12 March, 2026 01:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કૅન્સર એટલે કૅન્સલ એ પરિભાષા છેલ્લા દસકામાં મેડિકલ સાયન્સે બદલી છે. એક સમય હતો જ્યારે આ રોગનું નિદાન થતું અને વ્યક્તિનું નિશ્ચિત મૃત્યુ સામે તરી આવતું. પરંતુ હવે એવું નથી. સમાજમાં નજર ફેરવીએ તો ઘણા લોકો મળી રહેશે જેમને ક્યારેક કૅન્સર હતું પણ ઇલાજ પછી અત્યારે તેઓ એક સારું જીવન જીવી રહ્યા છે. કૅન્સરનો ઇલાજ દિવસે ને દિવસે ઍડ્વાન્સ થતો જાય છે. કીમોથેરપી, રેડિયેશન, સર્જરી, ઓરલ મેડિકેશન જેવા અલગ-અલગ ઇલાજો કૅન્સરમાં મુખ્ય રીતે કામ લાગી રહ્યા છે. એ બધા ઇલાજ પહેલાં કરતાં ઘણા ઍડ્વાન્સ સ્ટેજમાં છે અત્યારે. દરેક ઇલાજ વધુ ને વધુ અસરકારક અને ઓછામાં ઓછી સાઇડ ઇફેક્ટ ધરાવતા થઈ ગયા છે, જે બેસ્ટ બાબત છે. બીજું એ કે પહેલાં કરતાં જે ઇલાજ ચાલી રહ્યો છે ત્યારે દરદીને થતી તકલીફો જેમ કે નોશિયા, ભૂખ ન લાગવી કે ખૂબ જ કમજોરી આવી જવી વગેરેને સપોર્ટિવ કૅર દ્વારા સારી રીતે મૅનેજ કરી શકાય છે. જેને લીધે ઇલાજ દરમિયાન દરદીએ વધુ સહન નથી કરવું પડતું. ઇમ્યુનો થેરપી એક એવી થેરપી છે જેમાં ઇમ્યુનિટીને બૂસ્ટ કરવામાં આવે છે, જેના દ્વારા કૅન્સરના કોષો જોડે શરીર ખુદ લડવા માટે સક્ષમ બને છે. કીમો કરતાં એ ઘણી ઍડ્વાન્સ થેરપી છે એની એને સાઇડ ઇફેક્ટ પણ ઘણી ઓછી છે. કીમોની જેમ એ પણ એક ડે-કૅર પ્રોસીજર જ છે. બીજી એક થેરપી છે જેને ટાર્ગેટેડ થેરપી કહેવાય છે. શરીરના જે ભાગમાં તમને કૅન્સર છે એ જ ભાગ પર એ કામ કરે છે. જેમ કે તમને ફેફસાનું કૅન્સર છે તો આ ઇલાજની અસર ફેફસાં પર જ થશે. દરદીના આખા શરીરને નુકસાન નથી પહોંચતું. એને લીધે વાળ નહીં ખરે કે પાચનક્રિયા પર અસર પણ નહીં પડે.
મેડિકલ સાયન્સની એક બ્રાન્ચ છે જે માને છે કે ઇલાજ હંમેશાં વ્યક્તિગત હોવો જોઈએ. કૅન્સર માટે વાત કરીએ તો એક પ્રકારનો ઇલાજ છે જેને પ્રિસિઝન ઑન્કોલૉજી કહે છે. મૂળ વાત એ છે કે દરેક કૅન્સરનો દરદી જુદો હોય છે. દરેકનું કૅન્સર પણ જુદું હોય છે. એટલે દરેક માટેનો ઇલાજ પણ જુદો-જુદો હોવો જોઈએ. બ્રેસ્ટ-કૅન્સર ધરાવતી દરેક સ્ત્રીને સરખો ઇલાજ ન આપી શકાય. ભવિષ્યમાં આ બાબતે વધુ સારું કામ અને ઘણાં સારાં રિઝલ્ટ જોવા મળશે. જેમ-જેમ કૅન્સરના દરદીઓ વધતા જાય છે એમ-એમ કૅન્સરનો ઇલાજ વધુ ને વધુ ઍડ્વાન્સ બનતો જાય છે. ભલે એ નવી તકનીક છે એટલે હાલમાં મોંઘી છે પણ ધીમે-ધીમે જન-જન સુધી એ પહોંચી શકશે.