ગરદનની સાઇઝ તમારા સ્વાસ્થ્ય વિશે શું કહે છે?

29 December, 2025 01:01 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં થયેલો એક અભ્યાસ કહે છે કે તમારી ગરદન પર બાઝેલા ચરબીના થર અને એનાં નિશાનોથી પણ ડાયાબિટીઝ, હાર્ટ-ડિસીઝ કે પાચનની સમસ્યાનો અંદાજ લગાવવો સંભવ છે

પ્રતીકાત્મક તસવીર

આપણું શરીર ઘણીબધી રીતે આપણી સાથે વાત કરતું હોય છે. આપણા સ્વાસ્થ્યની ચાડી ખાતાં ઘણાં લક્ષણો શરીરના જુદા-જુદા અવયવો દેખાડતા હોય છે. આપણા ધબકારાથી લઈને સ્કિન-કન્ડિશન અને શરીરના વિવિધ અવયવો પર ચરબીના થરનો પણ હેલ્થ-ડિટેક્ટર તરીકે ઉપયોગ થતો હોય છે. તાજેતરમાં પ્રકાશિત થયેલા એક સર્વેક્ષણનાં તારણોમાં ગરદનની સાઇઝ પણ હેલ્થ માટે ઘણું કહી શકે છે એવું સંશોધકોનું માનવું છે. રિસર્ચરોના મતે બૉડી માસ ઇન્ડેક્સ (BMI) અથવા કમરના ઘેરાવા ઉપરાંત ગરદનની જાડાઈ પણ હૃદયરોગ, ટાઇપ-ટૂ ડાયાબિટીઝ અને અન્ય મેટાબોલિક એટલે કે પાચનને લગતી સમસ્યાઓના જોખમ વિશે મહત્ત્વપૂર્ણ માહિતી આપી શકે છે.

લૉજિક શું છે?

ગરદનની આસપાસ સંગ્રહાયેલી ચરબીને ‘મેટાબોલિકલી ઍક્ટિવ’ માનવામાં આવે છે. આ ચરબી હૉર્મોન્સ અને સોજાના માર્કર્સ તરીકે જોવામાં આવે છે જે શરીરમાં શુગર અને ફૅટ-ડિપોઝિટની પ્રોસેસથી પ્રભાવિત થાય છે. રિસર્ચરો તો એવું પણ માને છે કે ગરદનનો મોટો ઘેરાવો વિસેરલ ફૅટ એટલે કે શરીરના મહત્ત્વપૂર્ણ અવયવોની અંદરની ચરબીનું પ્રતિનિધિત્વ કરે છે. ગરદનની આસપાસ જમા થયેલી ફૅટ દ્વારા કેટલાંક એવાં કેમિકલ્સ બૉડીમાં રિલીઝ થતાં હોય છે જે શરીરની શુગર અને કૉલેસ્ટરોલ-મૅનેજમેન્ટની પ્રોસેસને ધીમી પાડે છે. એનાથી લાંબા ગાળે શરીરમાં સોજા પેદા કરનારા પદાર્થો વધે છે અને શુગર-મૅનેજમેન્ટ ડિસ્ટર્બ થતાં હૃદયરોગની સંભાવના વધે છે એટલું જ નહીં, ગરદનના વધેલા ઘેરાવાને હાઈ બ્લડપ્રેશર, હાર્ટ-ફેલ્યર અને એરિથમિયા એટલે કે હૃદયના ધબકારાની અનિયમિતતાના જોખમ સાથે પણ જોડવામાં આવ્યો છે.

BMI કરતાં કેવી રીતે અલગ?

BMI એટલે કે બૉડી માસ ઇન્ડેક્સ અને કમરનો ઘેરાવો એ સ્થૂળતા સંબંધિત જોખમોનાં જાણીતાં સૂચક છે, પરંતુ એમની મર્યાદાઓ છે. અહીં ઉલ્લેખનીય છે કે બૉડી માસ ઇન્ડેક્સ ચરબી અને સ્નાયુ વચ્ચેનો તફાવત કરી શકતો નથી. કમરનું માપ પૉશ્ચર અથવા ઇન્સ્ટન્ટ ફૂડ-ઇન્ટેકથી પણ પ્રભાવિત થઈ શકે છે, જ્યારે ગરદનનો ઘેરાવો માપવામાં સરળ છે અને રૂટીન ઍક્ટિવિટીથી ઝડપથી પ્રભાવિત નથી થતો. આ જ કારણ છે કે ડૉક્ટરો માને છે કે કાર્ડિયોવૅસ્ક્યુલર રોગના જોખમને ઓળખવા માટે BMI સાથે ગરદનના ઘેરાવાને ચકાસવાથી બહેતર નિદાન થઈ શકે છે.

આનું સૉલ્યુશન છે?

યસ, સારા સમાચાર એ છે કે જીવનશૈલીમાં ફેરફાર દ્વારા ગરદનના ઘેરાવાને ઘટાડી શકાય છે. તમામ પ્રકારની કાર્ડિયો અને અપર બૉડીના વેઇટલૉસમાં મદદ કરતી કસરતો ઉપયોગી છે. સૌથી મહત્ત્વપૂર્ણ ભાગ સંતુલિત આહાર જાળવવાનો છે જેમાં પ્રોટીન, ફળો, શાકભાજી અને કઠોળથી ભરપૂર ભોજન મહત્ત્વનું છે.

હાઈ રિસ્ક

પુરુષોમાં જો ૪૩ સેન્ટિમીટરથી વધુ ગરદનનો ઘેરાવો હોય તો ચેતવું જોઈએ. સ્ત્રીઓમાં જો ૩૫ સેન્ટિમીટરથી વધુ ગરદનનો ઘેરાવો હોય તો મહિલાઓએ ચેતવું જોઈએ.

health tips healthy living diabetes heart attack life and style lifestyle news columnists