બિઝી લાઇફસ્ટાઇલના સ્ટ્રેસમાંથી રાહત આપશે માઇક્રો હૉબીઝ

20 May, 2026 12:52 PM IST  |  Mumbai | Heena Patel

આજની ફાસ્ટ લાઇફમાં ઘણા લોકો પાસે લાંબા સમય સુધી કોઈ હૉબી માટે સમય કે એનર્જી બચતાં નથી. દિવસભરના કામ, સ્ટડી અને સ્ક્રીન-ટાઇમ વચ્ચે મનને થોડી શાંતિ અને ખુશી આપતી નાની-નાની ઍક્ટિવિટીઝ હવે લોકો માટે નવી થેરપી બની રહી છે

પ્રતીકાત્મક તસવીર

સવારે અલાર્મ વાગવાથી રાત્રે મોબાઇલ હાથમાંથી છૂટે ત્યાં સુધી આપણું જીવન મશીન જેવું બની ગયું છે. ક્યાંક પહોંચવાની ઉતાવળ કે ક્યાંક કામ પૂરું કરવાના દબાણ વચ્ચે મેન્ટલી આપણને બ્રેક જ મળતો નથી. એવામાં આજકાલ લોકો રોજિંદા જીવનમાં માઇક્રો હૉબીઝ અપનાવી રહ્યા છે. મનને રીફ્રેશ કરતી આ માઇક્રો હૉબીઝ યંગસ્ટર્સથી લઈને વર્કિંગ લોકો સુધી બધામાં લોકપ્રિય બની રહી છે. માઇક્રો હૉબીઝ શું હોય અને એ ટ્રેડિશનલ હૉબી કરતાં કઈ રીતે અલગ છે તેમ જ એને ડેઇલી લાઇફમાં કઈ રીતે અપનાવી શકીએ એ વિશે સાઇકોલૉજિસ્ટ મિતી મહેતા પાસેથી જાણી લઈએ.

માઇક્રો હૉબીઝ એટલે શું?

માઇક્રો હૉબીઝ એટલે એવી નાની અને સરળ પ્રવૃત્તિઓ જેમાં કોઈ લાંબી ઝંઝટ ન હોય. આ એવી વસ્તુઓ છે જે તમે રોજ માત્ર પાંચથી વીસ મિનિટના ટૂંકા સમયમાં તમારા મનની ખુશી, આરામ કે કંઈક નવું કરવા માટે ગમે ત્યારે કરી શકો.

ટ્રેડિશનલ હૉબીમાં તમારે કલાકોનો સમય ફાળવવો પડે છે, જેને કારણે વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં એના માટે સમય કાઢવો ખૂબ અઘરો બની જાય છે. માઇક્રો હૉબીમાં લાંબા સમયની કોઈ જરૂર નથી હોતી. દિવસ દરમ્યાન કામની વચ્ચે મળતી થોડી મિનિટોમાં પણ એને સહજતાથી કરી શકાય છે.

અમુક હૉબી એવી હોય છે જેમને શરૂ કરવા માટે પહેલેથી ઘણું આયોજન કરવું પડે છે, સાધનો વસાવવાં પડે છે અને ઘણી વાર પૈસાનો ખર્ચ પણ કરવો પડે છે. માઇક્રો હૉબીમાં કોઈ જ આર્થિક ખર્ચ કે કોઈ પૂર્વઆયોજનની ઝંઝટ હોતી નથી. તમારી આસપાસ જે હાજર હોય એનાથી જ આ તરત શરૂ થઈ જાય છે.

હૉબીમાં વ્યક્તિનું ધ્યાન કોઈ વસ્તુ શીખવા પર, એમાં બેસ્ટ બનવા પર કે નિપુણતા મેળવવા પર વધુ હોય છે જે ક્યારેક માનસિક દબાણ ઊભું કરે છે. માઇક્રો હૉબીમાં કોઈ સ્પર્ધા કે પર્ફેક્ટ બનવાની રેસ હોતી નથી. આમાં કોઈને કંઈ સાબિત કરવાનું નથી હોતું. માત્ર પોતાના આનંદ માટે જ આ કરવાનું હોય છે.

ઘણી વાર હૉબીઝ શરૂ કરવા માટે મૂડ બનાવવો પડે છે એટલે આળસને કારણે ઘણી વાર એની શરૂઆત જ થઈ શકતી નથી. માઇક્રો હૉબીઝની પ્રવૃત્તિઓ એટલી નાની અને સહેલી હોય છે કે એને ગમે ત્યારે કોઈ પણ આળસ વગર તરત જ શરૂ કરી શકાય છે.

સામાન્ય રીતે હૉબીઝમાં લક્ષ્ય કે કામ પૂરું કરવા પર વધુ ધ્યાન હોય છે એટલે જ્યાં સુધી રિઝલ્ટ ન મળે ત્યાં સુધી સંતોષ નથી થતો. માઇક્રો હૉબીમાં કંઈ પણ પૂરું કરવાનું કે ટાસ્ક કમ્પ્લીટ કરવાનું કોઈ પ્રેશર હોતું નથી. આમાં પરિણામ કરતાં એ નાની ક્ષણોને માણવાનો અને મનને તરત જ રીફ્રેશ કરવાનો ઉદ્દેશ હોય છે.

માઇક્રો હૉબીઝનો ફાયદો શું?

આજના વ્યસ્ત અને સ્ક્રીનથી ઘેરાયેલી લાઇફસ્ટાઇલમાં જ્યાં સતત સ્ટ્રેસ વધતું રહે છે ત્યાં માઇક્રો હૉબીઝ મેન્ટલ રિકવરી માટે નાની પણ ખૂબ જ અસરકારક ભૂમિકા ભજવે છે.

માઇક્રો હૉબીઝ મગજ પર મેડિટેશન જેવી અસર કરે છે. એ મગજમાં ચાલતા વિચારોની સ્પીડને ધીમી કરે છે અને આપણું પૂરું ધ્યાન ભવિષ્યની ચિંતામાંથી હટાવીને વર્તમાન ક્ષણ પર લાવી દે છે, જેનાથી આપણી નર્વસ સિસ્ટમ તરત જ શાંત થાય છે.

આ પ્રવૃત્તિઓ મનની દબાયેલી લાગણીઓ કે ચિંતાઓને બહાર કાઢવાનો એક સુરક્ષિત રસ્તો આપે છે જેનાથી તનાવની તીવ્રતા ઓછી થઈ જાય છે. એ મગજમાં ચાલતા વિચારોના ગૂંચવાડાને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં અને મનને હળવું કરવામાં મદદ કરે છે.

આજના સમયમાં આપણું મગજ સતત નોટિફિકેશન્સ, રીલ્સ, સ્ક્રોલિંગ અને માહિતીના ઓવરલોડથી થાકી જાય છે. તમે જ્યારે થોડી મિનિટો માટે કોઈ ઑફલાઇન પ્રવૃત્તિ અપનાવો છો ત્યારે તમારી આંખો અને મગજને એ સતત ચાલતા ડિજિટલ ઘોંઘાટમાંથી રિયલ બ્રેક મળે છે.

માઇક્રો હૉબીઝમાં થતી નાની-નાની સર્જનાત્મક ક્રિયાઓ મગજમાં સકારાત્મક લાગણીઓ પેદા કરે છે. કંઈક નવું કે સુંદર બનાવવાનો આનંદ મગજમાં ડોપમીન (ખુશી આપતું કેમિકલ) વધારે છે, જેનાથી દિવસની વચ્ચે આપણને વારંવાર ખુશીની નાની-નાની ક્ષણો મળતી રહે છે.

આ હૉબીઝ આખો દિવસ કામ કરીને થાકેલા મગજ માટે રીસેટ બટન જેવું કામ કરે છે. એ ઑફિસના ટેન્શનથી ઘરના વાતાવરણ તરફ જવા માટે મગજને એક સ્પષ્ટ સંકેત આપે છે કે હવે કામનો તનાવપૂર્ણ સમય પૂરો થયો છે. આ નાનકડો વિરામ મનની નકારાત્મકતાને દૂર કરીને વ્યક્તિને તાજગી અને સકારાત્મક ઊર્જા સાથે પોતાના અંગત જીવનમાં પ્રવેશવામાં મદદ કરે છે.

રોજિંદી જિંદગીમાં લેવાતા આ નાના-નાના બ્રેક્સ સમય જતાં આપણા જીવનનો મજબૂત આધાર બની જાય છે અને આપણા નજરિયાને બદલી નાખે છે. આ પ્રવૃત્તિઓ આપણને યાદ અપાવે છે કે કામ, ઘરની જવાબદારીઓ કે સમાજની અપેક્ષાઓ સિવાય પણ આપણું પોતાનું એક સ્વતંત્ર અસ્તિત્વ છે.

સોશ્યલ મીડિયા પર જેમ આપણે લાઇક્સ કે લોકોના અભિપ્રાય માટે જીવીએ છીએ એનાથી વિપરીત આ પ્રવૃત્તિ માત્ર તમારા પોતાના માટે હોય છે. અહીં કોઈ તમને જજ કરવાનું નથી તેમ જ કંઈ પૂરું કરવાનું કે શ્રેષ્ઠ દેખાડવાનું કોઈ દબાણ નથી હોતું. આનો એકમાત્ર ઉદ્દેશ પોતાની જાત સાથે જોડાવાનો, પોતાની લાગણીઓને સંભાળવાનો અને પ્રક્રિયાનો આનંદ માણવાનો છે.

માઇક્રો હૉબીઝમાં સમયગાળો મહત્ત્વનો નથી, પણ એની નિયમિતતા મહત્ત્વની છે. રોજની માત્ર થોડી મિનિટોની આ આદત લાંબા ગાળે તમારી માનસિક સ્થિરતા અને સ્ટ્રેસ મૅનેજમેન્ટને ગજબનું સુધારી શકે છે.

ડેઇલી લાઇફમાં કેમ અપનાવશો?

માઇક્રો હૉબીઝને તમારી દિનચર્યાનો ભાગ બનાવવા માટે કોઈ અલગથી મહેનત કે મોટો સમય ફાળવવાની જરૂર નથી. એને ખૂબ જ સહજતાથી અપનાવી શકાય છે.

બે કામ વચ્ચે મેન્ટલ સ્વિચ બનાવો :

જ્યારે તમે એક કામ પૂરું કરીને બીજા કામ તરફ આગળ વધો ત્યારે આ હૉબીનો ઉપયોગ કરો. ખાસ કરીને ઑફિસનું કામ પૂરું કરીને ઘરના વાતાવરણમાં પ્રવેશતાં પહેલાં ૧૦ મિનિટ છોડની સંભાળ લેવી કે એને પાણી પાવું અથવા પોતાની જગ્યા કે ટેબલને સુંદર રીતે ગોઠવવું જેવી પ્રવૃત્તિ કરી શકાય. આ નાનકડો વિરામ ઑફિસના ટેન્શનને પર્સનલ લાઇફમાં જતું રોકશે.

ટાઇમ-બ્લેન્ડિંગ કરો :

દિવસ દરમ્યાન જે કામ તમે રોજ કરો છો એની સાથે જ માઇક્રો હૉબીને જોડી દો. જેમ કે સવારની ચા કે કૉફી પીતી વખતે ફોન સાઇડમાં મૂકીને માત્ર એના સ્વાદ પર ધ્યાન આપો અથવા સાંજે એક નાના વૉક પર નીકળ્યા હો ત્યારે આસપાસની પ્રકૃતિની ફોટોગ્રાફી કરો. વીક-એન્ડમાં રસોઈ કરતી વખતે નાનું-મોટું બેકિંગ કરવું પણ સમય બગાડ્યા વગર આનંદ આપે છે.

ડિજિટલ બ્રેકનો સાચો ઉપયોગ :

કામની વચ્ચે જ્યારે પણ લૅપટૉપ કે કમ્પ્યુટરની સ્ક્રીન પરથી બ્રેક લો ત્યારે સોશ્યલ મીડિયા સ્ક્રોલ કરવાને બદલે કાગળના ખૂણે નાનું ડૂડલિંગ કે સ્કેચિંગ કરવું અથવા નકામા કાગળમાંથી ઑરિગામી પર હાથ અજમાવો. માત્ર પાંચ મિનિટ ફાળવીને કોઈ બીજી ભાષાનો રોજ એક નવો શબ્દ શીખવો એ પણ મગજને ડિજિટલ ઘોંઘાટમાંથી સાચો વિરામ આપે છે.

સાધનો નજર સામે રાખો :

જો પ્રવૃત્તિ માટેની વસ્તુઓ શોધવી પડશે તો મગજ આળસ કરશે. તેથી એક નાની કલરિંગ બુક, સુડોકુ કે કોઈ નાની પઝલ અથવા ગૂંથણકામની વસ્તુ આ બધું તમારા ટેબલ કે બેડની બાજુમાં જ તૈયાર રાખો, જેથી મન થાય ત્યારે તરત શરૂ કરી શકાય.

રાત્રે સ્ક્રીન-ટાઇમને બદલો :

સૂતાં પહેલાં સોશ્યલ મીડિયા પર રીલ્સ જોવાની આદત છોડીને માત્ર પાંચ મિનિટ પુસ્તકનાં બે પાનાં વાંચવાં, સુંદર અક્ષરો લખવાની કૅલિગ્રાફી કરવી કે પછી ડાયરીમાં દિવસભરની કોઈ સારી વાતની નોંધ કે ચિંતાઓ લખવી. આનાથી મન શાંત થશે અને ઊંઘ પણ સારી આવશે.

આજની ફાસ્ટ અને સ્ટ્રેસભરી લાઇફસ્ટાઇલમાં માઇક્રો હૉબીઝ કોઈ લક્ઝરી નહીં પરંતુ મેન્ટલ વેલ-બીઇંગ માટેની જરૂરિયાત બની રહી છે. રોજની માત્ર પાંચથી ૧૦ મિનિટની આ નાની આદત લાંબા ગાળે મનને વધુ શાંત, સ્થિર અને ખુશ રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.

માઇક્રો હૉબીઝમાં શું કરી શકો?

કાગળ અને પેનનો ઉપયોગ કરીને તમે ડેઇલી ડૂડલિંગ કરી શકો.

કાગળમાંથી કોઈ ક્રાફ્ટની વસ્તુ બનાવી શકો.

આખા દિવસનો કોઈ એક સુંદર વિચાર, પળ કે અનુભવ લખી શકો.

પેનથી વારંવાર એક જ પૅટર્ન (જેમ કે ટપકાં, લાઇનો) દોરીને સુંદર ડિઝાઇન બનાવી શકો.

રીસાઇકલ કરેલા કપ કે બૉટલમાં પ્લાન્ટ ઉગાડીને માઇક્રો ગાર્ડનિંગ કરી શકો.

ફુરસદની પળોમાં ચા પીતાં-પીતાં પક્ષીઓને નિહાળી શકો. સાંજે કે રાત્રે અગાસી અથવા બારી પાસે ઊભા રહીને આકાશમાં બદલાતાં વાદળો કે તારાઓને નિહાળી શકો.

રોજિંદી નાની વસ્તુઓ જેમ કે ચાની વરાળ, પાંદડાં પરનું ઝાકળ, સૂર્યપ્રકાશનો પડછાયોના ક્લોઝ-અપ ફોટો પાડીને માઇક્રો ફોટોગ્રાફી કરી શકો.

કોઈ નવી ભાષાનો જેમ કે સ્પૅનિશ, ફ્રેન્ચ કે સંસ્કૃતનો રોજનો એક શબ્દ શીખી શકો.

નાના દોરડાના ટુકડા કે જૂની લેસથી રોજ એક નવી અલગ પ્રકારની ગાંઠ બાંધવાની કળા શીખી શકો.

પુસ્તકનાં બે પાનાં વાંચી શકો. મનગમતું કોઈ મ્યુઝિક સાંભળી શકો.

રૂમાલ કે કાપડના ટુકડા પર જ્યારે પણ પાંચ મિનિટ મળે ત્યારે સોય-દોરાથી માત્ર બે-ત્રણ લાઇન ભરી શકો.

કોઈ વાદ્ય કે સંગીત વગર મનમાં જ કોઈ સુંદર ધૂન કે રાગ ગણગણાવી શકો.

mental health healthy living health tips life and style lifestyle news columnists