આ નાનકડી મૅજિક રિંગના અદ્ભુત ફાયદા જાણો

11 June, 2026 02:40 PM IST  |  Mumbai | Heena Patel

નાનાં બાળકોથી લઈને વડીલો સુધી દરેક વયજૂથ માટે આ રિંગ કેવી રીતે ઉપયોગી છે અને એનાથી કઈ કસરતો થઈ શકે ચાલો જાણીએ

પલાટેઝ રિંગ

આજકાલ ફિટનેસ વર્લ્ડમાં એક નાનકડું અને વજનમાં હલકું સાધન ખૂબ ધૂમ મચાવી રહ્યું છે, જેને પલાટેઝ રિંગ કે મૅજિક રિંગ કહેવામાં આવે છે. જિમમાં ગયા વગર કે ભારે વજન ઉઠાવ્યા વગર શરીરને અંદરથી મજબૂત અને સુડોળ બનાવવા માટે આ એક આદર્શ સાધન છે. નાનાં બાળકોથી લઈને વડીલો સુધી દરેક વયજૂથ માટે આ રિંગ કેવી રીતે ઉપયોગી છે અને એનાથી કઈ કસરતો થઈ શકે ચાલો જાણીએ

આજની વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને કલાકો સુધી કમ્પ્યુટર સામે બેસી રહેવાના કારણે ફિટ રહેવું એ એક મોટો પડકાર બની ગયું છે. જિમમાં જઈને ભારે વજન ઉઠાવવું કે મોંઘાં મશીનો વસાવવા દરેક માટે શક્ય નથી હોતું. આ જ કારણે આજકાલ ફિટનેસ વર્લ્ડમાં એક નાનકડું અને વજનમાં હલકું સાધન ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે, જેને પલાટેઝ  રિંગ કે મૅજિક રિંગ કહેવામાં આવે છે. આ એક એવું સાધન છે જે સાંધા પર કોઈ પણ પ્રકારનો વધારાનો ભાર લાવ્યા વગર શરીરના ઊંડા સ્નાયુઓને ઍક્ટિવેટ કરે છે. નાનાં બાળકોથી લઈને વડીલો સુધી અને ખાસ કરીને પોસ્ટ-પ્રેગ્નન્સી રિકવરી માટે મહિલાઓ માટે આ રિંગ આશીર્વાદરૂપ સાબિત થાય છે. તો ચાલો ફિઝિયોથેરપિસ્ટ હરિતા શાહ ઘોડકે પાસેથી વિગતવાર સમજીએ કે પલાટેઝ  રિંગ શું છે, તેનાથી શરીરને કયા ફાયદા થાય છે અને ઘેરબેઠાં તેનાથી કઈ કી-એક્સરસાઇઝ કરી શકાય.

પલાટેઝ  રિંગ એટલે શું?

આ એક ૧૨થી ૧૫ ઇંચનો વ્યાસ ધરાવતી, વજનમાં ખૂબ જ હલકી અને ફ્લેક્સિબલ ગોળ રિંગ છે. આ રિંગની બંને બાજુએ પકડવા માટે ગાદીવાળાં હૅન્ડલ્સ હોય છે, જેથી તેને હાથ વડે પકડવામાં કે પગની વચ્ચે રાખવામાં સરળતા રહે અને દુખાવો ન થાય. જ્યારે તમે આ રિંગને બંને હાથ કે પગની વચ્ચે રાખીને અંદરની તરફ દબાવો છો અથવા બહારની તરફ ખેંચો છો, ત્યારે રિંગ પોતાનો મૂળ આકાર જાળવી રાખવા માટે વળતું દબાણ પેદા કરે છે. આ દબાણના કારણે શરીરના એવા નાના અને ઊંડા સ્નાયુઓ સક્રિય થાય છે, જે સામાન્ય કસરતો અથવા ભારે વજન ઊંચકવાથી પણ સરળતાથી ટોન થતા નથી.

આનો ફાયદો શું?

સામાન્ય રીતે જિમમાં વજન ઉઠાવવાથી બહારના મોટા સ્નાયુઓ મજબૂત થાય છે, પરંતુ પલાટેઝ  રિંગ શરીરના એવા નાના અને ઊંડા સ્નાયુઓને ટાર્ગેટ કરે છે, જે સામાન્ય કસરતોથી ઍક્ટિવેટ થતા નથી. આનાથી શરીર અંદરથી વધુ મજબૂત અને સુડોળ બને છે.

આ રિંગ શરીરના ચોક્કસ ભાગોના સ્નાયુઓ પર કામ કરવા માટેનું ઉત્તમ સાધન છે. તે સાથળની અંદરના ભાગના સ્નાયુઓને ઍક્ટિવેટ કરીને તેમને ટોન કરવામાં મદદ કરે છે, જેના કારણે પગ વધુ સુડોળ દેખાય છે. આ ઉપરાંત, બાયસેપ્સ, ટ્રાયસેપ્સ અને છાતીના સ્નાયુઓ પર પણ અસરકારક રીતે કામ કરે છે. તેના નિયમિત ઉપયોગથી અપર બૉડીની શક્તિ અને કાર્યક્ષમતા વધે છે.

જ્યારે તમે પલાટેઝ  રિંગને દબાવો છો, ત્યારે પેટ અને કમરની આસપાસના સ્નાયુઓ આપોઆપ સક્રિય થાય છે. તે કોર સ્ટ્રેન્થ વધારવામાં, શરીરને વધુ સ્થિર બનાવવામાં અને યોગ્ય બૉડી અલાઇનમેન્ટ જાળવવામાં મદદરૂપ બને છે.

આ રિંગનો મહત્ત્વનો ફાયદો એ છે કે તે પેલ્વિક ફ્લોરના સ્નાયુઓને મજબૂત કરવામાં મદદ કરે છે. ખાસ કરીને મહિલાઓમાં ડિલિવરી પછી નબળા પડેલા સ્નાયુઓની કાર્યક્ષમતા સુધારવામાં તેનો ઉપયોગ થઈ શકે છે. વધતી ઉંમરે હસતી, ઉધરસ ખાતી કે છીંકતી વખતે પેશાબ લીક થવાની સમસ્યાને ઘટાડવામાં પણ તે સહાયક બની શકે છે.

આખો દિવસ કમ્પ્યુટર સામે બેસી રહેવાને કારણે ઘણા લોકોના ખભા નમી જાય છે અથવા પીઠ વળી જાય છે. પલાટેઝ  રિંગ પીઠ, ખભા અને કોરના સ્નાયુઓને મજબૂત બનાવીને શરીરનું સંતુલન અને પૉશ્ચર સુધારવામાં મદદ કરે છે.

ભારે ડમ્બેલ્સ કે મશીનોની સરખામણીમાં પલાટેઝ  રિંગ લો-ઇમ્પેક્ટ કસરતનો સારો વિકલ્પ છે. તે સાંધા પર વધારાનો ભાર નાખ્યા વગર સ્નાયુઓની શક્તિ વધારવામાં મદદ કરે છે. તેથી મોટી ઉંમરના લોકો અથવા ઈજામાંથી સાજા થઈ રહેલા લોકો પણ નિષ્ણાતના માર્ગદર્શન હેઠળ તેનો ઉપયોગ કરી શકે છે.

યોગ્ય માર્ગદર્શન હેઠળ સ્કૂલ-એજ બાળકો માટે પણ પલાટેઝ  રિંગ લાભદાયી બની શકે છે. તે ખભા, હાથ અને કોરના સ્નાયુઓને મજબૂત બનાવીને બૉડી કો-ઑર્ડિનેશન સુધારવામાં મદદરૂપ બની શકે છે. આ ઉપરાંત, ખભા, હાથ અને પેટ-કમરની ફરતેના સ્નાયુઓને મજબૂત બનાવીને શારીરિક વિકાસ અને બૉડી કો-ઑર્ડિનેશન સુધારવામાં સહાયક બને છે.

કોઈ ઈજા, અકસ્માત અથવા સર્જરી પછી સ્નાયુઓ નબળા પડી શકે છે. પલાટેઝ  રિંગ ધીમે-ધીમે વધારી શકાય તેવું રેઝિસ્ટન્સ પૂરું પાડે છે, જેના કારણે સાંધા કે સ્નાયુઓ પર અચાનક ભાર પડતો નથી. વ્યક્તિ પોતાની ક્ષમતા અનુસાર ધીમે-ધીમે એનર્જી અને ફ્લેક્સિબિલિટી પાછી મેળવી શકે છે.

પલાટેઝ  રિંગ સાથે કસરત કરવા માટે ચોકસાઈ, નિયંત્રણ અને એકાગ્રતાની જરૂર પડે છે. રિંગને નિયંત્રિત રીતે દબાવવાની અને છોડવાની પ્રક્રિયા દરમિયાન મગજ અને શરીર વચ્ચેનું સંકલન વધુ મજબૂત બને છે. આનાથી એકાગ્રતા વધે છે, શરીર પ્રત્યેની જાગૃતિ કેળવાય છે અને માનસિક તનાવ ઘટાડવામાં પણ મદદ મળી શકે છે.

કઈ રીતે કસરત કરશો?

બ્રિજ રિંગ્સ : પેટના સ્નાયુઓને મજબૂત કરવા

કેવી રીતે કરવી : પીઠના બળે ચત્તા સૂઈ જાઓ, બંને ઘૂંટણ વાળો અને પગનાં તળિયાં જમીન પર રાખો. પલાટેઝ  રિંગને બંને ઘૂંટણની વચ્ચે આડી ગોઠવો. હવે શ્વાસ બહાર કાઢતાં કાઢતાં રિંગને અંદરની તરફ દબાવો અને સાથે જ તમારા નિતંબ તથા કમરને જમીન પરથી ઉપર હવામાં ઉઠાવો. ઉપર બે સેકન્ડ હોલ્ડ કરી, શ્વાસ અંદર લેતાં ધીમેથી કમર નીચે લાવો અને રિંગનું દબાણ પણ છોડો. ૧૦થી ૧૨ વખત આ પ્રક્રિયા કરો.

રિંગ ચેસ્ટ પ્રેસ આૅન અનઈવન સરફેસ:  મગજ-શરીરનું કનેક્શન સુધારવા

કેવી રીતે કરવી : આ કસરત માટે કોઈ પોચી સરફેસ જેમ કે બૅલૅન્સ પૅડ, ફોમ મેટ અથવા ગાદલા પર સીધા ટટ્ટાર ઊભા રહો. હવે રિંગને તમારી છાતીની બરાબર સામે બંને હથેળીઓની વચ્ચે પકડો એટલે તમારી કોણી બહારની તરફ વળેલી રહેશે. તમારું શારીરિક સંતુલન જાળવી રાખીને, હથેળીઓની તાકાતથી રિંગને અંદરની તરફ દબાવો. ત્રણ સેકન્ડ હોલ્ડ કરીને ધીમેથી છોડો. આવું ૧૦થી ૧૨ વખત કરો.

રોલ અપ્સ : કરોડરજ્જુ અને પીઠને મજબૂત રાખવા

કેવી રીતે કરવી : જમીન પર ચત્તા સૂઈ જાઓ અને બંને પગ સીધા રાખો. બંને હાથમાં પલાટેઝ  રિંગ પકડીને હાથને માથાની પાછળ સીધા લંબાવો. હવે શ્વાસ બહાર કાઢતાં, હાથને આગળ લાવો અને માથું, ખભા તથા આખી પીઠને જમીન પરથી ધીમે-ધીમે ઉઠાવતાં બેઠા થવાનો પ્રયત્ન કરો, જ્યાં સુધી તમારા હાથ પગના અંગૂઠાને ન અડે. ત્યાર બાદ એટલી જ ધીમેથી કરોડરજ્જુને પાછી જમીન પર ટેકવીને સૂઈ જાઓ. આવું ૫થી ૮ વખત કરો.

પ્રોન ડબલ લેગ સ્ટ્રેચ : પૉશ્ચર કન્ટ્રોલ આવે છે

કેવી રીતે કરવી : જમીન પર પેટના બળે ઊંધા સૂઈ જાઓ અને માથાને જમીન તરફ રાખો. બંને ઘૂંટણમાંથી પગ પાછળની તરફ વાળો અને પલાટેઝ  રિંગને બંને પગની ઘૂંટીઓની વચ્ચે ગોઠવો. હવે શ્વાસ છોડતી વખતે, તમારા બંને પગને ઘૂંટણથી સહેજ ઉપર હવામાં ઉઠાવવાનો પ્રયત્ન કરો અને રિંગને હલકી દબાવો. આનાથી લોઅર બૅક અને હિપ્સ પર ખેંચાણ આવશે. બે સેકન્ડ હોલ્ડ કરી પગ નીચે લાવો. આવું ૮થી ૧૦ વખત કરો.

ઍન્કલ પ્રેસ : પગના સ્નાયુઓની શક્તિ વધારવા

કેવી રીતે કરવી : જમીન પર સીધા સૂઈ જાઓ અને બંને પગ જમીનથી ૪૫ કે ૯૦ ડિગ્રી પર ઉઠાવો. પલાટેઝ  રિંગને બંને પગની ઘૂંટીઓની વચ્ચે ગોઠવો. હવે શ્વાસ બહાર કાઢતી વખતે, પગની તાકાતથી રિંગને અંદરની તરફ દબાવો. ત્રણ સેકન્ડ માટે દબાણ જાળવી રાખો અને પછી શ્વાસ લેતાં ધીમેથી રિલીઝ કરો. ૧૨થી ૧૫ વખત આ પ્રક્રિયા રિપીટ કરો.

healthy living health tips lifestyle news life and style