માત્ર મસલ્સ જ નહીં, મગજની ક્ષમતા પણ વધારશે ક્રીએટિન

17 June, 2026 02:38 PM IST  |  Mumbai | Kajal Rampariya

માત્ર જિમમાં જતા ફિટનેસ-ફ્રીક્સ અને ઍથ્લીટ્સનું ફેવરિટ રહેલું ક્રીએટિન બ્રેઇનની હેલ્થને સુધારે છે એવા દાવા થઈ રહ્યા છે ત્યારે સામાન્ય વ્યક્તિ આ સપ્લિમેન્ટનો ઉપયોગ કરી શકે કે નહીં એ એક્સપર્ટ પાસેથી જાણીએ

પ્રતીકાત્મક તસવીર

ફિટનેસ અને મસલ્સ બિલ્ડિંગની વાત આવે ત્યારે પ્રોટીન પાઉડરની સાથે ક્રીએટિન બહુ મહત્ત્વનો રોલ ભજવે છે. આ સપ્લિમેન્ટ માત્ર હેવી વર્કઆઉટ કરનારા માટે છે એવી માન્યતા રહી છે, પરંતુ તાજેતરનાં સંશોધનોએ આ માન્યતા બદલી નાખી છે. ક્રીએટિન માત્ર સ્નાયુઓનું જ નહીં; મેન્ટલ હેલ્થ, મેમરી પાવર અને મૂડને સારું કરવાનું ફ્યુઅલ છે. જોકે જે લોકો જિમમાં નથી જતા તેઓ આ સપ્લિમેન્ટ લઈ શકે? એનાથી કોઈ આડઅસર થાય ખરી? આ તમામ પાસાંઓ વિશે અનુભવી ન્યુટ્રિશનિસ્ટ ડૉ. વર્ષા પટેલ જોશી પાસેથી જાણીએ.

ક્રીએટીન છે શું?

આ એક પૉપ્યુલર ડાયટરી સપ્લિમેન્ટ છે જે મસલ્સ અને ઍથ્લેટિક પર્ફોર્મન્સ સુધારીને શરીરની સ્ટ્રેન્ગ્થ વધારવા માટે વપરાય છે.

મગજ-મેમરીને કેવી રીતે પાવર આપે છે?

જેમ ભારે વજન ઊંચકવા માટે સ્નાયુઓને ત્વરિત ઊર્જાની જરૂર પડે છે એમ આપણું મગજ સતત વિચારવાનું, નવું શીખવાનું કે નિર્ણય લેવાનું જટિલ કામ કરે છે ત્યારે એને પણ હાઈ-લેવલ એનર્જીની જરૂર પડે છે. ક્રીએટિન ઊર્જાનું સ્તર વધારે છે. પરિણામે વ્યક્તિ માનસિક થાક અનુભવતી હોય, મોડી રાત સુધી જાગવાને કારણે સ્ટ્રેસમાં હોય અથવા ઑફિસના કામનું ભારે દબાણ હોય ત્યારે ક્રીએટિન મગજનો થાક ઓછો કરીને ફોકસ અને યાદશક્તિ સુધારે છે. વધતી ઉંમરે થતી ભૂલી જવાની બીમારી સામે પણ આ સપ્લિમેન્ટ ઇફેક્ટિવ સાબિત થાય છે.

એ મગજના કાર્યને વેગ આપતું હોવાથી ડિપ્રેશન અને ઍન્ગ્ઝાઇટીના દરદીઓમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે અને ક્વિક મૂડ-બૂસ્ટર તરીકે કામ કરી શકે છે. એ સપોર્ટિવ થેરપી તરીકે પણ વાપરી શકાય છે, પરંતુ એને માનસિક રોગોનો મુખ્ય ઇલાજ કે તબીબી સારવાર ન ગણવી જોઈએ. એનું સેવન કરતાં પહેલાં એક્સપર્ટની સલાહ લેવી હિતાવહ છે.

શાકાહારીઓ માટે વરદાનરૂપ

કુદરતી રીતે ક્રીએટિન મુખ્યત્વે માંસાહારી ખોરાકમાંથી મળે છે. શાકાહારીઓના શરીરમાં ક્રીએટિનનું કુદરતી સ્તર ઓછું જોવા મળે છે. શરીરમાં કુદરતી રીતે પણ ક્રીએટિનનું ઉત્પાદન થાય છે, પરંતુ એ પૂરતું નથી હોતું. શરીરને જરૂરી એવા અડધા ભાગના ક્રીએટિનનો સ્રોત ખોરાક હોવો જોઈએ. શાકાહારી આહારમાં ક્રીએટિન ન હોવાને લીધે લિવર-કિડનીને અન્ય અમીનો ઍસિડ્સમાંથી ક્રીએટિન બનાવવા માટે વધુ પડતું કામ કરવું પડે છે. ક્રીએટિન સપ્લિમેન્ટ આ ગૅપને પૂરો કરે છે અને મેટાબૉલિક સ્ટ્રેસ ઘટાડે છે તેમ જ અન્ય અમીનો ઍસિડ્સને શરીરનાં અન્ય કાર્યો માટે બચાવી રાખે છે. તેથી જ્યારે કોઈ શાકાહારી વ્યક્તિ આ સપ્લિમેન્ટ લેવાનું શરૂ કરે છે ત્યારે તેના શારીરિક પર્ફોર્મન્સ, સેલ્યુલર એનર્જી, સ્ટૅમિના અને મગજની કાર્યક્ષમતામાં સકારાત્મક બદલાવ જોવા મળે છે.

સાઇડ-ઇફેક્ટ થઈ શકે?

સામાન્ય લોકોના મનમાં એક ડર હોય છે કે ક્રીએટિન લેવાથી શરીરમાં પાણી ભરાઈ જશે અથવા વજન વધી જશે. શરૂઆતમાં વજનમાં ૦.૫થી ૧.૫ કિલો જેટલો સામાન્ય વધારો જોવા મળી શકે છે. શરીરના કુલ ક્રીએટિન સ્ટોરેજમાંથી ૯૫ ટકા ભાગ સ્નાયુઓમાં હોય છે એટલે જો કોઈ વ્યક્તિ કસરત ન કરતી હોય તો પણ ક્રીએટિન સ્નાયુઓમાં જ જમા થાય છે અને ત્યાં કોષોની અંદર પાણીને ખેંચે છે. જોકે આ વૉટર રિટેન્શન સામાન્ય સોજા કે ત્વચાની નીચે દેખાતા ફુલાવા જેવું નથી હોતું. તેથી વ્યક્તિનું શરીર ફૂલેલું કે જાડું દેખાતું નથી.

સેવનની સાચી રીત

ક્રીએટિનની અસર થવામાં ઘણાં અઠવાડિયાં લાગે છે. તમે કસરત કરતા હો કે આરામ કરતા હો, દરરોજ એક જ ચોક્કસ સમયે આશરે ત્રણથી પાંચ ગ્રામ ક્રીએટિન લેવું જોઈએ. આ સાતત્ય જ પેશીઓમાં એનું સ્તર જાળવી રાખે છે. ક્રીએટિનને વધુ સારા શોષણ અને ટ્રાન્સપોર્ટેશન માટે ભોજન પછી લેવું જોઈએ. ભોજન કર્યા પછી શરીરમાં ઇન્સ્યુલિન રિલીઝ થાય છે જે ક્રીએટિનને કોષોમાં ખૂબ જ ઝડપથી ઍબ્સૉર્બ કરવામાં મદદ કરે છે. ક્રીએટિન સપ્લિમેન્ટ્સ કોષોની અંદર પાણીને ખેંચે છે એટલે જો તમે પૂરતું પાણી ન પીઓ તો ડીહાઇડ્રેશન, સ્નાયુઓમાં ખેંચાણ, મોં સુકાવું કે માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. તમારા નિયમિત દૈનિક વપરાશ ઉપરાંત ઓછામાં ઓછું ૫૦૦ મિલીલીટરથી એક લીટર પાણી વધારવું જોઈએ.

healthy living health tips life and style lifestyle news columnists