લાંબા સમયથી ગૅસ અને ઍસિડિટી રહેતાં હોય તો જરૂર તપાસ કરાવી લો

24 April, 2026 07:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

થોડા સમય પહેલાં એક ભાઈ મારી પાસે આવ્યા. ઉંમર ૪૨ વર્ષની હશે. છેલ્લા એકાદ મહિનાથી તેમને પેટમાં ઉપરના ભાગમાં દુખાવો ચાલુ થયો છે. તેમને લાગતું હતું કે ગૅસ જ હશે, પણ એ દુખાવો સતત રહેવા લાગ્યો એટલે પછી તેમને થયું કે ડૉક્ટર પાસે જવું જ પડશે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

થોડા સમય પહેલાં એક ભાઈ મારી પાસે આવ્યા. ઉંમર ૪૨ વર્ષની હશે. છેલ્લા એકાદ મહિનાથી તેમને પેટમાં ઉપરના ભાગમાં દુખાવો ચાલુ થયો છે. તેમને લાગતું હતું કે ગૅસ જ હશે, પણ એ દુખાવો સતત રહેવા લાગ્યો એટલે પછી તેમને થયું કે ડૉક્ટર પાસે જવું જ પડશે. તેમને અવારનવાર ઍસિડિટી તો રહે જ છે, પરંતુ સૌથી મોટી સમસ્યા એ હતી કે પેટ ફૂલીને દડા જેવું થઈ ગયું હતું. હવે આ સમસ્યા માટે અજમો ફાકવાથી કામ થઈ નહોતું રહ્યું એટલે તે મારી પાસે આવ્યા હતા. આ ભાઈને જે સમસ્યા હતી એ ઘણા લોકોને થાય છે. મેં તેમને કહ્યું કે તમને જે તકલીફ છે એ લાંબા ગાળાની છે. ઉપરના ભાગનો જે દુખાવો તમે કહો છો એ ગંભીર હોવાની પૂરી શક્યતા છે. જો તમને થોડા સમયથી જ આ હોય તો હું કહેત કે તમારા ખાવામાં કોઈ મોટા ફેરફારો થયા હોય તો આવું થઈ શકે, પરંતુ તમને આ તકલીફ લાંબા ગાળાથી છે એટલે તપાસ કરાવવી જરૂરી છે.

આ પ્રકારની તકલીફ પાછળ બે મુખ્ય કારણ હોઈ શકે છે જે ભારતીય દરદીઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. એક છે હેલિકોબેક્ટર પાયલોરીનું બૅક્ટેરિયલ ઇન્ફેક્શન. આ બૅક્ટેરિયા પેટમાં અંદર ઘર બનાવે છે જેનું નિદાન એન્ડોસ્કોપી અને પછી બાયોપ્સી કરીને કરી શકાય છે. આ રોગમાં પહેલાં ૬ અઠવાડિયાંનો અને પછી ૪૫ દિવસનો કોર્સ હોય એ પૂરો કરવો જરૂરી છે. ત્યારે જ એ રોગ સંપૂર્ણ રીતે મટે છે.

બીજું કારણ એ છે કે પિત્તાશયની કોથળીમાં તમને પથરી થઈ હોય તો શરૂઆતમાં પેટમાં ફુલાવો, ગૅસ, ઍસિડિટી જેવાં ચિહ્‍નો દેખાઈ શકે છે. એના માટે સોનોગ્રાફી કરવામાં આવે છે જેમાં એનું સાચું નિદાન બહાર આવી શકે છે. જો પથરી નીકળે તો આગળ જતાં એ પથ્થર પિત્તાશયના મોઢે અટકી જાય કે એની નળીઓમાં ફસાઈ જઈ શકે છે અને એને કારણે તમને કમળો થઈ જઈ શકે છે.

બીજું એ કે આ બધાં ચિહ્‍નો સાથે તમારું વજન તો નથી ઊતરતું? એ ખાસ સમજવાની કોશિશ કરો. જો છેલ્લા એક મહિનામાં વગર કોઈ કારણે તમારું વજન પણ ઓછું થતું હોય તો આંતરડાંની કોઈ બીમારી પણ હોઈ શકે છે જેના માટે તાત્કાલિક ડૉક્ટરને મળવું જરૂરી છે, કેમ કે આ પ્રકારની તકલીફોમાં જેટલું મોડું નિદાન થાય એટલું નુકસાન વધુ હોય છે. સમજવાનું એ છે કે તમારાં જે લક્ષણો છે એ સામાન્ય પાચનની ઊથલપાથલથી લઈને આંતરડાંની ગંભીર બીમારી સુધીનાં હોઈ શકે છે એટલે એને અવગણવા કરતાં યોગ્ય નિદાન કરાવવું અને પછી એનો પૂરો ઇલાજ કરાવવો જરૂરી છે.

healthy living mental health health tips life and style lifestyle news