10 November, 2025 07:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકાના હાર્ટ અસોસિએશન દ્વારા હાથ ધરવામાં આવેલા તાજેતરના એક અભ્યાસમાં એવું બહાર આવ્યું હતું કે મેલટૉનિન હૉર્મોનનો સંબંધ હાર્ટ-અટૅકની વધી રહેલી સંખ્યા સાથે હોઈ શકે છે.
મેલટૉનિન મગજની એક ગ્રંથિમાંથી નિર્મિત થતું હૉર્મોન છે જે માણસની ઊંઘને વ્યવસ્થિત કરવાનું કામ કરે છે. અનિદ્રાથી પીડાતા અસંખ્ય દરદીઓ દવા તરીકે આ હૉર્મોનનો ઉપયોગ કરે છે. જોકે ડૉક્ટરો મેલટૉનિનના વધતા વપરાશ સામે ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે.
અનિદ્રાથી પીડાતા ૧,૩૦,૦૦૦ જેટલા લોકો પર થયેલા આ અભ્યાસના તારણમાં એવું કહેવાયું છે કે સેફ માનવામાં આવતી મેલટૉનિનની દવાઓથી હૃદય પર માઠી અસર પડી શકે છે. આ અભ્યાસમાં એવું સૂચવાયું છે કે લાંબા ગાળાનો મેલટૉનિનનો ઉપયોગ
હાર્ટ-ફેલ્યર કે અકાળ અવસાનના રિસ્ક સાથે જોડાયો છે અને સામાન્ય લોકો કરતાં એક વર્ષથી વધુ સમયથી મેલટૉનિન લેતા લોકોમાં હાર્ટ-ફેલ્યરની શક્યતા ૯૦ ટકા વધારે રહે છે.
જોકે તબીબી ક્ષેત્રના કેટલાક નિષ્ણાતોએ એવો પણ મત દર્શાવ્યો હતો કે આ જ અભ્યાસ પરથી એવું પણ કહી શકાય કે હાર્ટની તકલીફ પહેલેથી જ હોવાથી વ્યક્તિ સૂઈ ન શકતી હોય એવું બની શકે છે અને ઊંઘ માટે તે મેલટૉનિનની ગોળીઓ લેતી હોય. એટલે કે અનિદ્રાની સમસ્યા ખરેખર તો લક્ષણ હોઈ શકે છે હાર્ટ-પ્રૉબ્લેમનું. અત્યારે સામાન્ય નજરે જોઈએ તો હાર્ટ-પ્રૉબ્લેમ ધરાવતા લોકોમાં ઊંઘની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે. એટલે એ લોકો અનિદ્રાનો ઇલાજ શોધે છે, જેમ કે મેલટૉનિન. આ જ કારણોસર મેલટૉનિન લેવામાત્રથી હૃદયની સમસ્યા વધે છે સીધેસીધું અનુસંધાન ન બાંધી શકાય.