ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆ બીજી ઘણી બીમારીઓને તાણી લાવે છે

07 January, 2026 01:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઓબેસિટી આ રોગ પાછળનું મુખ્ય કારણ કહી શકાય, વળી ઓબેસિટીનો સીધો સંબંધ કિડની ડિસીઝ સાથે છે

પ્રતીકાત્મક તસવીર

ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆ ખૂબ જ કૉમન બીમારી હોવા છતાં સમયસર એનું નિદાન થતું નથી કારણ કે લોકો તેમની આ કન્ડિશનને અવગણે છે અને જ્યારે તકલીફ વધી જાય ત્યારે એ ઘાતક પણ સાબિત થાય છે. ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆ અતિ સામાન્ય ઊંઘ સંબંધિત શ્વાસની તકલીફ છે જેમાં રાત્રે ઊંઘમાં શ્વાસ વારાફરતી ચાલુ-બંધ થયા કરે છે. સ્લીપ ઍપ્નીઆના આમ તો ઘણા પ્રકાર છે પરંતુ એમાં ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆ મુખ્ય છે કારણ કે વધુ લોકોમાં આ બીમારી જોવા મળે છે.

ઓબેસિટી આ રોગ પાછળનું મુખ્ય કારણ કહી શકાય. વળી ઓબેસિટીનો સીધો સંબંધ કિડની ડિસીઝ સાથે છે. આમ આડકતરી રીતે પણ સ્લીપ ઍપ્નીઆ કિડની ડિસીઝને આમંત્રી શકે છે. જે લોકોને સ્લીપ ઍપ્નીઆની તકલીફ હોય તેમની હાર્ટ-હેલ્થ ખરાબ જ નીકળવાની શક્યતા ઘણી વધારે રહે છે. વળી સ્લીપ ઍપ્નીઆ હાઈ બ્લડપ્રેશરને આમંત્રણ આપે છે જે રોગ હાર્ટ ડિસીઝ માટે મુખ્ય બની જાય છે. આમ એ ઘાતક બની જાય છે. ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપ્નીઆ અને ડાયાબિટીઝ વચ્ચે સીધો સંબંધ ઘણા જુદા-જુદા રિસર્ચમાં સિદ્ધ થયેલો છે. જે વ્યક્તિને આ રોગ હોય તેના પર ડાયાબિટીઝનું જોખમ તોળાતું રહે છે. જો વ્યક્તિને સ્લીપ ઍપ્નીઆ છે અને તે ઇલાજ ન કરાવે તો એને હાર્ટ-અટૅક આવવાના કે સ્ટ્રોક આવવાની શક્યતા વધી જાય છે. જે વ્યક્તિને સ્લીપ ઍપ્નીઆ છે તેમણે રાત્રે ઊંઘમાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે જેને કારણે મગજને મળતા ઑક્સિજનનું પ્રમાણ ઘટે છે જે હૃદયનું અને મગજનું સ્ટ્રેસ વધારે છે જેને કારણે લોહીની નળીઓ સાંકડી બને છે, ધબકારાનું પ્રમાણ વધે છે અને લોહીનું દબાણ વધતાં વ્યક્તિને હાર્ટ-અટૅક કે બ્રેઇન સ્ટ્રોક આવે છે.

એક વાર સ્લીપ ટેસ્ટ થઈ જાય પછી ડૉક્ટર એનાં પરિણામની ચર્ચા કરી ઇલાજ માટેનો પ્લાન બનાવે છે. ઊંઘની તકલીફોનો ઇલાજ શક્ય છે અને એને અંકુશમાં લાવી શકાય છે. આ માટે ઊંઘની સારી આદતો અથવા તો કહીએ કે જીવનશૈલીમાં જરૂરી બદલાવ લાવવામાં આવે છે. અમુક દવાઓ દ્વારા પણ મદદ મળતી જોવા મળે છે. આ ઉપરાંત આ રોગનું મુખ્ય કારણ ઓબેસિટી હોવાને લીધે ડૉક્ટર વેઇટલૉસ કરવાની સલાહ આપે છે. વેઇટલૉસ થતાં જ ઘણાં સારાં પરિણામ જોવા મળે છે. આ ઉપરાંત ઘણા કેસમાં કૉગ્નિટિવ બિહેવિયરલ થેરપી પણ ઉપયોગી છે. જે ઇલાજનો બહોળો પ્રયોગ કરવામાં આવે છે એ છે શ્વાસ માર્ગોને બંધ થતા રોકવા માટે રાત્રે સૂતી વખતે મશીનનો ઉપયોગ. ડૉક્ટર્સની દેખરેખ હેઠળ એનો ઉપયોગ પણ ઘણાં સારાં પરિણામો આપે છે. આ સિવાય સર્જિકલ ટ્રીટમેન્ટ પણ એનો એક છેલ્લો ઉપાય છે.

 

- ડૉક્ટર અમિતા દોશી નેને અનુભવી પલ્મનોલૉજિસ્ટ છે. (પ્રતિભાવ-માર્ગદર્શન માટે ઈ-મેઇલ કરી શકો છો.)

health tips healthy living diabetes life and style lifestyle news columnists