સ્ટાર જેવા લુકની ખોટી દોટમાં કદી પડવું નહીં

21 December, 2021 03:26 PM IST  |  Mumbai | Rashmin Shah

એમબીબીએસ થઈ ‘હૅપી ફૅમિલી પ્રાઇવેટ લિમિટેડ’, ‘બે યાર’, ‘નટસમ્રાટ’ જેવી ગુજરાતી ફિલ્મો; ‘યુનિયન લીડર’ જેવી અવૉર્ડ વિનિંગ હિન્દી ફિલ્મ અને સુશાંતસિંહ રાજપૂત સાથે ‘કૌન-હુ ડિડ ઇટ?’ ની ત્રણ સીઝન કરી ચૂકેલી સંવેદના સુવલકાનું આવું માનવું છે.

સ્ટાર જેવા લુકની ખોટી દોટમાં કદી પડવું નહીં

રશ્મિન શાહ
rashmin.shah@mid-day.com
કોઈ પણ સેલિબ્રિટી જેવું બૉડી ફિઝિક્સ મેળવવા માટે ક્યારેય વર્કઆઉટ નહીં કરવાનું કે પછી ફિલ્મસ્ટાર કે સ્પોર્ટ્સ સ્ટારના ડાયટ પ્લાનને સીધો ક્યારેય ફૉલો નહીં કરવાનો. આ ઍડ્વાઇઝ હું તમને એક ઍક્ટ્રેસ તરીકે નહીં પણ ડૉક્ટર તરીકે આપું છું. હા, હું પ્રોફેશનલી ઍક્ટર છું પણ એ મારો પ્રોફેશન છે. બાકી હું સર્ટિફાઇડ ડૉક્ટર છું અને ડિસ્ટિંક્શન સાથે મેં એમબીબીએસ પાસ કર્યું છે. મારા ફાધર પણ ડૉક્ટર. તેમની ઍડ્વાઇઝ હતી કે જે કરવું હોય એ બધું કરવાનું પણ એ પહેલાં ઍકૅડેમિક એજ્યુકેશન અવ્વલ રીતે પાસ કરવાનું, તેમની એ ઍડ્વાઇઝને માન આપીને જ હું પહેલાં ડૉક્ટર બની અને એ પછી મેં એમડી કે એમએસ બનવાને બદલે ઍક્ટિંગ ફીલ્ડ પસંદ કર્યું. આ થઈ આડવાત. હવે વાત કરીએ આપણા ટૉપિક ફિટનેસની.
દરેક વ્યક્તિનું બૉડી સ્ટ્રક્ચર જુદું હોય છે જેને ચેન્જ કરવા માટે બહુ મહેનત કરવી પડે છે, પણ નૉર્મલ લાઇફસ્ટાઇલ ધરાવતી વ્યક્તિ જે વર્કઆઉટ કરતી હોય છે એ એક્સ્ટ્રા ફૅટ રીમૂવ કરવા માટે, બૉડીને વધારે ફિટ રાખવા માટે હોય છે. હું કહીશ કે માત્રને માત્ર લુકના ઇન્ટેન્શન સાથે હાર્ડકોર વર્કઆઉટ કરવું યોગ્ય નથી. હાર્ડકોર વર્કઆઉટ કરવું ત્યારે જ વાજબી કહેવાય જ્યારે તમે એટલું જ હેલ્ધી ફૂડ લેતા હો. હાર્ડકોર વર્કઆઉટ કરનારાઓએ સપ્લિમેન્ટ તરીકે પ્રોટીન, કાર્બ્સનું લેવલ હાઈ રાખવું પડે. હું કહીશ કે આર્ટિફિશ્યલ ફૉર્મેશન સાથે ડેવલપ કરવામાં આવેલું પ્રોટીન કે પછી એ પ્રકારનાં બીજાં વિટામિન્સ બૉડીને નુકસાનકર્તા છે. 
ખોરાકમાંથી પ્રોટીન મળે એ હેલ્થ માટે બેસ્ટ છે પણ આ વાત કોઈને સરળતાથી સમજાતી નથી. હું જોતી હોઉં છું કે આજે વર્કઆઉટ કરતા દસમાંથી આઠ યંગસ્ટર્સ બહારથી એક્સ્ટ્રા સપ્લિમેન્ટ્સ લે છે અને પોતાના શરીરને નુકસાન પહોંચાડે છે. મારે એક વાત કહેવી છે કે તમે દૂબળા હો તો અનહેલ્ધી કે પછી તમે વજન વધારે ધરાવતા હો તો તમે અનફિટ એવું જરા પણ નથી. આજે મૅક્સિમમ લોકોના મનમાં આ એક મિથ છે. મેં એવા પણ લોકો જોયા છે જે એંસી અને સો કિલો વજન ધરાવતા હોય અને એ પછી પણ દસ ફ્લોર ચડવામાં લિફ્ટનો ઉપયોગ ન કરતા હોય. બહુ સીધા ફન્ડા સાથે હું તમને સમજાવીશ કે અગવડ વચ્ચે પણ તમને તકલીફ ન આપે એનું નામ ફિટનેસ.
હું અને મારું વર્કઆઉટ | હું ફિટ રહેવા માટે વર્કઆઉટ કરું છું. મારું કામ એ મુજબનું છે પણ હું ક્યારેય સતત વજન વધારતી રહું કે એકસાથે ઘણું વજન ઘટાડી નાખું એવું કરતી નથી. બૉડી હાડમાંસની બનેલી છે, એ ફુગ્ગો નથી કે તમે ઇચ્છો ત્યારે ફુલાવો અને મન પડે ત્યારે એમાંથી હવા કાઢી નાખો. મારા વર્કઆઉટની પૅટર્ન અને ટાઇમિંગ હું ક્લિયર રાખું છું.
ચાર-છ કલાક કામ કર્યા પછી બે કલાક વર્કઆઉટ કરવું ખોટું છે. મેં એવા લોકોને જોયા છે જે બે-અઢી કલાકનું વર્કઆઉટ કરે અને એ પણ હાર્ડકોર લેવલ પર. મારું માનજો, આ જે રીત છે એ બીમાર પડવાની રીત છે. મેડિકલ સાયન્સ કહે છે કે બૉડી ટેમ્પરેચર આઇડલ પોઝિશનમાં રહે એ રીતે વર્કઆઉટ કરવું જોઈએ. હાર્ટ-બીટ્સ પણ કાબૂમાં રહેવા જોઈએ. સિત્તેર અને પંચોતેરના હાર્ટ-રેટ ધરાવનારાએ ક્યારેય ૧૩૦ કે ૧૪૦ હાર્ટ-રેટ સાથે વર્કઆઉટ ન કરવું જોઈએ. આજે અમુક સ્ટાર્સને નાની એજ પર હાર્ટ-અટૅક આવે છે એનું કારણ આ જ કારણ છે. મૉર્નિંગ વર્કઆઉટ એકદમ પર્ફેક્ટ છે અને હું એ જ કરું છું. મારા વર્કઆઉટમાં વૉક, યોગ, સ્વિમિંગ, સાઇક્લિંગ અને સાથે જિમ ઍક્ટિવિટી હોય છે. ગોલ ક્લિયર હોવો જોઈએ કે હું ફિટ રહું. 
તમારું વર્કઆઉટ કન્ટિન્યુ રહે અને તમારી એ લાઇફસ્ટાઇલ સસ્ટેન થાય એ બહુ જરૂરી છે. થોડા દિવસ વર્કઆઉટ કરો અને પછી એને છોડી દો તો એ ન ચાલે. વર્કઆઉટની લાઇફસ્ટાઇલને જો તમે અપનાવી શકો એમ ન હો, જિમ કે યોગ જેવી ઍક્ટિવિટી તમને ન ગમતી હોય તો રૂટીનમાં કોઈ પણ સ્પોર્ટ્સ ઍક્ટિવિટી ઍડ કરો. ક્રિકેટ, ફુટબૉલ, ટેનિસ કે સાઇક્લિંગ જેવી ઍક્ટિવિટી હેલ્થ માટે બહુ બેનિફિટ આપનારી હોય છે. હું તો કહીશ કે જેટલી મજા તમને જિમમાં સ્વેટી થઈને આવશે એના કરતાં વધારે મજા તમને આ ગ્રાઉન્ડ ઍક્ટિવિટીમાં આવશે. 
ફૂડની બાબતમાં અલર્ટ | ફૂડની બાબતમાં આપણે આપણા વર્ક પ્રોફાઇલને જોવો જોઈએ. જેવું તમારું કામ એવું તમારું ફૂડ હોવું જોઈએ. મજૂરી કરતા લોકોનું મેટાબોલિઝમ એવું ડેવલપ થઈ જાય કે ડિનરમાં એ કંઈ પણ ખાય તો પણ તેમને બધું ડાઇજેસ્ટ થઈ જાય. કહેવાનો અર્થ એ કે તમારે નક્કી કરવાનું છે કે તમે તમારી બૉડીનો યુઝ કેવો કરો છો. તમારી બૉડીના યુઝ જેવું તમારું ફૂડ હોવું જોઈએ. 
મારી વાત કરું તો હું કોઈ ચીજ અવૉઇડ કરતી નથી પણ એ વાતનું ધ્યાન રાખું કે એ ફૂડ મારા માટે કેટલું અનિવાર્ય છે અને મારી બૉડીને એ કેવું હેલ્પફુલ બને છે. 

life and style health tips Rashmin Shah