16 November, 2026 12:01 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
હમણાં મેં મુંબઈના એક અખબારમાં ઍડ્વર્ટાઇઝમેન્ટ વાંચી, જેમાં લખ્યું હતુંઃ ધાતુ રોગ થયો હોય તો ડરતા નહીં, અમે આયુર્વેદથી એને જડમૂળથી કાઢીશું. સંપર્ક કરો...
આ ઍડ્વર્ટાઇઝમેન્ટ વાંચતાં જ દિમાગ ચકરાવે ચડી ગયું. આજના આ મૉડર્ન સમયમાં પણ લોકો કેવી-કેવી ભ્રમણાઓ ફેલાવે છે, કેવી-કેવી ખોટી માન્યતાને હવા આપે છે. વાત આગળ વધારતાં પહેલાં જેમને આ ધાતુ રોગ વિશે ખબર નથી તેમને જરાક સ્પષ્ટતા કરી દઈએ. મૅસ્ટરબેશનને કારણે શરીર અંદરથી ખોખલું થઈ જાય અને સ્પર્મ-કાઉન્ટ ઘટી જાય એને ધાતુ રોગ કહે છે. હકીકતમાં આવો કોઈ રોગ છે નહીં.
આપણા સમાજના હજારો-લાખો એજ્યુકેટેડ લોકોમાં આજે પણ મૅસ્ટરબેશન માટે ભયાનક અજ્ઞાન છે. તેમને એવું જ લાગે છે કે મૅસ્ટરબેશન કરવું એ પાપ છે, એનાથી શરીરને નુક્સાન થાય છે અને એનાથી ભવિષ્યમાં પુરુષાતન નાશ પામે છે. સેક્સોલૉજી અને સાઇકોલૉજીની ભાષામાં આવી મનોદશાને મૅસ્ટરબેશન-ગિલ્ટ કહે છે.
કેટલાક ઊંટવૈદ્યો દ્વારા આ આખું જૂઠાણું ફેલાવવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે સ્પર્મનું એક ટીપું ૧૦૦ ટીપાં લોહીમાંથી બને છે. આ વાતનો કોઈ જ વૈજ્ઞાનિક કે મેડિકલ આધાર નથી અને એ પછી પણ આ કપોળકલ્પિત વાત વાયુવેગે લોકો સુધી પહોંચે છે અને લોકો એના સિન્ડ્રૉમમાં ખોટેખોટી ટ્રીટમેન્ટ કરાવ્યા કરે છે. હકીકત એ છે કે સ્પર્મ એ શરીરના અન્ય પ્રવાહીઓ જેવું જ એક સામાન્ય બાયોલૉજિકલ સ્રાવ છે, જે ટેસ્ટિકલ્સ અને પ્રોસ્ટેટ ગ્રંથિમાં સતત બનતું રહે છે. જો એ બૉડીમાંથી બહાર ન આવે તો પણ શરીર એને ફરીથી શોષવાની ક્ષમતા ધરાવે છે. સેક્સ-એજ્યુકેશનની અહીં જ તાતી જરૂર છે અને એ એજ્યુકેશન પોતાના ટીનેજ દીકરાને આપવાની જવાબદારી પપ્પાની છે. દીકરાને એક પપ્પાથી વધુ સાચી સલાહ બીજું કોઈ ન આપી શકે; પણ એ માટે પપ્પાએ પરિપકવતા દેખાડવી રહી અને દીકરાને સમજાવવો રહ્યો કે મૅસ્ટરબેશન એ તદ્દન કુદરતી, સામાન્ય અને સુરક્ષિત શારીરિક પ્રક્રિયા છે; એનાથી ન તો આંખો નબળી પડે છે, ન તો કમરમાં દુખાવો થાય છે કે ન તો ભવિષ્યમાં નપુંસકતા આવે છે.
અજ્ઞાન વચ્ચે સંતાન અજાણતાં જ ખોટા અને ઊંટવૈદું કરતા લોકોની અડફેટે ચડી જાય છે અને પછી નાહકના અપરાધભાવ અને ભયને કારણે મગજમાં તનાવના હૉર્મોન્સ સક્રિય થાય છે અને પછી એ બીજી પરેશાનીઓની સાઇકોલૉજિકલ પીડા શરૂ થાય છે જેને મેડિકલ ભાષામાં સાયકોજેનિક ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કહે છે. પરિણામે કાગનું બેસવું અને ડાળનું પડવું જેવો ઘાટ સર્જાય છે. તે એવું માને છે કે તેની જૂની આદતે તેને બરબાદ કર્યો, વાસ્તવમાં ડર અને અજ્ઞાને તેને શારીરિક રીતે નબળો પાડ્યો હોય છે. આ માનસિક જાળમાંથી બહાર નીકળવું અનિવાર્ય છે, જેના ત્રણ રસ્તા છે. એક, સાયન્સને સ્વીકારો. બીજું, આ પ્રકારની કોઈ બીમારી છે નહીં એ વાત મનમાં સ્ટોર કરો અને ત્રીજું, આવી ખોટી વાતો ફેલાવતા લેભાગુ તત્ત્વોથી બચો અને આ કામ ફૅમિલીની મેલ-પર્સનાલિટી કે ફાધર દ્વારા જ થઈ શકે.