13 November, 2026 02:36 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
મોહનથાળ, બરફી, ઘૂઘરા અને મગજ જેવી મીઠાઈઓમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે ઉમેરાતું જાયફળ માત્ર એક મસાલો નથી, આયુર્વેદનું એક ઔષધ પણ છે. પાચન સુધારવાથી લઈને ઊંઘ લાવવા, શરદી-ઉધરસમાં રાહત મેળવવા અને ત્વચાની સંભાળ રાખવા સુધી જાયફળનો પરંપરાગત ઉપયોગ થાય છે. જોકે એના ગુણોનો લાભ મેળવવા માટે એનું યોગ્ય પ્રમાણ અને ઉપયોગ કરવાની રીત જાણવી પણ એટલી જ જરૂરી છે.
તહેવારોમાં તમે મીઠાઈઓ ખૂબ ખાધી હશે. ભારતીય પરંપરાગત વાનગીઓમાં એલચી, કેસર, જાયફળ જેવા સોડમ ઉમેરતા તેજાના છૂટથી વપરાય છે. અન્ય તેજાનાઓ વિશે તો આપણે અવારનવાર વાતચીત કરી છે, પરંતુ માત્ર ચપટીભર વપરાતું જાયફળ બહુ ઇગ્નોર થયું છે. ખીર, દૂધપાક કે કલાકંદમાં તો જાયફળ ન હોય તો એનો અસલી સ્વાદ જ ન આવે. જોકે આપણાં દાદી-નાની મીઠાઈઓમાં જાયફળ ઉમેરતાં એની પાછળ માત્ર સ્વાદનું જ કારણ નહોતું. ખૂબ જ ઓછી માત્રામાં વપરાતું જાયફળ વાનગીની સોડમ વધારવા સાથે એને સુપાચ્ય પણ બનાવે છે. આયુર્વેદમાં પણ જાયફળને એના વિવિધ ગુણોને કારણે મહત્ત્વ આપવામાં આવ્યું છે. પાચનથી લઈને ઊંઘ અને ત્વચાની સંભાળ સુધી જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે. એવામાં આપણે આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. હેતા શાહ પાસેથી જાણીએ આ નાનકડા મસાલાના આયુર્વેદિક ગુણો અને એનો યોગ્ય ઉપયોગ કરવાની રીત.
પાચન માટે ઉપયોગી
દિવાળીમાં મીઠાઈ અને ફરસાણ ખાવાનું પ્રમાણ સામાન્ય દિવસો કરતાં વધી જાય છે. ઘી અને ચરબીનું પ્રમાણ વધુ હોય એવી વાનગીઓ ખાધા પછી પેટમાં ભારેપણું, ગૅસ, મરોડ કે પેટ ફૂલવાની તકલીફ થઈ શકે છે. આવી સ્થિતિમાં જાયફળનો પરંપરાગત રીતે ઉપયોગ કરવામાં આવે છે. જાયફળમાં રહેલા વિશિષ્ટ આયુર્વેદિક ગુણોને કારણે એને પાચનતંત્ર માટે ઉપયોગી માનવામાં આવે છે. એ પાચક રસોના સ્રાવને ઉત્તેજિત કરવામાં મદદરૂપ થઈ શકે છે, જેથી ભૂખ સારી લાગે અને ખોરાકના પાચનમાં મદદ મળે. આ ઉપરાંત પેટમાં ગૅસ થવો, મરોડ આવવા, પેટ ફૂલવું કે અપચાને કારણે ભારેપણું લાગવું જેવી તકલીફોમાં પણ જાયફળનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જ કેટલીક પરંપરાગત મીઠાઈઓમાં જાયફળ ઉમેરવામાં આવે છે.
સારી ઊંઘ લાવવામાં મદદરૂપ
દિવાળીમાં મોડી રાત સુધી ચાલતી પાર્ટીઓ, મહેમાનોની અવરજવર અને તહેવારની તૈયારીને કારણે ઊંઘનો સમય ખોરવાઈ જાય છે. માત્ર તહેવારોમાં જ નહીં, આજની ભાગદોડ ભરેલી લાઇફસ્ટાઇલમાં સામાન્ય દિવસોમાં પણ ઓવર-થિન્કિંગ અને સ્ક્રીનટાઇમ વધવાને કારણે મોડી રાત સુધી જાગવું કે સ્ટ્રેસ રહેવું સામાન્ય બની ગયું છે. સતત ઉજાગરા થવાથી થાક, ચીડિયાપણું અને બીજા દિવસે સુસ્તી અનુભવાય છે. આયુર્વેદમાં જાયફળનો ઉપયોગ ઊંઘની સમસ્યામાં પરંપરાગત રીતે કરવામાં આવે છે. જાયફળની ગરમ તાસીર અને એના ગુણો મનને શાંત કરવામાં અને માનસિક તનાવ હળવો કરવામાં મદદરૂપ થઈ શકે છે, જેનાથી રાત્રે કુદરતી રીતે આરામદાયક ઊંઘ આવવામાં સહાય મળે છે.
શરદી-ઉધરસમાં પરંપરાગત ઉપયોગ
દિવાળીનો તહેવાર બરાબર એવા સમયે આવે છે જ્યારે ચોમાસાની વિદાય થઈ ચૂકી હોય અને સવારે તથા રાત્રે ગુલાબી ઠંડીની શરૂઆત થતી હોય છે. આ ઋતુપરિવર્તનના સમયગાળામાં હવામાં બદલાવ આવવાને કારણે શરીર તરત ઍડ્જસ્ટ નથી થઈ શકતું; જેના પરિણામે મોટા ભાગના લોકોને શરદી, ઉધરસ, ગળામાં ખરાશ અને કફ જેવી નાની-મોટી મોસમી તકલીફો ઘેરી વળે છે. આયુર્વેદમાં જાયફળને ઉષ્ણ વીર્ય એટલે કે ગરમ તાસીર ધરાવતો મસાલો માનવામાં આવે છે. જાયફળની આ કુદરતી ઉષ્ણતા શ્વસનતંત્રને રાહત આપવામાં અને જમા થયેલા કફને છૂટો પાડવામાં મદદરૂપ બને છે.
ત્વચાની સંભાળમાં પણ ઉપયોગી
દિવાળીમાં ફટાકડાના ધુમાડા, ધૂળ, પ્રદૂષણ અને તહેવારના માહોલમાં લગાવવામાં આવતા સતત હેવી મેકઅપને કારણે ત્વચા પોતાની કુદરતી ચમક ગુમાવી બેસે છે અને નિસ્તેજ દેખાવા લાગે છે. અને માત્ર તહેવારોમાં જ નહીં, રૂટીન લાઇફમાં પણ રોજિંદા પ્રદૂષણ, ધૂળ-માટી, સતત સૂર્યના તાપમાં ફરવું અને અનિયમિત આહારને કારણે ત્વચાને નુકસાન થતું રહે છે. એવામાં રસોડામાં રહેલું જાયફળ ચહેરાની ખોવાયેલી ચમક પાછી લાવવામાં ખૂબ જ કારગત સાબિત થાય છે. જાયફળમાં રહેલા ઍન્ટિ-બૅક્ટેરિયલ અને ઍન્ટિ-ઇન્ફ્લમેટરી ગુણો ખીલ અને એના કારણે ચહેરા પર રહી ગયેલા કાળા ડાઘ હટાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત એ તડકાને કારણે કાળી પડેલી ત્વચા અને પિગ્મેન્ટેશનને દૂર કરીને ત્વચાને અંદરથી સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.
કેવી રીતે ઉપયોગ કરશો?
સારી ઊંઘ માટે
રાત્રે સૂતાં પહેલાં એક ગ્લાસ ગરમ દૂધ લો. એમાં જાયફળનો લગભગ એક ચપટી પાઉડર ઉમેરો. એને સારી રીતે મિક્સ કરીને પી જાઓ. આનાથી મગજ શાંત થશે અને ગાઢ ઊંઘ આવશે.
પાચન માટે
રોજિંદા ખોરાકમાં, દાળ, શાક અથવા ગરમ મસાલાના ભાગરૂપે જાયફળનો થોડોક પાઉડર ઉમેરી શકાય છે અથવા જમ્યા પછી ચપટીક જાયફળનું ચૂર્ણ લેવાથી પાચન સારું રહે છે.
ત્વચા માટે
જાયફળને દૂધ, મધ, ચંદન, ગુલાબજળ અથવા અલોવેરા જેલ સાથે મિક્સ કરીને ફેસપૅક તરીકે લગાવી શકાય છે.
બાળકોના ઝાડા રોકવા
જાયફળને પથ્થર પર પાણી અથવા દૂધ સાથે સહેજ ઘસીને એક નાનું ચાટણ દિવસમાં એક કે બે વાર આપવું. જાયફળ ઝાડાને બાંધવામાં ઉત્તમ ગણાય છે.
શરદી-ઉધરસ માટે
એક ચપટી જાયફળ પાઉડરને એક ચમચી મધમાં મિક્સ કરીને એનું સેવન કરવાથી ગળાની ખરાશ, શરદી અને ઉધરસમાંથી રાહત મળે છે
કોણે સેવન ટાળવું?
ગર્ભવતી મહિલાઓએ જાયફળનું ઔષધીય માત્રામાં સેવન કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ગર્ભાવસ્થા દરમ્યાન એની વધુ માત્રા લેવી સલામત માનવામાં આવતી નથી. આ ઉપરાંત નાનાં બાળકોને, ખાસ કરીને ૬ મહિનાથી ઓછી ઉંમરનાં શિશુઓને ડૉક્ટરની સલાહ વગર જાયફળ આપવું નહીં. જેમને કોઈ લાંબી બીમારી હોય અથવા નિયમિત દવાઓ લેતા હોય તેમણે પણ ઔષધીય હેતુથી જાયફળનો ઉપયોગ કરતાં પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
કેટલું સેવન કરવું?
જાયફળના ગુણોનો લાભ મેળવવા માટે એનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ. જાયફળની તાસીર ગરમ હોવાથી એનું પ્રમાણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. એનું સેવન એકથી બે ચપટી એટલે કે અઢીસોથી પાંચસો મિલીગ્રામ જેટલું જ રાખવું જોઇએ. મહત્તમ માત્રા એક ગ્રામથી વધુ ન હોવી જોઈએ. વધુ પડતી માત્રામાં જાયફળનું સેવન કરવાથી ઊબકા, ઊલટી, ચક્કર આવવાં, ઘેન ચડવું, મોં સુકાવું અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. ગંભીર કિસ્સામાં ગભરામણ, હૃદયના ધબકારા વધવા અને માનસિક મૂંઝવણ જેવી આડઅસરો પણ થઈ શકે છે. તેથી સ્વાસ્થ્યલાભ મેળવવાની આશામાં જાયફળનું વધુ પ્રમાણમાં સેવન કરવું નહીં.