25 December, 2025 12:22 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
આગામી એક મહિનામાં બ્રેકફાસ્ટ, લંચ, ડિનરમાં શું જમવાનું બનશે એનું પ્લાનિંગ કરવામાં મીરા રાજપૂત અને શાહિદ કપૂર તેમનાં બાળકોને પણ સહભાગી કરે છે. મન્થ્લી મીલ-પ્લાનિંગમાં બાળકોને ઇન્વૉલ્વ કરવાથી સ્વસ્થ ખાનપાનની આદતો વિકસે છે અને તેઓ વધારે જવાબદાર બને છે. બાળકોને કઈ રીતે મીલ-પ્લાનિંગમાં સામેલ કરી શકાય અને એનાથી શું ફાયદો થાય એના વિશે આજે અહીં વાત કરીએ
શું તમે પણ એવા પેરન્ટ્સ છો જે સંતાનની ‘આ નથી ખાવું ને પેલું નથી ખાવું’ની આદતથી કંટાળી ગયા છો? તમે તેમને હેલ્ધી ખાવાનું ખાવાની આદત પાડવા માગો છો પણ તેમનાં ખાવાપીવામાં બહુ નખરાં હોય છે. તો તમારી આ સમસ્યાનો એક અસરકારક ઉકેલ એ છે કે તમે તેમને મન્થ્લી મીલ પ્લાનિંગમાં સામેલ કરો. એ શા માટે જરૂરી છે, એનાથી ફાયદો શું થશે અને એ કેવી રીતે કરી શકાય એ તમામ વિશે આપણે ડાયટિશ્યન શર્મિલા મહેતા પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ.
મન્થ્લી મીલ-પ્લાનિંગમાં બાળકોને સહભાગી કરતાં પહેલાં પેરન્ટ્સે પોતાના ઘરમાં આ સિસ્ટમ અપનાવવી જોઈએ. દરરોજ આજે શું બનાવવું છે એની ગૂંચવણમાંથી નીકળીને પૂરા એક મહિનાની ખાવાની યોજના અગાઉથી જ બનાવીને રાખવી જોઈએ જે મોટા ભાગના ભારતીય પરિવારો આજે પણ કરતા નથી. એમ છતાં કેટલાક પરિવારો છે જે મહિનાની શરૂઆતમાં જ નક્કી કરી લે કયા અઠવાડિયે કયું શાક બનાવવું, કયા દિવસે બાળકોની પસંદનું ખાવાનું બનાવવું, વગેરે. વાસ્તવિક જીવનમાં આનો મોટો ફાયદો ત્યારે દેખાય છે જ્યારે તમે કામથી થાકીને ઘરે આવો ત્યારે એ વિચારવાની જરૂર નથી પડતી કે જમવામાં અત્યારે શું બનાવું. બધું અગાઉથી જ નક્કી હોવાથી તનાવ ઓછો થાય છે અને જમવાનું પણ સમયસર બની જાય છે. માર્કેટ જતી વખતે પણ અંદાજથી નહીં, પણ લિસ્ટના હિસાબે ખરીદી થાય છે જેનાથી ફાલતુ ખર્ચ અને ખાવાનો બગાડ બન્ને ઓછાં થાય છે. મન્થ્લી મીલ-પ્લાનિંગથી પરિવારનું ભોજન વધારે સંતુલિત થઈ જાય છે. પહેલેથી જ ખબર હોય કે ઘરે આજે આ બનવાનું છે તો તમે બહારથી તળેલું, જન્ક ફૂડ ખાવાનું ઓછું કરો અથવા ટાળો.
બાળકને મન્થ્લી મીલ-પ્લાનિંગમાં સામેલ કરવા તેમના શારીરિક વિકાસ, સ્વાસ્થ્ય અને આજીવન સ્વસ્થ ખાવાની આદતો માટે ખૂબ ઉપયોગી છે. જ્યારે બાળકો ખાવાની યોજના બનાવવાની પ્રક્રિયામાં ભાગ લે છે ત્યારે પોષણ તેમના માટે ફક્ત પુસ્તકનો વિષય નથી રહી જતું પણ રોજબરોજના જીવનનો એક હિસ્સો બની જાય છે. સૌથી પહેલાં આનાથી બાળકોમાં સંતુલિત આહારની સમજ વિકસિત થાય છે. મીલ-પ્લાનિંગ દરમિયાન જ્યારે દાળ, શાકભાજી, ફળો, અનાજની વાત થાય છે ત્યારે બાળકો એ શીખે છે કે શરીરને સરખી રીતે કામ કરવા માટે અલગ-અલગ પોષક તત્ત્વોની જરૂર હોય છે. તેમને સમજાય છે કે ફક્ત ભાવે એ ખાવાથી નહીં, પણ વિવિધ પ્રકારનું ભોજન લેવાથી શરીર મજબૂત બને છે. બીજું એ કે બાળકોમાં ખાવાપીવાને લઈને બહુ નખરાં હોય છે. તેમને અમુક વસ્તુ ભાવતી હોય એ જ ફરી-ફરી ખાવા જોઈએ. એને કારણે તેમનામાં પોષણની કમી થઈ શકે છે. મીલ-પ્લાનિંગમાં બાળકોને સામેલ કરવાથી બાળકોનાં ખાવાપીવાને લઈને નખરાં ઓછાં થાય છે. જ્યારે બાળકો પોતે નક્કી કરે છે કે મહિનામાં કયાં-કયાં ફળો, શાકભાજી આવશે તો તેઓ એ ખાવા માટે વધુ તૈયાર રહે છે. મન્થ્લી મીલ-પ્લાનિંગથી બાળકોને જન્ક ફૂડ અને હેલ્ધી ફૂડ વચ્ચેનો ફરક પણ સમજાય છે. જ્યારે અગાઉથી જ નક્કી હોય કે મહિનામાં સીમિત વાર જ બહારનું કે તળેલું ખાવા મળશે તો બાળકો એને રોજની આદત બનાવતાં નથી. આ સંતુલન સ્થૂળતા, પાચન સંબંધિત સમસ્યાઓ અને ભવિષ્યમાં થનારી લાઇફસ્ટાઇલ બીમારીઓથી બચવામાં મદદ કરે છે. એ સિવાય સંતુલિત મીલ-પ્લાનથી બાળકોના એનર્જી લેવલ, ઇમ્યુનિટી અને ફોકસમાં સુધારો થાય છે. નિયમિતરૂપે યોગ્ય માત્રામાં જરૂરી વિટામિન્સ, મિનરલ્સ, ફાઇબર, પ્રોટીન મળવાથી તેમનું શરીર વધારે સક્રિય રહે છે. તેઓ જલદીથી થાકતાં નથી અને ભણતરમાં પણ સારી રીતે ધ્યાન આપી શકે છે. ઇન શૉર્ટ બાળકોને મન્થ્લી મીલ-પ્લાનિંગમાં સામેલ કરવાથી તેમનામાં યોગ્ય પોષણની સમજ, સ્વસ્થ ભોજન પ્રતિ સકારાત્મક વિચાર અને લાંબી ઉંમર સુધી સારા સ્વાસ્થ્યનો મજબૂત પાયો નાખી શકાય છે.
બાળકોને મન્થ્લી મીલ-પ્લાનિંગમાં સામેલ કરવાનું કોઈ મુશ્કેલ કામ નથી. બસ, તમારે તેમને રોજબરોજની નાની-નાની આદતો સાથે જોડવાની જરૂર હોય છે. સૌથી પહેલાં મહિનાની શરૂઆતમાં એક દિવસ નક્કી કરો જ્યારે પૂરો પરિવાર આરામથી બેસીને મન્થ્લી મીલ-પ્લાન પર ચર્ચા કરી શકે. એ સમયે બાળકોને પણ પૂછો કે તેમને શું-શું ખાવાનું પસંદ છે? એવી કઈ ચીજો છે જે રોજ નહીં, પણ ક્યારેક-ક્યારેક ખાઈ શકે? બ્રેકફાસ્ટમાં શું ખાવાનું પસંદ કરશો જેથી તમને સ્કૂલમાં જલદી ભૂખ ન લાગી જાય? આ તમારે ખાવું જ પડશે એવી બળજબરી કરવા કરતાં તેમને પૂછો કે આમાં શું ચેન્જ કરીએ જેથી એ તમને પસંદ આવે. કોઈક વાર તમે તેને એક આખા દિવસનાં મીલ પ્લાન કરવા આપો. આનાથી બાળકોને લાગશે કે તેમની ઇચ્છાને પણ માન આપવામાં આવે છે. તમે ગ્રોસરી ખરીદવા માટે જાઓ ત્યારે બાળકને સાથે લઈ જાઓ. બાળકને ફક્ત ટ્રોલી પકડાવી દેવાને બદલે તેમને નાનાં-નાનાં કામ આપો. તેમને તાજી શાકભાજી અને ફળોને શોધીને લઈ આવવા કહો. બાળક જ્યારે જાતે એ વસ્તુને સ્પર્શીને, જોઈને ટ્રોલીમાં નાખે ત્યારે તેને એમ લાગે કે આ તેણે પસંદ કરેલી વસ્તુ છે એટલે ઘરે આવ્યા પછી તે સામેથી એ વસ્તુ ખાવા માટે માગશે.
ગ્રોસરી-શૉપિંગને બાળક માટે કામ નહીં, પણ શીખવાનો અનુભવ બનાવો. તેમને લેક્ચર આપવાને બદલે તેમને એ કામનો હિસ્સો બનાવો.
મીલ-પ્લાનિંગ ફક્ત એ નક્કી કરવું નથી કે જમવામાં શું બનશે પરંતુ એ પણ સમજવું છે કે ભોજન કેવી રીતે તૈયાર થાય છે. એટલે બાળકોને તેમની ઉંમરના હિસાબે નાનાં-નાનાં કામોમાં સહભાગી કરવાં ખૂબ જરૂરી છે. ત્રણથી છ વર્ષનાં બાળકોને શાકભાજી-ફળો ધોવાનું, લીલાં પાંદડાંવાળી શાકભાજી વીણવાનું, વટાણા ફોલવાનું, ટેબલ પર થાળી, વાટકા, ગ્લાસ ગોઠવવા જેવાં કામો શીખવાડી શકાય. સાતથી દસ વર્ષનાં બાળકોને બટાટા, ગાજર છોલવાનું, સૅલડ બનાવવાનું, લોટ ગૂંથવામાં મદદ કરાવવાનું શીખવાડી શકાય. અગિયાર વર્ષથી મોટાં બાળકોને સરળ રેસિપી બનાવવાનું, શાકભાજી કાપવાનું શીખવાડી શકાય. આમ કરવાથી બાળકો ભોજનની કદર કરતાં શીખશે. ખાવાપીવાને લઈને તેમનાં નખરાં ઓછાં થશે. મનમાં આત્મવિશ્વાસ અને જવાબદારીની ભાવના વધશે.
પેરન્ટ્સની એ જવાબદારી છે કે મીલ-પ્લાનિંગને કન્ટ્રોલની જેમ લેવાને બદલે એને સહયોગની જેમ રાખે. બાળકો પર ખાવાપીવાના મામલે જબરદસ્તી કરવાને બદલે તેમને સમજદારીથી વસ્તુઓની પસંદગી કરવાની તક આપો. આનાથી બાળકો ધીમે-ધીમે સ્વસ્થ ભોજનની આદતો પણ કેળવશે તેમ જ વધુ જવાબદાર અને આત્મવિશ્વાસુ પણ બનશે.