દૂધિયા દાંત કાઢી નાખીએ તો સ્પેસ મેઇન્ટેનર જરૂરી?

13 May, 2022 10:29 AM IST  |  Mumbai | Dr. Rajesh Kamdar

દૂધિયા દાઢ પાડીને ડૉક્ટર એ જગ્યાએ કાંઈક મૂકવાની વાત પણ કરે છે. મારું બાળક તેના વગર પણ ચાવી શકે એમ છે. મારે શું કામ એ જગ્યા પુરાવવી?

પ્રતીકાત્મક તસવીર

મારી દીકરી ૬ વર્ષની છે અને તેની દાઢની બાજુ ખૂબ જ દુખાવો થયો એટલે અમે ડેન્ટિસ્ટ પાસે ગયાં અને તેમણે તપાસીને કહ્યું કે તેની દૂધિયા દાઢમાં તકલીફ છે. એ દાઢમાં સડો ખૂબ વધુ પ્રસરી ગયો છે જેને લીધે એ પાડવી જ પડે એમ છે એમ તેમણે કહ્યું. દૂધિયા દાઢ પાડીને ડૉક્ટર એ જગ્યાએ કાંઈક મૂકવાની વાત પણ કરે છે. મારું બાળક તેના વગર પણ ચાવી શકે એમ છે. મારે શું કામ એ જગ્યા પુરાવવી?   
   
તમે જે દૂધિયા દાઢ કે પ્રાઇમરી મોલારની વાત કરો છો એ બાળકોમાં પાંચ વર્ષની ઉંમરે આવે છે એ પડી જાય. એ પછી ૧૦ વર્ષે એ જગ્યાએ પાકી દાઢ આવે છે. આટલી નાની ઉંમરે તમારા બાળકની આખી દાઢ સડી ગઈ એ યોગ્ય ન કહી શકાય. આટલી બેદરકારી યોગ્ય નથી. મોટા ભાગે અમે ડેન્ટિસ્ટ દાંતને જેટલો બચાવી શકીએ એટલો બચાવવાની કોશિશ કરીએ જ છીએ. દાંત દૂધિયા છે એટલે પડી જાય તો કોઈ વાંધો નહીં એ અભિગમ બદલવો જરૂરી છે. દૂધિયા દાંત પણ ખૂબ મહત્ત્વના હોય છે. 
દૂધિયા દાંત ફક્ત બાળકને ખાવાના કામમાં જ નથી આવતા. એની જગ્યાએ એ અડીખમ હોય એટલે જે નવા કાયમી દાંત આવે એ સીધા અને એની જગ્યાએ આવે છે. જો દૂધિયા દાંત ન હોય અને સ્પેસની તકલીફ ઊભી થાય તો કાયમી દાંત આડો-અવળો આવે છે. જેને લીધે ચોકઠું આખું ખરાબ થાય છે અને પછી એ મોટું થાય એ પછી એને શેપમાં લાવવા માટે બ્રેસિસ પહેરવા પડે છે કે એની ટ્રીટમેન્ટ કરાવવી પડે છે. હવે તમારી દીકરીની વાત કરીએ તો દાઢનો સડો ખૂબ વધી ગયો છે. જો એને નહીં કાઢીએ તો નવો જે કાયમી દાંત આવવાનો છે એમાં સડો પ્રસરવાની કે આજુબાજુના દાંતને સડવાની શક્યતા વધી જાય છે અને એવું ન થાય એ માટે એને કાઢી નાખવો જરૂરી છે, પરંતુ એ દાંત કાઢી નાખ્યા બાદ એ જગ્યાએ સ્પેસ જે ઉદ્ભવી છે એને કવર કરવી જરૂરી છે. જે માટે સ્પેસ મેઇન્ટેનર લગાવવું જ પડશે, કારણ કે એનો કાયમી દાંત આવવાને ૪ વર્ષની વાર છે. ત્યાં સુધી આજુબાજુના દાંત વાંકાચૂંકા ન આવે એ માટે એ જરૂરી છે. કોઈ દાંત કાઢી લીધા પછી એના બેપાંચ મહિનામાં કાયમી દાંત આવવાનો હોય તો અમે સ્પેસ મેઇન્ટેનર જરૂરી નથી, પણ દીકરીને એની જરૂર છે એટલે એ લગાવી લો.

health tips columnists