માસિકચક્રની શરમથી સન્માન સુધીની અનોખી સફર

09 November, 2025 10:48 AM IST  |  Mumbai | Laxmi Vanita

ભારતનાં ૨૦૦ ગામડાંઓમાં બિલકુલ નથી થતું સૅનિટરી પૅડનું હાનિકારક પૉલ્યુશન

નૉન-બાયોડિગ્રેડેબલ સૅનિટરી પૅડ્સના વિકલ્પ તરીકે રીયુઝેબલ પૅડ્સ અને મેન્સ્ટ્રુઅલ કપના ઉપયોગ થકી પ્રદૂષણ અટકાવવા માટે અનેક ગામડાંઓની મહિલાઓ સજ્જ થઈ છે.

આજના યુઝ ઍન્ડ થ્રોના જમાનામાં પિરિયડ્સ માટે ડિસ્પોઝેબલ પૅડ્સ વાપરવાનું ખૂબ સહેલું બની રહ્યું છે ત્યારે ભારતનાં કેટલાંક ગામડાં ડિસ્પોઝેબલ પૅડ્સથી મુક્ત બની રહ્યાં છે એટલું જ નહીં, માસિકચક્રમાં વપરાતી પ્રોડક્ટ્સનો અહીં કચરો નીકળતો જ નથી.  ગ્રામાલય જેવી સંસ્થાઓએ ગામેગામ ફરીને બહેનોને માસિકચક્રના કચરાથી મુક્ત કરી દીધી છે એટલું જ નહીં, ગામડાંઓની મહિલાઓને સશક્ત કરીને અને ગામેગામ રીયુઝેબલ પૅડ અથવા મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરીને ગામને ૧૦૦ ટકા પૅડ્સના કચરાથી મુક્ત કરવાનું મૉડલ રાષ્ટ્રીય સ્તરે પ્રેરણારૂપ બન્યું છે. ૨૧ નવેમ્બરે ભારતમાં પાંચમી મેન્સ્ટ્રુઅલ હાઇજિન મૅનેજમેન્ટ સમિટ યોજાવાની છે ત્યારે વાત કરીએ પર્યાવરણ-ફ્રેન્ડ્લી પિરિયડ્સ પ્રોડક્ટ્સ માટે જાગરૂક ગામડાંઓની

પૅડ્સને કુદરતમાં વિઘટિત થવા માટે ૫૦૦થી ૮૦૦ વર્ષનો સમય લાગે છે. જો એમને બાળવામાં આવે તો એનાથી ઝેરી ધુમાડો ઉત્પન્ન થાય છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. તેથી ગામોમાં રિસર્ચ કરીને કપાસ આધારિત રીયુઝેબલ પૅડ્સને રજૂ કરવામાં આવ્યાં. મહિલાઓ અને પુરુષો આ વાત સમજતાં થયાં ત્યારે આ ગામોને ૧૦૦ ટકા ઝીરો મેન્સ્ટ્રુઅલ વેસ્ટ જાહેર કરવામાં આવ્યાં છે.

શરૂઆતની સૌથી કઠિન ચર્ચા મહિલાઓ સાથે નહીં પરંતુ પુરુષો સાથે હતી. ઘણા પુરુષો માટે આ વિષય કુટુંબની અંદરની વાત માની લેવાતો હતો. જોકે ચર્ચાને ગામની સફાઈ અને સ્વાસ્થ્યનાં ચશ્માંથી રજૂ કરતાં ધીમે-ધીમે વલણ બદલાતું ગયું. આજે અનેક ગામોમાં પુરુષો માસિક સ્વચ્છતા વિશે મંચ પર બોલે છે, જે પહેલાંના સમયમાં કલ્પના બહારનું હતું.

હજી તો અનેક ગામડાંઓમાં મહિલાઓને પિરિયડ્સ દરમ્યાન સ્વચ્છતા જાળવવા માટે સૅનિટરી પૅડ્સ વાપરતાં શીખવવાનું ચાલી રહ્યું છે ત્યાં કેટલાંક ગામડાં એનાથીયે એક ડગલું આગળ છે. પિરિયડ્સ દરમ્યાન પર્સનલ હાઇજિન જાળવવા ઉપરાંત પર્યાવરણનું હાઇજિન પણ જળવાય એ માટેની અનોખી પહેલ ભારતના અનેક ખૂણે થઈ રહી છે. માસિકધર્મ દરમ્યાન વપરાતાં ડિસ્પોઝેબલ પૅડ્સને કારણે પર્યાવરણ પર અધધધ ભાર વધી રહ્યો છે. એક અંદાજ મુજબ ભારતમાં વર્ષે ૧૨.૩ બિલ્યન પૅડ્સનો ૧,૧૩,૦૦૦ ટન નૉન-બાયોડિગ્રેડેબલ કચરો ઉકરડામાં જાય છે અને એ પણ પર્યાવરણને થતું મોટું નુકસાન જ છે જે જમીન અને પાણી બન્નેને પ્રદૂષિત કરે છે. 

હિમાચલ પ્રદેશના સ્પીતિ વૅૅલીમાં પણ મહિલાઓએ રીયુઝેબલ કૉટન પૅડ્સ સ્વીકારીને પિરિયડ્સને લગતો કચરો પેદા ન કરવાની નેમ લીધી હતી.

માસિક સ્વચ્છતા વિશે વર્ષોથી ચાલી આવતી શરમ, અંધશ્રદ્ધા અને મૌન સેવવાની પરંપરાએ માત્ર સ્ત્રીઓના આરોગ્ય પર જ નહીં, પર્યાવરણ પર પણ ભારે અસર કરી છે. આવા સમયે કેટલાંક ગામોએ સ્વચ્છતા અને પર્યાવરણને કેન્દ્રમાં રાખીને એક નવો માર્ગ અપનાવ્યો છે. કેરલાનું કુંબલંગી ગામ ભારતની પ્રથમ એવી સૅનિટરી નૅપ્કિનમુક્ત ગ્રામ પંચાયત તરીકે ઓળખાય છે જ્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓએ મેન્સ્ટ્રુઅલ કપ્સ અને રીયુઝેબલ કૉટન પૅડ્સ વહેંચીને સસ્ટેનેબલ માસિક સ્વચ્છતા અંગે વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું. આ પહેલ માત્ર પ્રોડક્ટના વિતરણ સુધી સીમિત નહોતી. મહિલાઓ સાથે સંવાદ, ટ્રેઇનિંગ અને આરોગ્ય-જાગૃતિ એનાં માધ્યમો હતાં. મુહમ્મા ગામે પણ સમાન મૉડલ અપનાવીને માસિક ધર્મ સાથે સંકળાયેલી જૂની માન્યતાઓને પુનઃ મૂલ્યાંકિત કરવાનું શરૂ કર્યું. કર્ણાટકના મૈસુરનું નાગાવાલા ગામ પણ ૧૦૦ ટકા મેન્સ્ટ્રુઅલ વેસ્ટ-ફ્રી ગામનું ઉદાહરણ છે. જોકે તામિલનાડુના તિરુચિરાપલ્લી શહેર પાસે આવેલી એક નાની સંસ્થા ગ્રામાલયે સ્ત્રી-સ્વાસ્થ્ય અને સ્વચ્છતા-ક્ષેત્રમાં એક નવો જ અધ્યાય લખ્યો છે જે સમગ્ર દેશમાં પ્રેરણા આપે છે. ખાસ કરીને તેમણે બનાવેલું ‘મેન્સ્ટ્રુઅલ વેસ્ટ-ફ્રી વિલેજ’ એટલે કે માસિક ચક્રના કચરાથી મુક્ત ગામ એ એક અનોખું અને અનુકરણીય ઉદાહરણ બન્યું છે.


તામિલનાડુમાં ગામની જ બહેનો સ્કૂલોમાં જઈને કચરા-ફ્રી માસિકચક્ર તેમ જ સ્વચ્છતા બાબતે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે.

WASHMAN પ્રોજેક્ટ

ગ્રામાલય સંસ્થાએ આ ક્ષેત્રમાં વધુ વ્યવસ્થિત અને લાંબા ગાળાનું કાર્ય કર્યું છે. પોતાના WASHMAN (Water, Sanitation and Hygiene Management) પ્રોજેક્ટ હેઠળ સંસ્થાએ પુડુકોટ્ટૈ જિલ્લામાં રીયુઝેબલ કૉટન પૅડ્સના ઉપયોગને પ્રોત્સાહન આપતાં માસિક કચરાને નોંધપાત્ર રીતે ઘટાડ્યો. શરૂઆતમાં એ.ટી.કે. નગર, મલ્લૈયાદિપટ્ટી અને સેંગલુર જેવાં ગામોમાં પાઇલટ કાર્યક્રમો ચલાવવામાં આવ્યા. સ્થાનિક સ્ત્રીઓને કપડાનાં રીયુઝેબલ પૅડ બનાવવાની તાલીમ આપીને સ્વચ્છતા અને રોજગારી બન્નેનો સહયોગ મળ્યો. સંસ્થાની સતત મહેનત અને સમુદાયના સહયોગથી આ પ્રયત્નો ૧૫૯ ગામો સુધી પહોંચ્યા. ૨૦૨૨માં મુલુકાપટ્ટી ગામને ૨૦૦મું ‘મેન્સ્ટ્રુઅલ વેસ્ટ-ફ્રી’ ગામ જાહેર કરવામાં આવ્યું જે આ પહેલ માટે એક મહત્ત્વપૂર્ણ માઇલસ્ટોન છે. આ મૉડલમાં માત્ર ઉત્પાદન અથવા વિતરણનો મુદ્દો નથી; પરંતુ સ્ત્રીઓના પસંદગીના અધિકાર, સ્વાસ્થ્ય-સુરક્ષા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને કેન્દ્રસ્થાનમાં રાખવામાં આવ્યાં છે. 
આપણે આજે આ વાત શા માટે કરી રહ્યા છીએ? આ મહિનાની ૨૧ નવેમ્બરે પાંચમી MHM India Summit (Menstrual Hygiene Management Summit) યોજાવાની છે. તો જાણીએ કે એ શું છે. ગ્રામાલય દ્વારા આયોજિત આ સમિટ દેશવ્યાપી સ્તરે માસિક સ્વચ્છતા અંગે સંવાદ અને પરિવર્તન લાવવા માટેનો એક મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય મંચ છે. આ સમિટની શરૂઆત ૨૦૧૯માં દિલ્હીમાં થઈ હતી. ત્યાર પછી ૨૦૨૨, ૨૦૨૩ અને ૨૦૨૪માં સતત ૩ વધુ સંસ્કરણો યોજાઈ ચૂક્યાં છે. આ સમિટમાં નીતિનિર્માતાઓ, આરોગ્ય-નિષ્ણાતો, NGO કાર્યકરો, CSR ભાગીદારો, શિક્ષણવિદો અને ઇકો-ફ્રેન્ડ્લી માસિક ઉત્પાદનોના નિર્માતાઓ ભાગ લે છે જેથી તેઓ પોતાના અનુભવ, સંશોધન અને પ્રયોગોને વહેંચી શકે. સાથે જ આ સમિટ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે નીતિઓ, રોજગારી આધારિત મૉડલ્સ અને ઝીરો-વેસ્ટ મેન્સ્ટ્રુઅલ સૉલ્યુશન્સને અપનાવવા માટે સહકારનું માળખું ઊભું કરે છે.


પ્રીતિ દામોદરન, ગ્રામાલય, ડિરેક્ટર

આ મૉડલ માટે ટૉઇલેટ અનિવાર્ય

ગ્રામાલય સંસ્થાએ આ મૉડલને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રેરણારૂપી બનાવ્યું છે. આ સંસ્થાનાં ડિરેક્ટર પ્રીતિ દામોદરન કહે છે, ‘એક ગામને મૉડલ બનાવવા માટે ઘણાં બધાં પરિબળોને ધ્યાનમાં રાખવાં પડે છે. હું ૨૦૦મું ગામ મુલ્લુકાપટ્ટી જે ઝીરો મેન્સ્ટ્રુઅલ વેસ્ટ તરીકે જાહેર થયું એના ઉદાહરણ દ્વારા આખી પ્રક્રિયા સમજાવું. આ ગામમાં લગભગ ૨૭૩ પરિવારો (મહિલાઓ અને બાળકો સહિત ૧૨૭૦થી વધુ લોકો) વસે છે. આ ગામે વર્ષો સુધી ખાસ કરીને મહિલાઓ અને કિશોરવયની છોકરીઓ માટે સ્વચ્છતા અને આરોગ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓનો સામનો કર્યો હતો. ૨૦૨૩ સુધીમાં ગામમાં ઓપન ડિફેકેશન એક મોટો પ્રશ્ન હતો, કારણ કે ગામના લોકોને રોજેરોજ શૌચ માટે બેથી ૩ કિલોમીટર ચાલવું પડતું હતું. મહિલાઓ અને છોકરીઓએ અપમાન, હેરાનગતિ અને અસુરક્ષાથી બચવા માટે વહેલી સવારે ચારથી પાંચ વાગ્યે અથવા સાંજે સાતથી ૮ વાગ્યે બહાર જવું પડતું હતું, જેને કારણે તેમના સ્વાસ્થ્ય અને સલામતી પર ભારે જોખમ ઊભું થતું હતું. ઘણી વાર તેમને એકલા જવાનો ડર લાગતો હોવાથી મૂત્ર તથા મળવિસર્જન દબાવી રાખવું પડતું હતું. જો કોઈને દસ્ત (ડાયેરિયા) કે અન્ય કોઈ બીમારી હોય તો આ સ્થિતિ વધુ ખરાબ થતી અને ઘણી વખત પેટમાં ક્રોનિક દુખાવા જેવી સમસ્યાઓ થતી. સરકારી યોજના હેઠળ ગામમાં કેટલાંક ટૉઇલેટો બનાવવામાં આવ્યાં હતાં, પરંતુ જાગૃતિ અને સમજણના અભાવે ઘણાં ટૉઇલેટોનો પશુઓ રાખવાના ખૂણે, લાકડાંના ભંડાર તરીકે અથવા રસોઈની વસ્તુઓ મૂકવાના સ્થાન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. આ પડકારને ઉકેલવા માટે અમે ગામમાં ૨૬૦ SMART ટૉઇલેટો બનાવ્યાં. એટલે કે દરેક ટૉઇલેટમાં પાણીનો પુરવઠો, પ્રકાશ અને ટ્વિન-પીટ ઝીરો-વેસ્ટ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના દ્વારા માનવકચરો પાંચથી ૭ વર્ષમાં સુરક્ષિત ખાતરમાં પરિવર્તિત થઈ શકે છે. સ્વાભિમાનની ભાવના અને લાંબા ગાળાની જવાબદારી ઊભી થાય એ માટે દરેક પરિવારને ૩૦૦૦ રૂપિયાનું યોગદાન કરવાનો વિકલ્પ અપાયો. કેટલાકે આ રકમ શ્રમદાનરૂપે આપીને પીટ ખોદવાનું અને બેઝમેન્ટ તૈયાર કરવાનું કામ કર્યું.’


પુડ્ડુકોટાઇ જિલ્લાની બહેનોએ માસિકને લગતી સમસ્યાઓ છુપાવવાને બદલે સમયાંતરે મીટિંગ કરીને વાતચીત દ્વારા એનો હલ લાવવાનું અભિયાન શરૂ કર્યું છે.

સૅનિટરી પૅડ્સને ફેંકવાં ક્યાં? 

ગામમાં માત્ર ટૉઇલેટ નહીં પરંતુ પાણી પણ એક મોટો પડકાર હતો એમ જણાવતાં પ્રીતિ કહે છે, ‘પાણીની તંગી પણ મુલ્લુકાપટ્ટીનો એક મોટો પડકાર રહ્યો હતો. પીવાના સ્વચ્છ પાણીનો કોઈ વિશ્વસનીય સ્રોત નહોતો અને લોકો એક ઘડો પાણી માટે ૧૫ રૂપિયા ચૂકવવા મજબૂર હતા. આ પાણીની ગુણવત્તા પણ ઘણી વાર શંકાસ્પદ રહેતી. ગામની ઓવરહેડ ટાંકીમાંથી આવતું પાણી પણ ખારું હતું. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે અમે વરસાદી પાણીના સંચય અને શુદ્ધીકરણની પ્રણાલી સ્થાપિત કરી. આ સિસ્ટમથી ૨૦ પરિવારોને સુરક્ષિત પીવાનું પાણી મળ્યું, આર્થિક બોજ ઓછો થયો અને પાણીનો સતત અને સ્થિર સ્રોત ઊભો થયો. પાણીની તંગી વખતે આ સિસ્ટમ પાડોશી ઘરો અને ગામોને પણ મદદરૂપ થઈ. જ્યારે આ સમસ્યાઓ હલ થઈ ત્યાર બાદ અમે મુખ્ય મુદ્દા સુધી પહોંચ્યા. હવે અહીં માસિક સ્વચ્છતા પણ એક ગંભીર સમસ્યા હતી. પરંપરાગત રીતે મહિલાઓ જૂના ધોયેલા કપડાના ટુકડાઓ જેમ કે ધોતિયાં, સાડી, સ્કર્ટ, ટુવાલ અથવા જૂના ધાબળાના ભાગોનો ઉપયોગ કરતી. આ કપડાં ઝડપમાં ધોઈને લોકોની નજરથી બચાવીને છાયાવાળી જગ્યાએ સૂકવવામાં આવતાં જેથી પુરુષોની નજરે ન ચડે. પૂરતો સૂર્યપ્રકાશ ન મળવાથી આ કપડાંમાં ફૂગ, દુર્ગંધ અને ક્યારેક જીવાતો પણ થાય જે ગંભીર ચેપનું જોખમ વધારતાં. જેમની પાસે ડિસ્પોઝેબલ સૅનિટરી પૅડ્સ હતાં તેઓ એક પેડને ૧૦-૧૨ કલાક અને ક્યારેક તો ૨૪ કલાક સુધી પણ વાપરતા, કારણ કે તેમને જાણ નહોતી કે પૅડને તો દર બે-ચાર કલાકે બદલવું જોઈએ. વાપર્યા પછી એને ડિસ્પોઝ ક્યાં અને કેવી રીતે કરવાં એની પણ સમસ્યા હતી. વપરાયેલાં પૅડ્સ ખુલ્લી જગ્યાઓમાં ફેંકવામાં આવતાં કાં તો પાણીના ખાડાઓ અથવા તળાવમાં તરતાં રહેતાં અથવા માટીમાં દફનાવવામાં આવતાં. આ પૅડ્સ કુદરતમાં ૫૦૦થી ૮૦૦ વર્ષમાં વિઘટિત થાય છે. અન્ય વખતે એમને બાળવામાં આવતાં, જેનાથી ઝેરી ધુમાડો ઉત્પન્ન થતો. ક્યારેક કચરાવાળાઓ આ પૅડ્સને હાથે હાથવગા કરતાં. દરેક રીતે આ પ્રથા સમુદાયના આરોગ્ય અને પર્યાવરણ બન્ને માટે હાનિકારક હતી.’

ઝીરો મેન્સ્ટ્રુઅલ વેસ્ટ ગામોમાં મહિલાઓ હવે પોષણ, હિમોગ્લોબિન, એનિમિયા અને આરોગ્યપ્રદ માસિક જીવનચક્ર પર સતત જ્ઞાનની માગણી કરી રહી છે.

રીયુઝેબલ કપડાનાં પૅડ્સ

આ સમસ્યાનો ઉકેલ અમે પુનઃ ઉપયોગ કરી શકાય એવાં કપાસ-આધારિત સૅનિટરી પૅડ્સને રજૂ કરીને કર્યો, જે સંસ્થાના સંશોધન દ્વારા વિકસાવવામાં આવ્યાં હતાં એમ જણાવતાં પ્રીતિ કહે છે, ‘આ પૅડ્સ મહિલા સ્વસહાય જૂથો દ્વારા બનાવવામાં આવે છે એટલે એ પરવડતી કિંમતવાળાં, સફાઈથી ધોઈ શકાય એવાં અને યોગ્ય સંભાળ સાથે બે વર્ષ સુધી પુનઃ ઉપયોગ કરી શકાય એવાં છે. પ્રત્યેક કિટની કિંમત ૫૨૦ રૂપિયા રાખવામાં આવી હતી. ગામલોકો સુધી એનો પ્રચાર ગામના વૉલન્ટિયર્સ દ્વારા કરવામાં આવ્યો, જેને દરેક વેચાણ પર ૭૦ રૂપિયાનું કમિશન મળતું હતું. આથી જાગૃતિ સાથે રોજગારીનું પણ સર્જન થયું. અમે સાથે–સાથે માસિક સ્વચ્છતા વિશે શિક્ષણસત્રો પણ યોજ્યાં, જેમાં સુરક્ષિત પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સમુદાયમાં આ મૉડલને સ્વીકારવાનો વિશ્વાસ વિકસાવવામાં આવ્યો. આજે મુલ્લુકાપટ્ટીમાં ૧૦૦ ટકા મહિલાઓ અને કિશોરીઓ રીયુઝેબલ પૅડ્સનો ઉપયોગ કરે છે, જેને કારણે આખું ગામ મેન્સ્ટ્રુઅલ વેસ્ટ-ફ્રી અને પર્યાવરણમિત્ર બન્યું છે.’

ગયા વર્ષે યોજાયેલી ચોથી મેન્સ્ટ્રુઅલ હાઇજીન મૅનેજમેન્ટ સમિટમાં આ અભિયાન સાથે સંકળાયેલા ગ્રામાલય સંસ્થાના કાર્યકરો. 

આ મૉડલને આદર્શ બનાવવા માટે મહિલાઓ તો ઠીક, પુરુષોની ચુપકીદી પણ તોડવી પડી

ગ્રામાલયના આ આદર્શ મૉડલના સંઘર્ષ વિશે વાત કરતાં પ્રીતિ કહે છે, ‘આ વિસ્તારોમાં માસિક સ્વચ્છતા વિશેની માન્યતાઓ અને વ્યવહાર પર કામ કરતી વખતે સૌથી પહેલાં જે વાસ્તવિકતા સામે આવી એ હતી મૌન. માસિક ધર્મ વિશે બોલવું ગામોમાં અલિખિત પ્રતિબંધ હતો. મહિલાઓ એને છુપાવવાની બાબત માનીને બેસેલી હતી અને માતાઓ પણ દીકરીઓ સુધી આ જ મૌન પરંપરા પહોંચાડતી હતી. પરિણામે માસિક પૅડ ખરીદવાં, ઉપયોગ કરવાં અને ફેંકવાં બધું છુપાઈને થતું. આ પરિસ્થિતિને બદલવાનું પ્રથમ પગથિયું હતું ખુલ્લો સંવાદ. અમે ગામોમાં મહિલાઓ સાથે રમતો, ચર્ચાઓ અને નાની જૂથ-મીટિંગો દ્વારા શાંતિપૂર્ણ વાતચીત શરૂ કરી. જ્યારે મહિલાઓને લાગ્યું કે તેમને સાંભળવામાં આવી રહી છે અને તેમની ચિંતા સમજવામાં આવી રહી છે ત્યારે વિશ્વાસનું માળખું ઊભું થયું. ત્યાર બાદ પુનઃ ઉપયોગ કરી શકાય એવાં કપાસનાં પૅડ્સ રજૂ કરવામાં આવ્યાં - માત્ર એક ઉત્પાદન તરીકે નહીં, પરંતુ સમાધાન તરીકે. આ પરિવર્તનનું કેન્દ્રબિંદુ છે દરેક ગામની ગામ ચૅમ્પિયન. તેમનો દિવસ વહેલો શરૂ થાય છે - ઘરથી ઘર સુધી જાગૃતિ, સ્થાનિક સ્ત્રી-મંડળોમાં ચર્ચા અને શાળાઓમાં સ્વચ્છતા સંદર્ભિત રમતો દ્વારા શિક્ષણ. સાથે તેઓ રીયુઝેબલ પૅડ્સનું વિતરણ પણ કરે છે, જેના બદલામાં મળતું નાનું કમિશન તેમની આર્થિક સ્વતંત્રતાનું કારણ બને છે. એટલે તેઓ પ્રચારક નહીં, સમુદાયની વિશ્વાસપાત્ર આરોગ્ય નેતા બની જાય છે.’ 


ઝારખંડમાં પણ સરકારી સંસ્થાઓ દ્વારા અનેક ગામોમાં ગાર્બેજ-ફ્રી પિરિયડ્સનું અભિયાન ચાલે છે.

પુરુષોને આ અભિયાનમાં સામેલ કરવાના પડકાર વિશે પ્રીતિ કહે છે, ‘શરૂઆતની સૌથી કઠિન ચર્ચા મહિલાઓ સાથે નહીં પરંતુ પુરુષો સાથે હતી. ઘણા પુરુષો માટે આ વિષય કુટુંબની અંદરની વાત માની લેવાતો હતો. જોકે ચર્ચાને ગામની સફાઈ અને સ્વાસ્થ્યનાં ચશ્માંથી રજૂ કરતાં ધીમે-ધીમે વલણ બદલાતું ગયું. આજે અનેક ગામોમાં પુરુષો માસિક સ્વચ્છતા વિશે મંચ પર બોલે છે, જે પહેલાંના સમયમાં કલ્પના બહારનું હતું. આ મૉડલ હવે ફન્ડિંગ પર આધારિત નથી. રીયુઝેબલ પૅડનું ઉત્પાદન મહિલા સ્વસહાય જૂથો માટે રોજગાર બની ગયો છે. હવે જ્યારે માસિક કચરો અને મૌન બન્નેને ગામોએ પાછળ મૂકી દીધાં છે ત્યારે સમુદાય આગળ જોઈ રહ્યો છે. મહિલાઓ હવે પોષણ, હીમોગ્લોબિન, એનીમિયા અને આરોગ્યપ્રદ માસિક જીવનચક્ર પર સતત જ્ઞાનની માગણી કરી રહી છે. અમે પણ હવે મહિલા આરોગ્યના વ્યાપક દાયરામાં આગળ વધવા માટે સમુદાય સાથે કામ કરી રહ્યા છીએ.’

health tips columnists exclusive gujarati mid day sex and relationships