પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ હોય એ છોકરીઓએ પોતાની હૉર્મોન-હેલ્થનું ધ્યાન આખી જિંદગી રાખવાનું છે

21 January, 2026 01:44 PM IST  |  Mumbai | Dr. Suruchi Desai

દૂબળી છોકરીઓને પણ PCOS થાય છે. એટલે જો તમે દૂબળાં હો છતાં તમને પિરિયડ્સને લગતી કોઈ તકલીફ શરૂ થઈ ગઈ હોય તો એક વખત ડૉક્ટરને ચોક્કસ મળો

પ્રતીકાત્મક તસવીર

PCOS એટલે કે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમમાં સ્ત્રીની ઓવરી એનામાં થોડી માત્રામાં રહેલા પુરુષ હૉર્મોન એન્ડ્રોજિનસનું ઉત્પાદન વધારી દે છે જેને કારણે ઓવરીમાં નાની-નાની ગાંઠ ઉત્પન્ન થાય છે. નાની ઉંમરમાં વધતું સ્ટ્રેસ, જલદી આવતી મૅચ્યોરિટી, ભણવાને કારણે સ્પોર્ટ્સમાં કે ફિઝિકલ ઍક્ટિવિટીમાં અપાતું ઓછું ધ્યાન, ટ્રાન્સ ફૅટ્સયુક્ત ખોરાક અને બેઠાડુ જીવન આ રોગને આવકારનારાં પરિબળો છે. આ રોગ થવા પાછળ મોટા ભાગે ખોટી લાઇફસ્ટાઇલ જ જવાબદાર હોય છે જે આજના સમય દરમિયાન ઘણી છોકરીઓએ અપનાવી છે. એને લીધે કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.  

જ્યારે ૧૫-૨૨ વર્ષ સુધીમાં છોકરીઓને  આ પ્રૉબ્લેમ નડે છે ત્યારે તેને કોઈ દવા કે હૉર્મોન્સ આપવાની જરૂર હોતી નથી. જો તે તેની લાઇફસ્ટાઇલમાં સુધારા કરે, વજન ઘટાડે, યોગ્ય ડાયટ લે અને ફિઝિકલ એક્સરસાઇઝ ચાલુ રાખે તો આ પ્રોબ્લેમ એની મેળે દુર થઇ જાય છે. એ માટે કશું ખાસ કરવાની જરૂર પડતી નથી. પરંતુ જો તમારી ઓવરીની સાઇઝ ૧૨CCથી વધુ હોય તો, જો તમે પ્રેગ્નન્સી પ્લાન કરતા હો તો, જો તમને ઍક્ને અને ફેશ્યલ હેરનો પ્રૉબ્લેમ ખૂબ વધી ગયો હોય તો, જો તમારા પ્રયત્નો છતાં તમારું વજન ઓછું જ ન થતું હોય તો ડૉક્ટર ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ પિલ્સ દ્વારા હૉર્મોનલ થેરપી શરૂ કરી શકે છે. મહત્ત્વની વાત એ છે કે દવાઓ સાથે પણ લાઇફસ્ટાસલ ચેન્જ તો લાવવો જ પડે છે.

દૂબળી છોકરીઓને પણ PCOS થાય છે. એટલે જો તમે દૂબળાં હો છતાં તમને પિરિયડ્સને લગતી કોઈ તકલીફ શરૂ થઈ ગઈ હોય તો એક વખત ડૉક્ટરને ચોક્કસ મળો. ઘણા લોકોને એવું હોય છે કે તે દૂબળા છે તો તેમને હેલ્ધી લાઇફસ્ટાઇલની જરૂર નથી, પણ એવું નથી. જો તમને PCOS છે તો તમારે આ રોગનું ધ્યાન લગભગ આખી જિંદગી જ રાખવાનું છે કારણ કે એક વખત રોગ ગયો એનો અર્થ એ નથી કે એ પાછો નહીં આવે. તમારી લાઇફસ્ટાઇલ થોડી બગડી કે તકલીફ પાછી આવી જશે.

જે છોકરીઓને PCOS છે તેમને ભવિષ્યમાં જેસ્ટેશનલ ડાયાબિટીઝ, ડાયાબિટીઝ, બ્લડપ્રેશર, કૉલેસ્ટરોલ પ્રૉબ્લેમ આવવાની શક્યતા ઘણી વધારે છે કારણ કે તેમનું મેટાબોલિઝમ ઠીક નથી. એટલે આ બાબતે પણ સતર્ક રહેવું જરૂરી છે. જે છોકરીઓને PCOS છે તેમણે બાળકનું પ્લાનિંગ થોડું વહેલું શરૂ કરવું જોઈએ કારણ કે જ્યાં સુધી PCOSને કન્ટ્રોલ નહીં કરો ત્યાં સુધી પ્રેગ્નન્સી શકય નથી. એટલે એમાં સમય લાગી શકે છે. PCOSના દરદીઓએ જીવનભર માટે હેલ્ધી લાઇફસ્ટાઇલ અપનાવવી જરૂરી છે. ખાસ કરીને એમાં ઍક્ટિવ લાઇફસ્ટાઇલ અને દરરોજ એક્સરસાઇઝ અત્યંત મહત્ત્વનાં છે.

health tips healthy living life and style lifestyle news columnists