10 April, 2026 11:53 AM IST | Mumbai | Dr. Suruchi Desai
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ વિશ્વના કુલ સર્વાઇકલ કૅન્સરના કેસના ૨૭ ટકા કેસ ફક્ત ભારતમાં જોવા મળે છે જેનું એક મહત્ત્વનું કારણ માસિક દરમ્યાન કપડાનો ઉપયોગ પણ ગણી શકાય. કપડાને લીધે ઇન્ફેક્શનની શક્યતાઓ ખૂબ વધી જાય છે. સુતરાઉ કાપડ સ્કિન-ફ્રેન્ડ્લી હોવાથી પહેલાંની સ્ત્રીઓ એ વાપરતી, પરંતુ એ સેફ નથી. બીજું એ કે આજકાલ કૉટન પૅડ્સ માર્કેટમાં આવ્યાં છે જે ઇકો-ફ્રેન્ડ્લીના નામે વેચાય છે. આ પૅડ્સ રીયુઝેબલ હોય છે, પણ એને વ્યવસ્થિત ધોવાં જરૂરી છે. જો એવું ન થાય તો ઇન્ફેક્શનની શક્યતા રહે જ છે. કપડું તો બિલકુલ જ નહીં અને કૉટન પૅડ્સ વાપરતી વખતે પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવું.
જે પૅડ્સમાં લોહી અંદર જઈને જેલ બની જાય એ પૅડ્સ ઇન્ફેક્શનની શક્યતા વધારે છે. વળી એમાં કેમિકલ્સ યુઝ થાય છે જે વજાઇના માટે સેફ ન ગણી શકાય. જે પૅડ્સ બહારથી એકદમ સિન્થેટિક મટીરિયલનાં હોય એવાં પૅડ્સ વાપરવાં નહીં, કારણ કે એ સ્કિનમાં રૅશ ઉત્પન્ન કરે છે. બ્રીધેબલ મટીરિયલવાળાં પૅડ્સ વાપરવાં જોઈએ. પૅડ્સ વાપરતી વખતે ધ્યાન રાખવું કે એને ૪ કલાકથી વધુ યુઝ ન કરવાં. ઘણી વખત છોકરીઓને એવું લાગતું હોય છે કે બ્લડ-ફ્લો વધુ નથી એટલે તેઓ ઘણાબધા સમય સુધી એક જ પૅડ પહેરી રાખે છે. આ આદત પાડવી જ નહીં. સૂતી વખતે ભલે તે ૬-૮ કલાક એક પૅડ વાપરે, પણ દિવસ દરમ્યાન દર ૪ કલાકે એ બદલવું અનિવાર્ય છે જેથી ઇન્ફેક્શનનો ડર ન રહે.
દસથી ૧૮ વર્ષની નાની વયે છોકરીઓને ટૅમ્પૉનનો પ્રયોગ થોડો અઘરો લાગી શકે છે. ટૅમ્પૉનને વજાઇનાની અંદર દાખલ કરવામાં આવે છે એટલે જો એ હાઇજીનિક ન હોય તો ઇન્ફેક્શન લાગવાની શક્યતા ઘણી વધી જાય છે. એવું જ મૅન્સ્ટ્રુઅલ કપનું સમજવું. એને એકદમ ક્લીન રાખવા જરૂરી છે. જો નાની છોકરીઓની વાત કરીએ તો તેમણે ટૅમ્પૉન વાપર્યું હોય અને એ ફાવતું હોય તો જ આ ઉંમરે મૅન્સ્ટ્રુઅલ કપ તેમને વાપરવા દેવાય. આ પ્રોડક્ટ ખરેખર ખૂબ સારી છે કારણ કે એ પર્યાવરણ-સેફ છે, એનો ઉપયોગ એકદમ સરળ છે અને સ્ત્રીઓના કમ્ફર્ટ માટે પણ જોઈએ તો એ ખૂબ સારી છે. જોકે નાની છોકરીઓને એ પહેરવું કઈ રીતે અને કાઢવું કઈ રીતે એ ન ફાવે તો એ વજાઇનામાં ફસાઈ જાય અને એને જોરથી કાઢવામાં આવે ત્યારે ઇન્જરી પણ થઈ જાય. એટલે નાની વયની છોકરીઓને જો તમે કપ્સ આપો તો એને કઈ રીતે વાપરવાનો છે એની સમજણ આપીને તેને પહેલાં તૈયાર કરો.