ઉંમરના હિસાબે કયા પ્રકારનાં મૉઇશ્ચરાઇઝર વાપરવાં?

28 October, 2025 03:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તમારી ત્વચા ઉંમર સાથે બદલાતી જતી હોય તો વર્ષો સુધી એક જ પ્રકારનું મૉઇશ્ચરાઇઝર કેમ વાપરો છો? દરેક ઉંમરે ત્વચાની જરૂરિયાત અલગ હોય છે એટલે એને નિખારવા માટે એ પ્રમાણેના મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જરૂરી છે

પ્રતીકાત્મક તસવીર

મોટા ભાગના લોકોને એમ લાગે છે કે મૉઇશ્ચરાઇઝર ફક્ત ડ્રાય સ્કિન માટે છે, પણ વાસ્તવિકતામાં વધતી ઉંમર સાથે ત્વચાની જરૂરિયાત પણ બદલાતી જાય છે. એટલે મૉઇશ્ચરાઇઝરની પસંદગી પણ એ હિસાબે કરવી જોઈએ. ડર્મેટોલૉજિસ્ટ અનુસાર દરેક ઉંમરમાં સ્કિનનો ટેક્સ્ચર, ઑઇલ પ્રોડક્શન, કોલૅજન લેવલ અને હૉર્મોનલ બૅલૅન્સ બદલાય છે. એટલે એક જ ક્રીમ બધાને અનુકૂળ હોય એવું હોતું નથી. 

૨૦-૩૦ વર્ષની ઉંમર
આ ઉંમરમાં સ્કિન સામાન્ય રીતે યંગ, હેલ્ધી અને કોલૅજનથી ભરપૂર હોય છે. મુખ્ય સમસ્યા પિમ્પલ્સ, સન ડૅમેજની હોય છે. એ હિસાબે હળવું, નૉ-કોમે​ડોજેનિક એટલે કે એવું મૉઇશ્ચરાઇઝર જે સ્કિનને હાઇડ્રેટ કરે પણ ત્વચાનાં રોમછિદ્રોને બૂરી ન નાખે એવું, વૉટર બેઝ્ડ અથવા જેલ બેઝ્ડ તેમ જ SPF‍વાળા મૉઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો જોઈએ. 

૩૦-૪૦ વર્ષની ઉંમર
આ ઉંમરમાં કોલૅજન બનવાનું ધીરે-ધીરે ઓછું થવા લાગે છે. ફાઇન લાઇન્સ આવવા લાગે છે અને સ્કિનનું ડીહાઇડ્રેશન વધે છે. એટલે હાયોલ્યુરૉનિક ઍસિડ, વિટામિન E અથવા Cવાળું, થોડા ક્રીમી ટેક્સ્ચરવાળું હોય એવું મૉઇશ્ચરાઇઝર વાપરવું જોઈએ. એ ત્વચાને હાઇડ્રેટ કરવાનું, વૃદ્ધત્વની નિશાનીઓની ઓછી કરવાનું અને સ્કિનને ટાઇટ રાખવાનું કામ કરે છે. 

૪૦-૫૦ વર્ષની ઉંમર
આ ઉંમરમાં હૉર્મોનલ બદલાવને કારણે સ્કિન ડ્રાય, ઢીલી અને થોડી ડલ લાગવા લાગે છે. એટલે કોલૅજન બૂસ્ટર, સેરામાઇડ્સ અને પેપ્ટાઇડ્સવાળું મૉઇશ્ચરાઇઝર છે જે રિચ અને ક્રીમી ફૉર્મ્યુલાવાળું હોય એ વાપરવું જોઈએ. આ સ્કિનની ઇલૅસ્ટિસિટી જાળવી રાખે છે અને સ્કિન બૅરિયરને રિપેર કરવાનું કામ કરે છે. 

૫૦ વર્ષથી વધુની ઉંમર
આ ઉંમરમાં ત્વચા પાતળી, ડ્રાય અને સેન્સિટિવ થઈ જાય છે. એટલે નૅચરલ ઑઇલ્સ જેમ કે આર્ગન, જોજોબા, શિયા બટરવાળું મૉઇશ્ચરાઇઝર વાપરવું જોઈએ. એ ઇરિટેશન ઓછું કરીને સેન્સિટિવ સ્કિનને રાહત આપવાનું કામ કરે છે તેમ જ લાંબા સમય સુધી ત્વચામાં હાઇડ્રેશન જાળવી રાખે છે.

diwali skin care life and style lifestyle news columnists exclusive gujarati mid day