08 July, 2026 02:38 PM IST | Mumbai | Dr. Meeta Shah
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વરસાદમાં પલળવું જુદી વાત છે અને વરસાદને કારણે રોડ પર ભરાયેલા ગંદા પાણીમાં પગ પડવા જુદી વાત છે. છત્રી કે રેઇનકોટથી આપણે શરીરને ભીંજાતું અટકાવી શકીએ છીએ, પરંતુ પગને એ ગંદા પાણીથી બચાવી શકતા નથી. આથી વરસાદમાં જો સૌથી વધારે કોઈ અંગ અસર પામતું હોય તો એ આપણા પગ છે. પગ વધુ સમય પાણીમાં રહે, ભીના રહે કે વારંવાર પલળતા રહે તો ઇન્ફેક્શન લાગવાની બીક સતત રહ્યા કરે છે. ચોમાસામાં પગની વિશેષ કાળજી રાખવી જરૂરી છે.
સામાન્ય રીતે જ્યારે ચોમાસામાં ઇન્ફેક્શન થવાનો ડર વધુ રહે છે ત્યારે ડાયાબિટીઝના દરદીઓએ એ કાળજી રાખવી ખૂબ જરૂરી છે કે તેમની નાનકડી બેદરકારી તેમને ભારે પડી શકે છે. જે વ્યક્તિને ૧૦-૧૫ વર્ષથી ડાયાબિટીઝ છે તેના પગમાં નસોનો પ્રૉબ્લેમ રહે છે. ખાસ કરીને તેને કોઈ સેન્સેશન આવતું નથી. એટલે સામાન્ય રીતે સમજીએ તો એક સામાન્ય માણસના પગ પર ગરમ પાણી પડે તો તેને ગરમ લાગે છે, પરંતુ ડાયાબિટીઝના દરદીને નસોની સેન્સિટિવિટીનો પ્રૉબ્લેમ હોય તો તેને એ પાણી ગરમ છે એવી ખબર પણ નહીં પડે. આ પરિસ્થિતિમાં ઘણી વાર એવું પણ બનતું હોય છે કે પગમાં કોઈ ઘા થાય તો પણ એનો દુખાવો તે દરદીને અનુભવાતો નથી. અનુભવાય નહીં એટલે વ્યક્તિને ક્યારેક તો ખબર પણ ન પડે કે તેને ઘા થયો છે અને માટે એ દવા લે નહીં અને એ ઘા પાકીને ગૅન્ગ્રીન થઈ જાય અને પગ કપાવવો પડે એમ પણ બને. એને ડાયાબેટિક ફુટની સમસ્યા કહે છે. ડાયાબિટીઝના દરદીઓને ઇન્ફેક્શન ખૂબ જલદી લાગે છે અને એક વાર ઇન્ફેક્શન થયા પછી એનો ઇલાજ કરતાં-કરતાં પણ રોગ મટવામાં ઘણી વાર લાગે છે. કોઈ પણ પ્રકારના ઇન્ફેક્શનનું રિસ્ક ડાયાબિટીઝના દરદીઓમાં વધુ જોવા મળે છે. વળી પગમાં ઇન્ફેક્શન થાય તો એ ઇન્ફેક્શન મટાડવું ઘણું અઘરું પડી જાય છે. એ મટતાં વાર લાગે તો સડો વધી જાય છે, જેને કારણે ગૅન્ગ્રીનની સમસ્યા થાય છે અને પગ કાપવાની જરૂર પણ ઊભી થઈ શકે છે.
આ દિવસોમાં ઇન્ફેક્શનનું રિસ્ક ઓછું રહે એ માટે તમે તમારી શુગરને એકદમ સખત કન્ટ્રોલમાં રાખો એ જરૂરી છે. જો શુગર ઉપર-નીચે થશે તો આપોઆપ ઇન્ફેક્શનનું રિસ્ક વધી જશે. બીજું એ કે જો કોઈ ઇન્ફેક્શન થાય તો શુગરનું મૅનેજમેન્ટ અઘરું બનશે. શુગર વધશે તો ઇન્ફેક્શન પર કાબૂ કરવો અઘરો બનશે. આમ પરિસ્થિતિ વણસી જશે. આ એક પ્રકારનું ગોળ-ગોળ ફરતું ચક્ર છે એમ સમજી શકાય. એટલે ચોમાસામાં સામાન્ય દિવસો કરતાં તમારે તમારી કાળજી વધુ રાખવી અત્યંત જરૂરી છે.