21 April, 2025 03:50 PM IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર
આજે નાના બાળકથી લઈને વડીલો સુધી સૌકોઈની ઊંઘ હરામ થઈ ગઈ છે એ જગજાહેર છે અને એટલે જ ઊંઘના લાંબા ગાળાના સૉલ્યુશન વિશે ચર્ચા કરીને નિષ્ણાતોનાં ગળાં સુકાઈ ગયાં હોવા છતાં એનાં શૉર્ટકટ સૉલ્યુશન પર લોકોનો વધુ મારો છે. દુનિયાભરમાં ઉજાગરા એ વિકટ પ્રશ્ન છે અને બિઝનેસ હંમેશાં લોકોના પ્રશ્નોના ઉત્તરનું કામ કરે એવી વસ્તુનો કરો તો નફામાં રહો એ નિયમને સ્લીપ ગમીઝ બનાવતી કંપનીઓએ અપનાવી લીધો છે. આ જ કારણ છે કે ફ્યુચર માર્કેટ રિસર્ચ દ્વારા કરવામાં આવેલા સર્વે કહે છે કે ૨૦૨૪માં ૪૪૭ મિલ્યન ડૉલરની ઇન્ડસ્ટ્રી આવતાં ૧૦ વર્ષમાં એટલે કે ૨૦૩૪ સુધીમાં ૯૦૮.૨ મિલ્યન ડૉલરની થાય એવી સંભાવના છે. વર્ષે લગભગ સાડાસાત ટકાના ગ્રોથ-રેટ સાથે આ માર્કેટ આગળ વધી રહ્યું છે. સ્લીપ ગમીઝ એટલે કે જેલી જેવી ગોળીઓ ખાઓ અને ૩૦ મિનિટમાં ઘસઘસાટ ઊંઘી જાઓ એવા દાવા સાથે એ વેચવામાં આવી રહી છે. આપણી જીવનશૈલી બદલાઈ, સ્ક્રીન-ટાઇમ વધ્યો, કૅફીનયુક્ત આહાર વધ્યો અને ઊંઘ ઘટી. દુનિયાઆખી લાઇફસ્ટાઇલને બદલ્યા વિના ઊંઘવા અને ઊંઘાડવા માટેના ઉપાય શોધી રહી છે ત્યારે મેલટોનિન નામનાં ઊંઘ માટેનાં જરૂરી હૉર્મોન્સ ધરાવતી સ્લીપ ગમીઝની ડિમાન્ડ અકલ્પનીય રીતે વધી છે અને આવનારા સમયમાં વધશે એ ઉપર જણાવેલા આંકડાઓમાંથી સ્પષ્ટ થાય છે.
સામાન્ય રીતે દવાઓ માટે અને એમાંય ઊંઘની દવાઓ માટે જ્યારે તમે મેડિકલ સ્ટોરમાં જાઓ તો તમારી પાસે ડૉક્ટરની ચિઠ્ઠી માગવામાં આવે છે. જોકે આ સ્લીપ ગમીઝ માટે કોઈ પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી. ઇન ફૅક્ટ, આજે ૧૦ મિનિટમાં દૂધ, શાક અને બ્રેડનું પૅકેટ ડિલિવર કરતી ઢગલાબંધ મોબાઇલ-ઍપ્લિકેશન્સમાં પણ આ સ્લીપ ગમીઝ ઉપલબ્ધ છે. સંપૂર્ણ નૅચરલ વસ્તુઓમાંથી આડઅસર વિનાની સ્લીપ ગમીઝ ખાઓ અને ઊંઘ સાથેની દુશ્મની ભગાવોના દાવા સાથે આવી ગમીઝનું પ્રમોશન થાય છે. ૩૦ રૂપિયાની એક ગોળી ખાધાની ૩૦ જ મિનિટમાં વિક્ષેપ વિનાની મજાની ઊંઘ આવશે અને સાથે મસલ્સ રિકવરીમાં પણ એ કમાલનું કામ કરશે એવી લોભામણી જાહેરાતો સાથે થતું માર્કેટિંગ લોકોમાં પૉપ્યુલર પણ થઈ રહ્યું છે. રાત પડે અને ઊંઘવા માટે આ ગમીઝના શરણે જવાનું શું યોગ્ય છે? સ્લીપ ગમીઝમાં થતા દાવાઓ બધા સાચા છે? સ્લીપ ગમીઝની આદતથી કેવાં નુકસાન થઈ શકે છે એ પ્રશ્નોના જવાબ મેળવીએ આજે.
એમાં હોય છે શું?
આગળ કહ્યું એમ, મેડિકલ સ્ટોર સુધી પણ લાંબા ન થવું પડે એટલી સરળતા સાથે અગ્રણી તમામ શૉપિંગ-ઍપ પર સ્લીપ ગમીઝની જાતજાતની કંપનીઓનો રાફડો ફાટ્યો છે. તમારા બજેટમાં મળી જાય એવા વૈવિધ્યસભર ઑપ્શન પણ છે. સામાન્ય રીતે સ્લીપ ગમીઝમાં ઊંઘ લાવવામાં મદદ કરતું હૉર્મોન મેલટોનિન હોય, બીજું એલ-થિઆનાઇન નામનું બૉડીને રિલૅક્સ કરતું અમીનો ઍસિડ હોય, ચેમોમાઇલ હોય જે ખાસ પ્રકારના પ્લાન્ટ્સ છે અને એની ચા પૉપ્યુલર છે. રિલૅક્સ કરવાની બાબતમાં અને ઊંઘ લાવવામાં મદદ કરે એવાં તત્ત્વો એમાં હોય છે. કેટલીક ગમીઝમાં વિટામિન-ડી ટૂ, અશ્વગંધા જેવી વનસ્પતિના અર્ક હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. ઊંઘ સાથે ઇમ્યુનિટી વધારનારી અને મસલ્સ રિલૅક્સેશન લાવનારી ગમીઝ પણ પ્રમોટ થઈ રહી છે. મોટા ભાગની સામગ્રી નૅચરલ છે અને એટલે જ એ નુકસાન નથી કરતી એવું મનાય છે.
ખરેખર હાર્મલેસ?
જ્યાં સુધી ઉચિત માત્રામાં શૉર્ટ ટર્મ પિરિયડ માટે લેવામાં આવે ત્યાં સુધી આ ગમીઝ નુકસાન ન કરે એમ જણાવીને એચ. એન. રિલાયન્સ હૉસ્પિટલમાં કામ કરતા જાણીતા એન્ડોક્રિનોલૉજિસ્ટ ડૉ. ગૌરવ બેસવાલ કહે છે, ‘જો ક્યારેક તમે ખૂબ થાકી ગયા હો, બાકી બધી રીતે હેલ્ધી હો, પણ કોઈક દિવસે માઇન્ડ ઓવરઍક્ટિવ હોવાથી તમને ઊંઘ ન આવતી હોય ત્યારે આ પ્રકારનાં સપ્લિમેન્ટ્સ ટેમ્પરરી સૉલ્યુશન તરીકે લો તો એ નુકસાન ન કરે, પરંતુ જો તમે એને આદત બનાવી દીધી અને દરરોજ રાતે મેલટોનિન ધરાવતી આ ગમીઝ લઈને જ ઊંઘવાનું પ્રિફર કરતા હો તો એનાથી નુકસાન થવાની સંભાવના છે. કમનસીબી છે કે માર્કેટમાં આટલી સરળતાથી મળતાં આ સપ્લિમેન્ટ્સની અસર અને આડઅસર પર ખૂબ લિમિટેડ રિસર્ચ થયું છે. માત્ર મેલટોનિન નહીં; મૅગ્નેશિયમ, ગ્લાઇસિન, આઇનોસિટોલ નામનાં કેટલાંક કેમિકલ્સ છે જેને આજે સપ્લિમેન્ટ્સ તરીકે લોકો લેતા થયા છે. સમસ્યા એ છે કે જે તમારી સારી લાઇફસ્ટાઇલ સાથે તમારું શરીર નૅચરલી જ બનાવે છે એવી બાબતો માટે તમે બહારના સોર્સ પર નિર્ભર રહો તો એ લાંબા ગાળે આડઅસર કરી શકે છે. અનિદ્રાનું આ સૉલ્યુશન નથી. ખરાબ લાઇફસ્ટાઇલ કન્ટિન્યુ કરીને ગમીઝ ખાઈ લો તો કામ પતી જાય એવું નથી. બીજી વાત, બધાની બૉડીટાઇપ અને બધાનો રિસ્પૉન્સ જુદો-જુદો છે. કોઈક વ્યક્તિને ગમીઝ ખાવાથી તરત ઊંઘ આવે, કોઈકને ન પણ આવે. એમાં વ્યક્તિની ઉંમર, તેના શરીરમાં રહેલી બીમારી, તેની લાઇફસ્ટાઇલ એમ બધું જ મહત્ત્વપૂર્ણ હોય છે.’
શું નુકસાન થઈ શકે?
આ પ્રકારની ગમીઝ લેવા માટે કોઈ પણ ડૉક્ટરના કાગળની જરૂર નથી એટલે જ એ બેફામ લેવાવાની સંભાવના વધારે છે. જ્યારે આ પ્રકારની ગમીઝને બેફામ લેવામાં આવે તો એના ગેરફાયદા પણ છે એ વિશે ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ તરીકે અગ્રણી હૉસ્પિટલોમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતાં પૂજા આશર કહે છે, ‘સૌથી પહેલાં તો બૉડીને કોઈ પણ વસ્તુ બહારથી આપો એટલે બૉડીની પોતાની એને બનાવવાની કૅપેસિટી પર લાંબા ગાળે પ્રભાવ પડે છે. આ ગમીઝનો ઓવરડોઝ પાચનને લગતા રોગો, માથાનો દુખાવો, કન્ફ્યુઝન, ચક્કર, વૉમિટિંગ, ખરાબ સપનાં, જેવી ઘણી આડઅસર દેખાડી શકે છે. ડૉક્ટરની સલાહ વિના ક્યારેય આ પ્રકારનાં સપ્લિમેન્ટ્સ ન લેવાં. મોટી ઉંમરે આ પ્રકારનાં સપ્લિમેન્ટ્સ લો તો ચાલે એક વાર, પરંતુ યંગ એજના યુવાનોએ તો ડૉક્ટરની સલાહ વિના જરાય આગળ ન વધવું. પ્રેગ્નન્ટ મહિલાઓ તથા ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, થાઇરૉઇડ જેવા હૉર્મોનલ ડિસઑર્ડર ધરાવતા રોગીઓએ એનાથી દૂર રહેવું.’
ઊંઘ લાવવા ગમીઝ કરતાં સારા પર્યાય છે આ
ઉચિત લાઇફસ્ટાઇલ એટલે કે સમયસર સૂવું, સમયસર જાગવું અને ચાર ટાઇમ પોષક તત્ત્વવાળો આહાર લેવો અને નિયમિત કસરત કરવી.
અંધારા સાથે શરીર દ્વારા તૈયાર થતા મેલટોનિન માટે દિવસનો સૂર્યપ્રકાશ અને એમાંથી મળતું વિટામિન-ડી પણ મહત્ત્વનો રોલ અદા કરે છે.
અખરોટ, બદામ, પિસ્તાં, ડેરી-પ્રોડક્ટ્સમાં પણ થોડી માત્રામાં મેલટોનિન હોય છે.
રાતે સૂવાના એક કલાક પહેલાં ફોનથી દૂર થઈ જવું એ સૌથી મહત્ત્વની ટિપ છે અને મોટા ભાગના લોકો એ નથી પાળતા. ઊંઘ માટે આજે સ્ક્રીન-ટાઇમને ઘટાડવો એ રામબાણ ઇલાજ છે.