ચોમાસામાં કાનની પાછળ સતત ખંજવાળ કેમ આવે છે?

21 July, 2026 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વરસાદના ભેજવાળા વાતાવરણમાં ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધે છે અને એને કારણે કાનની પાછળ અને અંદર ખંજવાળની સમસ્યા વકરે છે

પ્રતીકાત્મક તસવીર

મૉન્સૂનને લીધે ગરમીમાં તો રાહત મળે છે, પણ એની સાથે સ્વાસ્થ્યની ઘણી સમસ્યાઓ પણ આવે છે. આ દિવસોમાં જો તમને કાનમાં કે કાનની પાછળ સતત ખંજવાળ આવતી હોય, કાન ભારે લાગતો હોય કે દુખતો હોય તો એને સામાન્ય ગણીને અવગણશો નહીં. આવા ભેજવાળા વાતાવરણને લીધે ફંગલ ઇન્ફેક્શન થવાનું જોખમ વધી જાય છે. વરસાદની ઋતુમાં હવામાં ભેજનું પ્રમાણ આ પ્રકારના ઇન્ફેક્શન માટે જવાબદાર પરિબળ છે.

કેમ વધે છે આ સમસ્યા?

આપણા કાનમાં કુદરતી રક્ષણાત્મક પડ હોય છે. ચોમાસામાં વારંવાર ભીના થવાથી, સ્વિમિંગ કરવાથી અથવા કાનમાં કૉટન-બડ્સ કે ઇઅર-બડ્સ નાખવાથી એ પડને નુકસાન પહોંચે છે. નિષ્ણાતોના મતે વરસાદની ભેજવાળી આબોહવા ફૂગના વિકાસ માટે અનુકૂળ હોવાથી કાન અને એની આસપાસના એરિયામાં ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે. પરિણામે ખંજવાળની સમસ્યા વધે છે. ઘણા લોકો શરૂઆતનાં લક્ષણોને ઓળખી શકતા નથી અને ઘરેલુ ઉપચારો કરવા લાગે છે જે સ્થિતિને વધુ બગાડી શકે છે. કાનની અંદર અને પાછળના ભાગમાં સતત ખંજવાળ આવવી, કાનમાંથી ડિસ્ચાર્જ નીકળવું, આસપાસની ત્વચા ડ્રાય થઈને ભીંગડાં નીકળવાં, કાન બંધ થઈ ગયો હોય એવું લાગવું, અસહજતા કે દુખાવો થવો, સાંભળવામાં તકલીફ પડવી જેવાં લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર કરાવવી જરૂરી છે. આ ઇન્ફેક્શન કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, પણ ડાયાબિટીઝના દરદીઓ, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને ત્વચાની બીમારી હોય એવા લોકોને આનું જોખમ વધુ રહે છે. આ ઉપરાંત જેઓ નિયમિત સ્વિમિંગ કરે છે, કલાકો સુધી ઇઅર-ફોન કાનમાં ભરાવી રાખે છે, કાન સાફ કરવા અણીદાર ચીજનો ઉપયોગ કરે છે તેમના કાનની અંદર ફૂગ સરળતાથી પ્રવેશી શકે છે અને ઇન્ફેક્શન થઈ શકે છે.

કાનની સફાઈમાં ધ્યાન રાખવું

કાનનો મેલ એ કચરો નથી; પરંતુ એ ધૂળ, બૅક્ટેરિયા અને ફૂગ સામે કાનનું રક્ષણ કરતું કુદરતી કવચ છે. એને વારંવાર સાફ કરવાના પ્રયાસો બંધ કરવા જોઈએ. નહાયા કે સ્વિમિંગ કર્યા પછી કાનના બહારના અને પાછળના ભાગને નરમ કપડાથી હળવેથી સાફ કરીને સૂકો કરો. કાનમાં ક્યારેય પણ બડ્સ કે અણીદાર વસ્તુઓ ન નાખો, કારણ કે એ કાનના કચરાને અંદર ધકેલે છે અને ચેપ વધારે છે. ઇઅર-ફોન કે સાંભળવાનું મશીન વાપરતા લોકોએ એને નિયમિત સાફ કરવું જોઈએ અને લાંબા સમય સુધી સતત કાનમાં ભરાવી રાખવાનું ટાળવું જોઈએ. જો ખંજવાળ કે દુખાવો સતત રહે તો જાતે ટીપાં નાખવાને બદલે તાત્કાલિક કાનના ડૉક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

ડાયાબિટીઝના દરદીઓ, નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો અને ત્વચાની બીમારી હોય એવા લોકોને આનું જોખમ વધુ રહે છે.

lifestyle news life and style health tips healthy living gujarati mid day