24 April, 2026 07:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
ઘણા પુરુષો પેશાબ કર્યા પછી સફાઈ કરવાની આદતને મહત્ત્વ આપતા નથી, પરંતુ હેલ્થ-નિષ્ણાતો હવે આ બાબતે ગંભીર ચેતવણી આપી રહ્યા છે. તાજેતરના સર્વેક્ષણ મુજબ એક-તૃતીયાંશથી વધુ પુરુષો પેશાબ કર્યા પછી એ હિસ્સો ક્યારેય સાફ કરતા નથી જે તેમને ગંભીર ચેપ અને અન્ય સ્વાસ્થ્ય-સમસ્યાઓ તરફ દોરી શકે છે. પુરુષોની મૂત્રનળીમાં પેશાબ કર્યા પછી થોડાં ટીપાં રહી જવાની શક્યતા વધુ હોય છે. જો આ અવશેષોને યોગ્ય રીતે દૂર કરવામાં ન આવે તો એ જનનાંગવાળા ભાગમાં ભીનાશ અને ભેજને કારણે બૅક્ટેરિયા અને ફૂગ માટે પ્રજનનક્ષેત્ર બની જાય છે જેનાથી ઇન્ફેક્શન થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
નિષ્ણાતોના મતે આ બેદરકારીને કારણે બલેનાઇટિસ એટલે કે લિંગના ઉપરના ભાગમાં સોજો અને ચેપ, એ હિસ્સાની ચામડીમાં લાલાશ, ખંજવાળ, બળતરા અને અસહ્ય દુખાવો પેદા થઈ શકે છે. જો સારવાર ન થાય તો એનાથી લિંગની ચામડી ફાટી શકે છે અથવા એ કડક થઈ શકે છે. નિષ્ણાતો સૂચન આપે છે કે પેશાબ કરતી વખતે ફોરસ્કિનને સંપૂર્ણપણે પાછળ ખેંચવી. મૂત્રાશય ખાલી કર્યા પછી બાકી રહેલાં પેશાબનાં ટીપાં બહાર કાઢવા માટે લિંગને હળવેથી દબાવવું. ત્યાર બાદ ટૉઇલેટ પેપર વડે એ ભાગને હળવેથી લૂછીને કોરો કરવો.