ભેજને કારણે સાંધામાં દુખાવો થાય?

21 July, 2021 04:00 PM IST  |  Mumbai | Dr. Tushar Agrawal

મને મારા ઘરના લોકો કહે છે કે આ બધું માનસિક છે, પણ એવું નથી. મને ખરેખર સાંધા દુખે છે. મુંબઈ મને કેમ સદતું નહીં હોય એ મને સમજાતું નથી. શું કઈ થઈ શકે, જેને લીધે આ પેઇન ઘટે કે પછી ઓછું થાય?

પ્રતીકાત્મક તસવીર

હું ૬૫ વર્ષનો છું. વર્ષોથી રાજકોટમાં જ રહ્યો છું, પરંતુ છેલ્લાં ૪ વર્ષથી મારાં બાળકો મુંબઈમાં શિફ્ટ થયાં છે. હું મુંબઈ આવતો-જતો રહું છું, પરંતુ હું જ્યારે પણ મુંબઈ આવું છું મને સાંધાનો દુખાવો ચાલુ થઈ જાય છે અને જેવો હું રાજકોટ પાછો જાઉં છું એ મટી જાય છે. મને મારા ઘરના લોકો કહે છે કે આ બધું માનસિક છે, પણ એવું નથી. મને ખરેખર સાંધા દુખે છે. મુંબઈ મને કેમ સદતું નહીં હોય એ મને સમજાતું નથી. શું કઈ થઈ શકે, જેને લીધે આ પેઇન ઘટે કે પછી ઓછું થાય?           
 
તમે સાચા છો. આ તકલીફ માનસિક નથી, શારીરિક જ છે. મોટા ભાગના લોકોને ખબર છે કે ઠંડીની અસર સાંધાઓ પર થઈ શકે છે, પરંતુ ફક્ત ઠંડીની નહીં, ભેજની અસર પણ સાંધા પર થાય છે. રાજકોટ એકદમ ડ્રાય શહેર છે અને મુંબઈમાં બારેમહિના અત્યંત ભેજ રહે છે. આ ભેજ તમારા સાંધાઓ પર અસર કરે છે. એમાં પણ મુંબઈના ચોમાસામાં અત્યંત ભેજવાળું વાતાવરણ હોય છે ત્યારે વ્યક્તિને સાંધાનો દુખાવો થાય છે. આ એક સીઝનલ ફેરફાર પણ હોય શકે અને આ આર્થ્રાઇટિસ પણ હોય શકે. સાંધાનો દુખાવો એ પોતાનામાં જ એક રોગ છે, માટે સૌથી મહત્ત્વનું એ છે કે તમે પહેલાં એનું નિદાન કરાવો કે તમારા સાંધામાં દુખાવા પાછળ શું જવાબદાર છે. ફક્ત સહન કર્યે રાખો એ યોગ્ય નથી. 
બીજું એ કે જો આ દુખાવો ભેજને કારણે જ વધી રહ્યો હોય તો ઓછા ભેજમાં રહેવાથી તમને કમ્ફર્ટેબલ લાગશે. હવે એવા મશીન પણ મળવા લાગ્યાં છે જે મુંબઈનાં ઘણાં ઘરોમાં આવવા લાગ્યાં છે, જેનાથી ઘરમાં ભેજનું પ્રમાણ ઘટાડી શકાય છે. આ સિવાય આથાવાળો ખોરાક કે બેકરી ફૂડ બંધ કરવાથી પણ ફાયદો થાય છે. ચોમાસામાં મોટા ભાગે એવું થાય છે કે વ્યક્તિ વરસાદને કારણે બહાર જતી નથી. મોટા ભાગે વયસ્ક લોકો વરસાદમાં ક્યાંય બહાર નીકળતા નથી. ઘરમાં ને ઘરમાં ભરાય રહેવાને લીધે ચાલવાનું સ્કીપ થવાને લીધે તેમના સાંધા અકળાય જાય છે અને એટલે તેમને દુખે છે. આ પરિસ્થિતિમાં ઘરમાં પણ સતત ચાલતા રહેવું, જેથી સાંધાનો દુખાવો વધી ન જાય. હલનચલન થતી રહેશે તો દુખાવો આપોઆપ જતો રહેશે. બાકી ડૉક્ટરને મળીને યોગ્ય નિદાન ચોક્કસ કરાવશો. 

health tips