02 July, 2026 02:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ચોમાસું આવ્યું નથી કે જાત-જાતના જંતુઓ ઊભરાઈ આવે છે અને એમાં એક સૌથી વધુ ઇરિટેશન આપતું જંતુ છે માખી. એક વરસાદ પડ્યો નથી કે ઘરમાં અને ખાસ કરીને રસોડામાં માખીનાં ટોળેટોળાં ફરી વડે છે. બિલકુલ ડંખ પણ ન મારતી માખી એટલી હદે ડેન્જર હોય છે કે એને કારણે જીવ જવા સુધીની હાલત ખરાબ થાય છે. આ માખીઓ પાણીના ખાબોચિયા, કચરો, ગંદકી, મળ કે કાદવ પર બેસે છે અને ઊડીને આપણાં ઘરોમાં આપણી ઉપર અને આપણા ખોરાકની ઉપર બેસે છે. એમની પાંખ અને એમના પગ પર રોગના જંતુઓ ચોંટી જાય છે અને એ જ્યાં ઊડે કે બેસે ત્યાં આ જંતુઓ ફેલાઈ શકે છે અને આ જ રીતે રોગચાળો ફેલાય છે. આ માખીઓથી બચવું અત્યંત જરૂરી છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન મુજબ માખીને કારણે આપણને ૬૫ જેટલા ગંભીર રોગો થવાની શક્યતા રહે છે. આ ૬૫માંથી બધા તો નહીં પરંતુ આપણે ત્યાં ચોમાસામાં જે વધુ જોવા મળે છે એવા રોગો વિશે જાણીએ. ચોમાસામાં ડાયેરિયા અને ડિસેન્ટ્રી, રોટાવાઇરસ ઇન્ફેક્શન વ્યાપક રીતે જોવા મળે છે. આ સિવાય જંતુઓ કૉલેરાને ફેલાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ટાઇફૉઇડ પણ વરસાદમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે.
માખીને દૂર કરવા માટે અને એના દ્વારા ફેલાતા રોગોથી બચવા માટે આટલું ચોક્કસ કરો. ઘરમાં ડિસઇન્ફેક્ટન્ટ વાપરો અને એનાથી જ પોતાં કરાવો જેથી માખી ન આવે અથવા એનું પ્રમાણ ઘટે. કેમિકલયુક્ત પદાર્થ વાપરવા કરતાં હર્બલ પદાર્થ બજારમાં મળે છે એ જ વાપરો જેથી ઉપયોગ વધે તો પણ નુકસાન ન થાય. માખી એક વખત ઘરમાં ઘૂસે પછી એને કાઢવી અઘરી છે. એના કરતાં બારીઓ પર વાયરવાળી નેટ આવે છે એ લગાવો જેથી માખી જ નહીં, મચ્છરથી પણ છુટકારો મળી શકે.
ક્યાંય પણ જમતાં પહેલાં કે કોઈ પણ ખોરાક મોઢામાં નાખતાં પહેલાં હાથ ઍન્ટિ-બૅક્ટેરિયલ સાબુથી વ્યવસ્થિત સાફ કરવા. ઇન્ફેક્શનથી બચવા માટેની અકસીર આદત હૅન્ડવૉશ છે. ખાસ કરીને બાળકોમાં આ આદત કેળવવી. પકવેલો ખોરાક ખુલ્લો રાખો નહીં, ઢાંકીને જ રાખો. ઘરનો ખોરાક સાફ અને જંતુરહિત હોય છે, પરંતુ જો ખુલ્લો હોય અને એના પર માખી બેસે તો એ હાનિકારક બની શકે છે. રોડ પર મળતાં ખુલ્લાં ઠંડાં પીણાં, શરબત, શેક, ગોલા, શેરડીનો રસ વગેરે ન ખાવાં. ચોમાસામાં રોડસાઇડ ખોરાક ખાવાનું ટાળો. ખુલ્લામાં લારીમાં પડેલા ખોરાક પર ઘણી માખીઓ બેઠી હોઈ શકે છે. આ સિવાય એમણે વાપરેલું પાણી મલીન હોય તો તમે માંદા પડી શકો છો. આ ૪ મહિના લારીઓ પર ખાવાનું ટાળો. આમ તો હોટેલનો ખોરાક પણ ન ખાવો હિતકારક છે. જો ખાવો જ પડે તો તમારી નજર સામે પકવેલો ખોરાક ખાવો.
- બિનીતા મહેતા