ઇન્ટિગ્રેટિવ ઑન્કોલૉજી કૅન્સરની સારવારમાં પરંપરાગત પદ્ધતિઓની પાવરફુલ એન્ટ્રી

07 November, 2025 03:00 PM IST  |  Mumbai | Ruchita Shah

કીમોથેરપી સાથે આયુર્વેદ અને યોગનો સમન્વય એની આડઅસરોને ઘટાડવામાં મદદરૂપ થાય છે એવું સંશોધનોમાં સાબિત થઈ ગયું છે અને એને લગતાં સંશોધનો હજીયે ચાલી રહ્યાં છે. આજે દેશમાં મૉડર્ન મેડિસિન્સ સાથે આયુર્વેદ, યોગ જેવી ઉપચારપદ્ધતિઓનું સંયોજન ટ્રેન્ડિંગ છે

પ્રતીકાત્મક તસવીર

ગ્લોબલ કૅન્સર ઑબ્ઝર્વેટરી (GLOBOCAN) અને વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન સાથે સંકળાયેલી સંસ્થા ઇન્ટરનૅશનલ એજન્સી ફૉર રિસર્ચ ઑન કૅન્સરનો ડેટા કહે છે કે ૨૦૨૨માં કૅન્સરના લગભગ બે કરોડ નવા કેસ રજિસ્ટર્ડ થયા હતા. એમાં મુખ્યત્વે ફેફસાંનું કૅન્સર, મહિલાઓમાં બ્રેસ્ટ-કૅન્સર અને કોલોરેક્ટલ કૅન્સરનો સમાવેશ થતો હતો. આ જ વર્ષમાં લગભગ ૯૭ લાખ લોકો કૅન્સરને કારણે મૃત્યુ પામ્યા હતા. મૃત્યુ પામનારા લોકોમાં પહેલા નંબરે લંગ પછી કોલોરેક્ટલ અને લિવર કૅન્સરનો સમાવેશ થતો હતો. દુનિયામાં આવનારાં પચીસ વર્ષમાં લગભગ સાડાત્રણ કરોડ દરદીઓ કૅન્સરના હશે એવું અનુમાન પણ આ વૈશ્વિક સ્તરે માનીતી સંસ્થાઓનો છે. આ જ દિશામાં ભારતનું ચિત્રણ જોઈએ તો ઇન્ડિયન કાઉન્સિલ ફૉર મેડિકલ રિસર્ચ (ICMR)ના અને GLOBOCANના ડેટા મુજબ ભારતમાં લગભગ ૧૪ લાખ લોકોને કૅન્સર છે અને દર નવમાંથી એક વ્યક્તિને પોતાના જીવનમાં કૅન્સર થવાની સંભાવના છે. આપણી બદલાઈ રહેલી જીવનશૈલીને જોતાં આવનારા સમયમાં કૅન્સરનું પ્રમાણ કલ્પના બહાર જાય એવી પણ પૂરી સંભાવના છે. કૅન્સરવાળી વ્યક્તિ માનસિક, શારીરિક, આર્થિક, સામાજિક એમ દરેક રીતે ભાંગી પડતી હોય છે. કૅન્સરની સારવારના ખર્ચને પહોંચી વળવા માટે વ્યક્તિનાં ઘરબાર પણ વેચાઈ જતાં હોય છે ત્યારે એક નવું આશાનું કિરણ કૅન્સરની સારવારમાં દેખાઈ રહ્યું છે જે ટ્રેન્ડ આજકાલ ‘ઇન્ટિગ્રેટિવ ઑન્કોલૉજી’ તરીકે પૉપ્યુલર થઈ રહ્યો છે. યોગથી બ્રેસ્ટ-કૅન્સરના દરદીઓને લાભ થયો હોવાનું સર્વેક્ષણ તાતા હૉસ્પિટલે કરેલું અને એના પૉઝિટિવ રિઝલ્ટ વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની મન કી બાતમાં પણ ઉલ્લેખ કરેલો. આજે ભારત સરકાર અને આયુષ મંત્રાલય દેશભરમાં વિવિધ સેન્ટરોમાં ઇન્ટિગ્રેટિવ ઑન્કોલૉજીથી પેશન્ટની જરૂરિયાત મુજબ હોલિસ્ટિક ટ્રીટમેન્ટને પીઠબળ આપી રહ્યું છે અને એ દિશામાં વૅલિડ રિસર્ચ સાથેના પુરાવાઓ ઊભા કરવાનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. આ પૂર્વભૂમિકા સાથે હવે આ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ઇન્ટિગ્રેટિવ ઑન્કોલૉજી શું છે અને એનાથી શું લાભ થઈ શકે એ વિષય પર ચર્ચા કરીએ.

છે શું એક્ઝૅક્ટ્લી?

દરદીને વધારાનો લાભ મળે અને પેશન્ટની રિકવરી જલદી થાય કે તેને થનારી સાઇડ-ઇફેક્ટ્સમાં રાહત મળે એ માટે વિવિધ ઉપચારપદ્ધતિઓના નિષ્ણાતો સાથે મળીને કામ કરે અને દરેક ઉપચારપદ્ધતિની વિશેષતાનો લાભ દરદીને અપાય એ સિસ્ટમને તમે ઇન્ટિગ્રેટિવ સિસ્ટમ કહી શકો. ઑન્કોલૉજી એટલે કે કૅન્સરની સારવારમાં આજકાલ આ ઇન્ટિગ્રેટિવ અપ્રોચ પૉપ્યુલર થયો છે કે? એના જવાબમાં મુંબઈની કેન્દ્રીય આયુર્વેદ અનુસંધાન સંસ્થાન (CCRAS)ના રિસર્ચ ઑફિસર ડૉ. મનોહર ગુંડેટી કહે છે, ‘આ રીતનું વિવિધ ઉપચારપદ્ધતિનું ઇન્ટિગ્રેશન પેશન્ટની દૃષ્ટિએ જોઈએ તો નવી વાત નથી. આવું પહેલાં પણ પેશન્ટ પોતાના લેવલ પર કરતા જ હતા. એક રિસર્ચ રિપોર્ટ કહે છે કે દુનિયાના લગભગ ૩૦ ટકા કૅન્સરના દરદીઓ કન્વેન્શનલ થેરપી એટલે કે મૉડર્ન મેડિકલ સાયન્સની સારવાર સાથે અન્ય દેશી ઉપચારો કરતા જ હોય છે. ભારતમાં આયુર્વેદના રૂટ્સ ઊંડા હોવાથી કદાચ મોટા પાયે લોકો કૅન્સરની સારવાર સાથે આયુર્વેદ વગેરેને અમલમાં મૂકતા જ હોય છે. જોકે ઘણા લોકો મુખ્ય ટ્રીટમેન્ટ કરી રહેલા ઑન્કોલૉજિસ્ટથી એ વાત છુપાવતા હોય છે. તેમના મનમાં ડર હોય છે કે ક્યાંક તેમનો ડૉક્ટર એ બંધ કરાવી દેશે તો એનાથી થનારા સંભવિત લાભથી તેઓ વંચિત રહી જશે. આ જ કારણથી ઘણી વાર એવું પણ જોવામાં આવ્યું છે કે જાતે-જાતે આયુર્વેદની દવાઓ લેનારા લોકોમાં ડ્રગ ઇન્ટરફિયરન્સ એટલે કે બે દવાઓના વિરુદ્ધ મિક્સિંગને કારણે નુકસાન પણ થયું છે તો ઘણી વાર લાભ થયો હોય તો એનું પણ રિપોર્ટિંગ ન થયું હોય. હવે જ્યારે પુરાવાના આધારે ઑફિશ્યલી જ બે જુદી-જુદી ઉપચારપદ્ધતિના ડૉક્ટરો સાથે મળીને પેશન્ટના હિત માટે કોઈ ઉપચાર કરે ત્યારે એનો પાવર અનેક ઘણો વધી જતો હોય છે. ઇન્ટિગ્રેટિવ ઑન્કોલૉજીના ધ્યેયમાં પેશન્ટ સર્વોપરી છે. પ્રિવેન્શન, ટ્રીટમેન્ટ દરમ્યાન થતી સાઇડ-ઇફેક્ટમાં રાહત અને ટ્રીટમેન્ટ પછી ફરી દરદીને રીહૅબિલિટેટ કરવાના પ્રયાસો એમ જુદા-જુદા દૃષ્ટિકોણથી ઇન્ટિગ્રેટિવ ઑન્કોલૉજીમાં નિષ્ણાતો નિર્ણય લેતા હોય છે.’

રિસર્ચ થઈ રહ્યાં છે

અત્યાર સુધીમાં આયુર્વેદની વિવિધ દવાઓની કૅન્સરની સાઇડ-ઇફેક્ટમાં મળતી રાહત પર સર્વેક્ષણો થયાં છે અને એ લાભકારી છે એના પુરાવા પણ મળ્યા છે એમ જણાવીને ડૉ. મનોહર ઉમેરે છે, ‘કૅન્સર એક કૉમ્પ્લેક્સ બીમારી છે અને એને હૅન્ડલ કરવાના રસ્તાઓમાં પણ એટલે જ વિવિધતા મહત્ત્વની છે. જોકે વિવિધતા પ્રૂવન ફૅક્ટ્સના બેઝ પર હોવી જોઈએ એ સમજણ સાથે જ ભારત સરકારે આપણી પરંપરાગત પદ્ધતિઓમાં રિસર્ચવર્ક વધારી દીધું છે. ઇન્ટરેસ્ટિંગ કહી શકાય એવાં રિસર્ચ અમે કર્યાં છે જેનાં પરિણામો હકારાત્મક આવ્યાં છે તો સાથે જ કેટલાંક રિસર્ચ અત્યારે અમે કરી પણ રહ્યા છીએ. ભારત સરકારે મિનિસ્ટ્રી ઑફ આયુષ અને ઇન્ડિયન સેન્ટર ફૉર મેડિકલ રિસર્ચ સાથે મળીને ‘ઍડ્વાન્સ સેન્ટર ફૉર રિસર્ચ ઇન ઇન્ટિગ્રેટિવ હેલ્થકૅર’ ભારતની પાંચ AIIMSમાં શરૂ કર્યાં છે. આ પાંચેય સેન્ટર ઇન્ટિગ્રેટિવ એટલે કે સંયોજિત ઉપચારપદ્ધતિઓથી થતી સારવારનાં પરિણામો પર રિસર્ચ કરે છે. એ સિવાય પણ સરકારી અને પ્રાઇવેટ સંસ્થાઓ છે જે ઇન્ટિગ્રેટિવ કૅન્સર કૅર અને એની અસરો પર અભ્યાસ કરી રહી છે. નાગપુરના AIIMSમાં ખાસ કૅન્સર પર જ ફોકસ થઈ રહ્યું છે. દિલ્હી, સાઉથ વગેરેમાં પણ આવાં સેન્ટર છે. મુંબઈમાં તાતા મેમોરિયલ સેન્ટર અને કેન્દ્રીય આયુર્વેદ અનુસંધાન સંસ્થાન દ્વારા ‘ધ ઍડ્વાન્સ સેન્ટર ફૉર ટ્રીટમેન્ટ, રિસર્ચ ઍન્ડ એજ્યુકેશન ઇન કૅન્સર’ (ACTREC) નામનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે જે અંતર્ગત પણ કેટલાંક રિસર્ચ થયાં છે અને હજી કેટલાંક ચાલી રહ્યાં છે. ઓવરી કૅન્સરમાં કેટલીક આયુર્વેદિક દવાઓ કીમોની ઇફેક્ટને હળવી કરવામાં ઉપયોગી નીવડી હોય એવું એક સર્વેક્ષણમાં આપણને જાણવા મળ્યું છે. એવી જ રીતે મ્યુકોસાઇટિસ એટલે કે કીમો પછી પેશન્ટના મોઢામાં ચાંદાં પડતાં હોય છે એમાં પણ આયુર્વેદની દવાઓથી લાભ થયો હોવાનું દેખાયું. યોગ અને મેડિટેશનથી તો કૅન્સરના દરદીઓને આફ્ટર-ઇફેક્ટમાં ઘણા ફાયદા નોંધાયા છે. આ જ મોટું કારણ છે કે ચીન અને અમેરિકામાં કૅન્સરની ટ્રીટમેન્ટના પ્રોટોકૉલમાં યોગ અને મેડિટેશનને પણ સામેલ કરવામાં આવ્યાં છે. અત્યારે આપણે ત્યાં મુંબઈમાં જ વ્યક્તિની પ્રકૃતિ, તેના ગટ બૅક્ટેરિયા અને એના બેઝ પર તેને થતી આડઅસરોની તીવ્રતા પર અભ્યાસ થઈ રહ્યો છે. એ સિવાય નવી પ્લાન્ટબેઝ્ડ દવાઓ પર અભ્યાસ થઈ રહ્યો છે. કેટલીકમાં ઍનિમલ સ્ટડીમાં સારાં પરિણામો મળ્યાં છે એટલે હ્યુમન ટ્રાયલમાં પણ ખૂબ આશાઓ દેખાઈ રહી છે. કીમોથેરપી પછી હાથ-પગમાં ઝણઝણાટી થવી, થાક લાગવો, રોગપ્રતિકારક શક્તિ નબળી પડવી જેવી તકલીફોમાં અશ્વગંધા, શતાવરી જેવી દવાઓની અકસીરતા પણ સાબિત થઈ છે. કૅન્સરની સારવાર પછી રસાયણ ચિકિત્સા અને પંચકર્મ થેરપીથી લોકોની ક્વૉલિટી ઑફ લાઇફ સુધરી હોવાનું પણ અમે જોયું છે.’

બની ગયું છે ટ્યુમર બોર્ડ

ભારતમાં પહેલવહેલી વાર બે મહિના પહેલાં ગોવામાં ઇન્ટિગ્રેટિવ ઑન્કોલૉજી કૅર ઍન્ડ રિસર્ચ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ગોવા સરકાર, ગોવા મેડિકલ કૉલેજ, તાતા મેમોરિયલ સેન્ટર અને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદના એક્સપર્ટ્સ દ્વારા ટ્યુમર બોર્ડ બનાવવામાં આવ્યું છે જેઓ દરદીની કન્ડિશનને જોઈને પેશન્ટને ઇન્ટિગ્રેટિવ ટ્રીટમેન્ટ આપતા હોય છે. અહીં પણ મોટા પાયે રિસર્ચવર્ક શરૂ કરવામાં આવ્યું છે. આ સંદર્ભમાં આ સંસ્થાનના કન્વીનર ડૉ. સંજય ખેડેકર કહે છે, ‘કીમો અને રેડિયેશન પછી આયુર્વેદ અને યોગચિકિત્સાથી દરદીને મળતી રાહત વિશે વધુ અભ્યાસ અમારે ત્યાં થશે. ડાયગ્નોસિસ લેવલ પર જ ટ્રીટમેન્ટ પ્રોટોકૉલ પેશન્ટના ઓવરઑલ લાભ માટે નક્કી કરવામાં આવે છે. ઍલોપથીના ડૉક્ટરની સાથે આયુર્વેદના ડૉક્ટરની ટ્રીટમેન્ટ પણ અહીં સામેલ થાય છે. પેશન્ટની ઇમ્યુનોથેરપી સાથે રસાયણ ચિકિત્સા આપીએ. પેશન્ટને આયુર્વેદના દિનચર્યા અને ઋતુચર્યાના સિદ્ધાંતો સાથે નવો ડાયટપ્લાન, યોગ પ્રોટોકૉલ આપીએ. બાયોલૉજિકલ ક્લૉક સુધારીએ. એટલે સમય પર સૂવું, સમય પર ઊઠવું, યોગ અને મેડિટેશનનો અભ્યાસ કરવો, ફ્રેશ અને તેમની પ્રકૃતિને અનુકૂળ આહાર વગેરે દ્વારા લાઇફસ્ટાઇલ મૉડિફિકેશન કરાવીએ. આ ઉપરાંત આમળાં, હળદર, યષ્ટિમધુ, અશ્વગંધા, સફેદ મુસળી, શતાવરી, પીપલી, કાળા મરી જેવી બસ્સો જેટલી હર્બલ દવાઓમાંથી દરદીની જરૂરિયાત મુજબ આપીએ. એ જ રીતે કેટલાંક મિનરલ્સ એટલે કે ધાતુની કમીને પણ કુદરતી દવાઓ દ્વારા પૂરી કરીએ. હર્બો મિનરલ દવાઓ અને લાઇફસ્ટાઇલ મૉડિફિકેશનથી અમને ખૂબ સારાં પરિણામો મળી રહ્યાં છે.’

cancer health tips healthy living life and style lifestyle news columnists ruchita shah