મિશન ૨૦૨૨ : ચાલો કરીએ રોજેરોજ યોગ

29 December, 2021 04:59 PM IST  |  Mumbai | Ruchita Shah

બહુ થઈ આળસ, બહુ કર્યો કંટાળો, બહુ આપ્યા જાતને વાયદાઓ અને બહુ કરી પછી-પછીની પંચાત; હવે સમય છે ઍક્શન મોડમાં આવવાનો. બે દિવસ પછી બદલાઈ રહેલા વર્ષમાં યોગ તમારા રૂટીનનો હિસ્સો બનવો જ જોઈએ એનાં ટૉપ ટેન કારણો આ રહ્યાં

મિશન ૨૦૨૨ : ચાલો કરીએ રોજેરોજ યોગ

રુચિતા શાહ
ruchita@mid-day.com
મહામારીના છેલ્લા બે વર્ષે એવું 
અને એટલું શીખવ્યું છે જે કદાચ કોઈ મોટામાં મોટી યુનિવર્સિટી પણ ન શીખવી શકે. જેમણે પોતાની સમજદારીના દરવાજા ખુલ્લા રાખ્યા એમના માટે કોવિડ ગુરુ સમાન નીવડ્યો છે. કોવિડે ‘કભી ભી કુછ ભી હો સકતા હૈ’નો સંકેત સતત આપ્યા કર્યો છે અને હજીયે એનું એ કામ ચાલુ છે. આવા સમયે હેલ્ધી લાઇફસ્ટાઇલ જ ગમેતેવા વાઇરલ આક્રમણ સામે ટકી રહેવાનો એક ઉપાય છે એ બ્રહ્મજ્ઞાન ભલભલાને લાધી ગયું છે. પહેલું સુખ તે જાતે નર્યાની દિશામાં સેલ્ફ કૅરનાં જો કોઈ પગલાં તમે હજી સુધી ન ઉપાડ્યાં હોય તો બદલાઈ રહેલું કૅલેન્ડર એના માટે શ્રેષ્ઠ સમય છે. ૨૦૨૧ને પૂરું થવાને હવે માત્ર બે જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ન્યુ યરમાં તમે પોતે પણ નવા નક્કોર થઈ જાઓ એ માટે યોગ કઈ રીતે ઉપયોગી છે એના વિશે વાત કરીએ. 
યુરોપિયન જર્નલ ઑફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલૉજીમાં પ્રકાશિત થયેલો એક અભ્યાસ કહે છે કે જે લોકો કોઈ પણ પ્રકારની કસરત નથી કરતા તેમની તુલનાએ યોગ કરનારા લોકોનાં બ્લડ-પ્રેશર, બૉડી માસ ઇન્ડેક્સ, હાર્ટ-રેટ અને કૉલેસ્ટરોલના પ્રમાણમાં નોંધનીય સુધારો જોવા મળ્યો હતો. નિષ્ણાતો 
માને છે કે સ્ટ્રેસ રિડક્શન યોગનો સૌથી મોટો ફાયદો છે જે તમારા શરીરના બીજા બધા જ પ્રૉબ્લેમનું સોલ્યુશન આપમેળે બની જાય છે. એટલે કે તમારી ચયાપચયની ક્રિયા સંતુલિત થવા માંડે, હાર્ટ બરાબર કામ કરવા માંડે, શરીરમાં ક્યાંય સોજો હોય તો એ બહેતર થવા માંડે. યોગની આ તાકાતનો અનુભવ લોકોએ થોડાંક અઠવાડિયાંની 
ટ્રેઇનિંગમાં મેળવી લીધો છે ત્યારે તમે વિચારો કે જો તમારી જીવનશૈલીનો હિસ્સો એ હોય, રોજની માત્ર વીસ મિનિટ તમે યોગના વિવિધ અભ્યાસો માટે ફાળવો તો એ કયા સ્તર પર તમારા જીવનમાં ચમત્કાર સર્જી શકે. બસ, આ જ વાતને ધ્યાનમાં રાખીને ૨૦૨૨માં યોગને શું કામ તમારે તમારા 
રૂટીનમાં સ્થાન આપવું જોઈએ એનાં નક્કર કારણો પર આપણે ચર્ચા કરવાના છીએ. 
તન-મનથી ફ્લેક્સિબલ
અક્કડ તો મુર્દોં કી પહચાન હોતી હૈ એ તમે જાણો છો. જે વળી ન શકે એ તૂટી જાય. આપણા શરીરને પણ આ નિયમ લાગુ પડે છે. સ્નાયુઓ અને સાંધાઓમાંથી જો લવચીકતાપણું નીકળી જાય તો તમે હલનચલન ન કરી શકો. તમારા બૅલૅન્સના વાંધા થઈ પડે. શરીરમાંથી જાણે બધું જ બળ ઓસરી જાય. તમારાં હાડકાંઓ નબળા પડે. નિયિમત યોગાસનો દ્વારા થતું સ્નાયુઓનું ખેંચાણ આ બધી સમસ્યાઓથી તમારી રક્ષા કરી શકે છે. સ્નાયુઓની લવચીકતાથી તમારી સ્ટેબિલિટી અને સ્ટ્રેંગ્થ પણ સુધરશે. 
હેલ્થનો બેસ્ટ ફ્રેન્ડ
પ્રત્યેક આસનમાં સ્નાયુઓ ખેંચાય એટલે ત્યાં રક્ત પરિભ્રમણ સુધરે જેથી શરીરના દરેક અવયવ સુધી રક્ત પૂરતા પ્રમાણમાં પહોંચી શકે. હવે જ્યારે રક્ત પરિભ્રમણ સારી રીતે થતું હોય ત્યારે નૅચરલી અવયવોને મજા પડે કામ કરવા માટે. હાર્ટના ફંક્શન્સથી લઈને લિવર, કિડની, આંતરડાં, ફેફસાં જેવા શરીરના તમામ અવયવોની કાર્યક્ષમતા યોગથી સુધરવાનું વિવિધ સંશોધનોમાં પુરવાર થઈ ચૂક્યું છે. તમારી નર્વસ સિસ્ટમના ચેતાતંતુઓ (જે તમને લિમિટેડ એડિશનમાં મળ્યા છે)નું કનેક્શન સુધારવામાં પણ યોગનો જોરદાર ફાયદો સંશોધકો નોંધી ચૂક્યા છે.
સ્ટ્રેસનો શત્રુ 
યોગનાં આસનો 
યોગ તમારા પૉશ્ચરને સુધારીને શરીરથી જ નહીં પણ સાઇકોલૉજિકલી પણ તમારામાં બદલાવ લાવે છે. તમારો આત્મવિશ્વાસ વધે, જીવન પ્રત્યે તમારો અભિગમ વ્યાપક બને. તમારામાં સ્વીકારભાવ વધે એવા બદલાવો તમારી અંદર અમુક આસનોમાં લાંબા સમય માટે રહેવાથી આવતા હોય છે. બીજું, યોગમાં પ્રાણાયામનો અભ્યાસ આવે છે. શ્વસનક્રિયાઓ અને પ્રાણાયામ તમારા માઇન્ડને ક્લૅરિટી આપે છે એ વાત તો હવે વૈજ્ઞાનિકો પણ સ્વીકારે છે. તમારી કથળેલી માનસિક સ્થિતિમાં તમારા શ્વાસની ગતિ પણ બદલાતી હોય છે પરંતુ જ્યારે તમે ઊંડા, લાંબા અને ધીમા શ્વાસ લો છો ત્યારે તમારું મગજ શાંત થાય છે અને શાંત મગજ વધુ સ્પષ્ટ હોય છે એ કહેવાની જરૂર છે ખરી?
એકાગ્રતા - યાદશક્તિ 
મન જ્યારે શાંત હોય ત્યારે આપમેળે તમારી એકાગ્રતા પણ વધતી હોય છે. ચંચળ મન જ તમારા મનને એક જગ્યાએ ચોંટવા નથી દેતું. એક જ આસનમાં સ્થિરતા લાવવાથી મનનાં દ્વંદ્વો, કશ્મકશોનો ક્ષય થવાનો લાભ મહર્ષિ પતંજલિએ આપ્યો છે. મનમાં ડ્યુઆલિટી ન હોય ત્યારે તમે વધુ એકાગ્ર ચિત્તે એક જ બાબત પર ફોકસ કરીને કામ કરી શકતા હો છો. અત્યારના ડિસ્ટ્રૅક્શનવાળા યુગમાં મનને સ્થિર કરીને એક જ બાબતમાં ફોકસ કરાવવાની આર્ટ આવડે એ કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે મહત્ત્વનું છે અને યોગ એમાં તમને ઉપયોગી નીવડી શકે છે. મન જ્યારે સ્થિર અને એક સમયે એક જ કાર્યમાં રત હોય ત્યારે વ્યક્તિની યાદશક્તિ પણ વધે છે. યોગથી મેમરી સુધરે છે એ વાતને પ્રૂવ કરતાં અઢળક રિસર્ચ અત્યાર સુધીમાં થઈ ચૂક્યાં છે.

સ્વનો સ્વીકાર અને હકારાત્મકતા
તમારા દરેક પૉશ્ચરની તમારા મેન્ટલ સ્ટેટ પર અસર પડે છે. તમે જોયું જ હશે કે જ્યારે તમે થાકેલા હો, ડાઉન ફીલ કરતા હો, કંટાળો હોય ત્યારે ખૂંધ વળી જવી, ગરદન નીચે ઝૂકી જવી જેવા બદલાવ અજાણતાં જ તમારા પૉશ્ચરમાં આવી જતા હોય છે. યોગાસનો અહીં મૅજિકલ કામ કરે છે. ગળાકાપ સ્પર્ધાના આ યુગમાં બૅકવર્ડ બેન્ડિંગનાં આસનો વ્યક્તિમાં ઇન્ફિરિયોરિટી કૉમ્પ્લેક્સ જન્મવા નથી દેતા. તમને દુનિયાનો અને તમારો પોતાનો તમે જેવા છો એવો સ્વીકાર કરવાની આંતરિક પ્રેરણા યોગનાં વિવિધ આસનોથી મળતી હોય છે. અમુક અઘરાં આસનો કરવાની તમારી સ્ટ્રગલ અને એમાં મળતી સફળતા પણ તમારામાં હકારાત્મકતા અને આત્મવિશ્વાસ વધારે છે. પ્રત્યેક આસનનો નિરંતર અભ્યાસ તમને પ્રોગ્રેસિવલી વિકાસ કેમ કરવો, ધીમે-ધીમે બહેતર બનવાની ટ્રેઇનિંગ ફિઝિકલી અને સાઇકોલૉજિકલી પણ બહુ જ સહજ રીતે આપી શકે છે.
ઇમ્યુનિટીનો ઇલાજ અને ટૉક્સિન્સનું મારણ
યોગનાં આસનો અને ડીપ બ્રીધિંગ શરીરમાં બ્લડ-સર્ક્યુલેશન બહેતર બનાવે છે. રક્તસંચાર સુધરતાં જ રક્તવાહિનીઓમાં કોઈ પણ જાતના બ્લૉકેજિસ હોય તો એ બૉડીના સેલ્ફ-હીલિંગ મેકૅનિઝમના આધારે હટવા માંડે. એ હટે એ સાથે જ રક્ત દ્વારા શરીરના પ્રત્યેક હિસ્સા સુધી પોષક તત્ત્વો પૂરતા પ્રમાણમાં પહોંચે. રક્ત પ્રવાહ સુધરવાથી શરીરની ડ્રેનેજ સિસ્ટમ પણ બરાબર કામ કરે અને શરીર પોતાની મેળે પોતાની સાફસફાઈ કરી શકે એ માટે અંદર અનુકૂળ વાતાવરણ ઊભું થાય. શરીર ડિટૉક્સ થાય તો સાથે જ લિમ્ફેટિક સિસ્ટમ સરસ રીતે ઍક્ટિવ થઈ જતી હોવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધતી હોય છે.
કરોડરજ્જુનું રક્ષાકવચ
આપણી કરોડરજ્જુ એટલે કે આપણો મેરુદંડ આખા શરીરનો આધાર છે. આપણી દરેક મૂવમેન્ટ આ કરોડરજ્જુની કૃપાને આધીન છે. યોગાસનો જ નહીં પણ ઊંડું શ્વસન અને પ્રાણાયામનો અભ્યાસ તમારી કરોડરજ્જુની તંદુરસ્તીનું મસ્ત રીતે ધ્યાન રાખે છે, જેને કારણે ભવિષ્યમાં થઈ શકનારા કમરના દુખાવા અને અન્ય સાંધાના દુખાવાથી તમારી રક્ષા થઈ શકે છે. 
એવર યંગ
યસ, યુથફુલનેસ યોગની સૌથી મોટી દેન છે. જ્યારે તમારા શરીરના બધા જ અવયવો બરાબર રીતે કામ કરતા હોય, જ્યારે તમે શરીરના પ્રત્યેક કોષ સુધી પોષક તત્ત્વો પહોંચે એ રીતે એનું ધ્યાન રાખતા હો, યોગ્ય શ્વસન પદ્ધતિનું ધ્યાન રાખીને માનસિક રીતે પણ તમે સતત શાંત-પ્રશાંત મોડમાં સક્રિય રહી શકતા હો ત્યારે તમને ઘરડા કરી શકે એવી તાકાત છે કોનામાં? નૅચરલી જ યોગથી શરીરની એજિંગ પ્રોસેસ ધીમી પડી જતી હોય છે. નિયમિત અને પદ્ધતિસર યોગાભ્યાસ કરનારા અમસ્તા પણ પોતાની ઉંમરથી લગભગ દસેક વર્ષ તો નાના જ લાગતા હોય છે.
કભી ભી, કહીં ભી
યોગનો સૌથી મોટો ફાયદો એ છે કે એ તમને આત્મનિર્ભર બનાવે છે. તમે બેઝિક યોગાસનોની અને પ્રાણાયામના અભ્યાસની ટ્રેઇનિંગ લઈ લો અને પછી જાતે-જાતે જ તેને પોતાના રૂટીનમાં ઉમેરતા તમને કોઈ રોકી શકે એમ નથી. તમે નાનકડા ઘરથી માંડીને કોઈ સરસ મજાના ગાર્ડનમાં બેસીને પણ યોગ કરી શકો. તદ્દન બિનખર્ચાળ અભ્યાસ છે. એક ટૉવેલ કે બ્લેન્કેટ બિછાવીને બેસી શકો. 
સહુનો સાથી 
નાના બાળકથી લઈને આબાલવૃદ્ધ, બીમાર વ્યક્તિઓ પણ કરી શકે એવા બધા જ અભ્યાસો યોગ પાસે છે. તમારી ફિટનેસ જે સ્તર પર હોય એ સ્તરથી તમે શરૂ કરી શકો એટલા પ્રકારના અભ્યાસ યોગ પાસે છે. તમે માત્ર માનસિક તૈયારી સાથે શરૂ કરો. તમે કોઈ પણ એક અભ્યાસથી પથારીમાં સૂતા-સૂતા શરૂઆત કરશો તો પણ નિયમિત અભ્યાસથી તમને એનું પૉઝિટિવ પરિણામ દેખાવાનું શરૂ થઈ જશે. આટલી સગવડ બીજે ક્યાં મળવાની તમને?

યુરોપિયન જર્નલ ઑફ પ્રિવેન્ટિવ કાર્ડિયોલૉજીનો અભ્યાસ કહે છે કે યોગ કરનારા લોકોનાં બ્લડ-પ્રેશર, બૉડી માસ ઇન્ડેક્સ, હાર્ટ-રેટ અને કૉલેસ્ટરોલના પ્રમાણમાં નોંધનીય સુધારો જોવા મળ્યો હતો.

yoga columnists ruchita shah health tips