31 October, 2025 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વ્યસ્ત જીવનશૈલી વચ્ચે માઇક્રો મેડિટેશનનો ટ્રેન્ડ
આજના ભાગદોડભર્યા જીવન વચ્ચે પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે. લાંબા સમય સુધી બેઠા રહીને ધ્યાન કરવું બધા માટે શક્ય હોતું નથી. એવામાં માઇક્રો મેડિટેશનનો એક નવો કન્સેપ્ટ લોકોમાં લોકપ્રિય બન્યો છે. માઇક્રો મેડિટેશન એટલે ૩૦ સેકન્ડથી પાંચ મિનિટ સુધી મનને શાંત કરીને શ્વાસ પર ધ્યાન આપવું. આ ધ્યાન તમે ક્યાંય પણ ઑફિસમાં, ટ્રાવેલિંગ કરતી વખતે કરી શકો છો.
નિષ્ણાતોના મતે થોડી જ પળો માટેનું જાગૃતિપૂર્વકનું ધ્યાન પણ આપણી નર્વસ સિસ્ટમને રીસેટ કરવામાં મદદરૂપ થાય છે. એનાથી મનને શાંતિ અને સ્પષ્ટતા મળે છે. આપણું મન હંમેશાં ઘણી દિશાઓમાં દોડતું રહે છે. આવી સ્થિતિમાં માઇક્રો મેડિટેશન મદદરૂપ બને છે, કારણ કે એ મનને સ્થિર બનાવે છે. થોડી જ પળોનું આ શાંતિભર્યો વિરામ આપણને ચિંતા ઘટાડવામાં મદદ કરે છે જેથી આપણે થોડી વાર રોકાઈને શાંત રીતે વિચારીએ અને ઝડપથી પ્રતિભાવ આપવાની જગ્યાએ સમજદારીથી જવાબ આપી શકીએ. તમે માઇક્રો મેડિટેશન નિયમિત રીતે કરો ત્યારે મેડિટેશનના શૉર્ટ સેશન્સ પણ દોડધામ વચ્ચે સંતુલન મેળવવામાં મદદ કરે છે.
માઇક્રો મેડિટેશન આપણા શરીર અને મનને સ્ટેટ ઑફ ડૂઇંગ એટલે કે સતત કામ કરતી સ્થિતિમાંથી સ્ટેટ ઑફ બીઇંગ એટલે કે અસ્તિત્વની સ્થિતિમાં લઈ જાય છે. જ્યારે આપણે જાગૃત રીતે શ્વાસ લઈએ છીએ અને થોડી ક્ષણો માટે પોતાના પર ધ્યાન આપીએ છીએ ત્યારે આપણા શરીરનો તનાવ આપમેળે ઘટે છે. આ પ્રક્રિયા પૅરાસિમ્પથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે જે શરીરને શાંત કરે છે, સ્ટ્રેસ હૉર્મોન ઘટાડે છે અને ધ્યાન વધારવામાં મદદ કરે છે. નિયમિત રીતે માઇક્રો મેડિટેશન કરવાથી ધ્યાન શક્તિમાં વધારો થાય છે, ભાવનાઓ સંતુલિત રહે છે અને વર્તમાન ક્ષણમાં વધુ જાગૃતિનો અનુભવ થાય છે. સમય સાથે માઇક્રો મેડિટેશન આપણા બ્રેઇનને એ રીતે રિવાયર કરી દે છે કે આપણે પડકારોને સરળતાથી અને સ્પષ્ટતાથી હૅન્ડલ કરી શકીએ.
તનાવ અને ચિંતા મોટા ભાગે વધુ વિચારવાથી, ભૂતકાળની વાતો મનમાં ફરી-ફરી લાવવાથી અથવા ભવિષ્યની ચિંતા કરવાથી થાય છે. માઇક્રો મેડિટેશન આપણું ધ્યાન પાછું હાલની ક્ષણમાં એટલે કે આપણે અત્યારે ક્યાં છીએ અને શું અનુભવી રહ્યા છીએ ત્યાં લાવવામાં મદદ કરે છે. તમે ધ્યાનમાં કેટલો સમય બેસો છો એ જરૂરી નથી. મહત્ત્વનું એ છે કે તમે જાગૃત રહો અને તમારા શરીરના સ્વાભાવિક રિધમ સાથે જોડાયેલા રહો.