14 May, 2025 12:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
લગભગ ૯૦ ટકા સ્ત્રીઓને પોતાની પ્રેગ્નન્સી દરમિયાન વત્તા-ઓછા અંશે ઊલટીઓ થતી જ હોય છે. આ લક્ષણો ખૂબ જ સામાન્ય છે. પરંતુ આ લક્ષણોને લીધે સ્ત્રીની હાલત અસામાન્ય બની જાય છે એ પણ એક હકીકત છે. સામાન્ય રીતે સ્ત્રીઓને આ તકલીફ સવારના ઊઠતાંની સાથે જ થતી હોય છે અને જેમ-જેમ દિવસ ચડે એમ પ્રૉબ્લેમ ઘટતો જાય છે. આ સ્ત્રીઓને સવારના પહોરમાં ઊઠતાંની સાથે ઊલટી, દૂધ પી ન શકે, નાસ્તો કરવાની ઇચ્છા જ ન થાય, પાણી પણ પીએ તો ઊબકા આવે એવું ઘણું થતું હોય છે. સવારે આ પ્રૉબ્લેમ વધુ હોવાને કારણે એને મૉર્નિંગ સિકનેસ પણ કહે છે. જ્યારે સ્ત્રીઓ આ પ્રૉબ્લેમ લઈને અમારી પાસે આવે છે ત્યારે અમે તેમને કેટલીક હોમ રેમેડી સમજાવીએ છીએ. જ્યાં સુધી ઊલટી દિવસમાં ૩-૪ વાર થતી હોય ત્યાં સુધી એમાં કંઈ ખાસ ચિંતા જેવું હોતું નથી. આ પરિસ્થિતિમાં દવાઓ આપવાની પણ ખાસ જરૂર હોતી નથી.
પ્રેગ્નન્સીમાં ઊલટી, ઊબકા કે મૉર્નિંગ સિકનેસથી બચવા માટે ઘણી હોમ રેમેડી છે જે કામ લાગી શકે છે. ઊબકા અને ઊલટી પાછળનું એક કારણ છે વધુપડતું પિત્ત કે ઍસિડ, જે આખી રાત દરમિયાન ધીમે-ધીમે વધતું હોય છે. ઊઠીને સીધું ફ્રૂટ કે ડ્રાયફ્રૂટ ખાઈએ તો શરીરને એમાંથી મળતી શુગરને લીધે એ ઍસિડ શાંત થાય છે. એમાં પણ જો ખજૂર ખાવામાં આવે તો એ મૉર્નિંગ સિકનેસમાં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે.
આ સિવાય સુકાયેલા આદુંનો પાઉડર, જેને આપણે સૂંઠ કહીએ છીએ એમાં ખડી સાકરને પીસીને અને ઘી મેળવીને જો એની ગોળીઓ બનાવી દેવામાં આવે તો આ ગોળીઓ ઊલટીમાં અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. સવારે ઊઠતાંની સાથે જ કે જ્યારે ઊબકા જેવું લાગે ત્યારે આ એક ચપટી સૂંઠની બનાવેલી નાનકડી ગોળી ખાવાથી ઘણી રાહત મળી શકે છે. બીજું એ સમજવાનું જરૂરી છે કે આ દરમિયાન તમે આલ્કલાઇન ફૂડ ખાઓ, ઍસિડિક નહીં. જ્યારે શરીરમાં ઍસિડ વધારે છે ત્યારે ઍસિડિક ફૂડ ખાવાને બદલે આલ્કલાઇન ફૂડ ખાઓ. આ આલ્કલાઇન ફૂડ એટલે છાલવાળા બટાટા, શેકેલાં શક્કરિયાં, કંદ, ફ્રૂટ અને શાકભાજીના કૉમ્બિનેશનવાળાં જૂસ, ડ્રાયફ્રૂટ, ફણગાવેલા મગ, જવ, ભાત, દહીં અને દહીંનું પાણી જે નિયમિત ખોરાકમાં લેવું જોઈએ. જ્યારે ચા, કૉફી, ચૉકલેટ, દૂધ, ઈંડાં, મરચાં, ગરમ મસાલો, કોલા ડ્રિન્ક્સ, પૅકેટ જૂસ, ફ્રૂટ ફ્લેવરવાળાં ડ્રિન્ક, દૂધવાળાં ડ્રિન્ક, બ્રેડ, બિસ્કિટ, કુકીઝ, કેક, પૅકેટવાળાં સ્નૅક્સ, ચિપ્સ, નમકીન કે ફરસાણ, જાતભાતના સૉસ, ક્રીમ, મેયોનીઝ, કેચપ, ફ્રોઝન ફૂડ ખાવાનું ટાળવું જોઈએ કારણ કે એ ઍસિડિક ખોરાક છે.
- ધ્વનિ શાહ