રમોટ કરવામાં આવે છે કે આ ખાસ પ્રકારનું ચાલવું શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢવા માટેની લિમ્ફેટિક સિસ્ટમને સુધારે છે અને ડ્રેનેજ ફાસ્ટ કરે છે. સામાન્ય રીતે આપણને એવો સવાલ થાય કે રેગ્યુલર વૉક અને લિમ્ફેટિક વૉકમાં શું તફાવત છે? તો રેગ્યુલર વૉકિંગમાં આપણે સામાન્ય રીતે હળવાશથી હાથ હલાવીએ છીએ અથવા પોઝિશન ફિક્સ રાખીને ચાલીએ છીએ, જ્યારે લિમ્ફેટિક વૉકિંગમાં હાથને વધુ સક્રિય રીતે ઉપર-નીચે કે ક્રૉસ ડિરેક્શનમાં હલાવવામાં આવે છે, જેથી અપર બૉડીના લિમ્ફ નોડ્સ ઉત્તેજિત થાય. સામાન્ય ચાલતી વખતે આપણું ધ્યાન શ્વાસ પર હોતું નથી. લિમ્ફેટિક વૉકિંગમાં ઊંડા શ્વાસ લેવા પર વિશેષ ભાર આપવામાં આવે છે, જે લિમ્ફ પ્રવાહીના વહનમાં પમ્પિંગ જેવું કામ કરે છે. આમાં સામાન્ય ચાલવા કરતાં પગલાં ભરવાની ગતિ અને પૅટર્ન પર થોડું વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે જેથી સ્નાયુઓનું સંકોચન મહત્તમ થાય.
વૉકિંગ અને લિમ્ફેટિક સિસ્ટમનો સંબંધ
વૉકિંગનો લિમ્ફેટિક સિસ્ટમ સાથે શું સંબંધ છે અને આ રીતે ચાલવાથી શું ફાયદો થાય છે એ વિશે વાત કરતા ફિઝિયોથેરપિસ્ટ ડૉ. કશિશ શાહ શેઠ કહે છે, ‘સાયન્ટિફિક દૃષ્ટિએ સમજીએ તો કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ કરવાથી કે ચાલવાથી લિમ્ફેટિક સિસ્ટમને ફાયદો થાય જ છે, કારણ કે આપણા સ્નાયુઓનું હલનચલન જ લિમ્ફ-ફ્લો માટે કુદરતી પમ્પનું કામ કરે છે. તમે જ્યારે ચાલો છો ત્યારે તમારા પગના સ્નાયુઓ સક્રિય થાય છે અને કામ કરવા લાગે છે, બ્લડ-સર્ક્યુલેશન સુધરે છે, હૃદય અને રક્તવાહિનીઓનું સ્વાસ્થ્ય મજબૂત બને છે. લિમ્ફેટિક વૉકિંગ કોઈ જાદુઈ પ્રક્રિયા નથી જે રાતોરાત શરીરનાં ઝેરી તત્ત્વો અથવા વજન ઘટાડી નાખે. હા, એ રેગ્યુલર વૉકિંગ જેટલી જ કૅલરી બર્ન કરે છે અને ફિટનેસમાં મદદ કરે છે. લિમ્ફેટિક વૉકિંગમાં જે ખાસ હાથ હલાવવાની અને શ્વાસ લેવાની રીત બતાવવામાં આવે છે એ એક પ્રકારનું માઇન્ડફુલ વૉકિંગ જ છે. જો તમે રેગ્યુલર વૉકિંગ કરતી વખતે પણ ઊંડા શ્વાસ લો અને બૉડીને ઍક્ટિવ રાખો તો પણ એટલો જ ફાયદો મળે છે. ટૂંકમાં, આ કોઈ ચમત્કારિક ટ્રેન્ડ નથી પરંતુ સાદી વૉકિંગની જ એક વધુ સભાન અને સક્રિય પદ્ધતિ છે જે સ્વાસ્થ્ય માટે સારી છે.’