એક પ સવર્ડ જો બદલ દે આપકી દુનિયા

07 May, 2026 03:17 PM IST  |  Mumbai | Heena Patel

આજના સમયમાં પાસવર્ડ વિનાનું જીવન આપણે કલ્પી પણ નથી શકતા. સ્માર્ટફોન, કમ્પ્યુટર કે લૅપટૉપ જેવું કોઈ ડિવાઇસ વાપરવું હોય કે સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ, ઑનલાઇન બૅન્કિંગ કરવાનું હોય કે ઈ-મેઇલ, દરેક જગ્યાએ એક ખાસ આગવી ચાવીની જરૂર પડે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)

આજના સમયમાં પાસવર્ડ વિનાનું જીવન આપણે કલ્પી પણ નથી શકતા. સ્માર્ટફોન, કમ્પ્યુટર કે લૅપટૉપ જેવું કોઈ ડિવાઇસ વાપરવું હોય કે સોશ્યલ મીડિયા અકાઉન્ટ્સ, ઑનલાઇન બૅન્કિંગ કરવાનું હોય કે ઈ-મેઇલ, દરેક જગ્યાએ એક ખાસ આગવી ચાવીની જરૂર પડે છે. ડિજિટલ લૉક્સ માટે વપરાતી આ પાસ-કીને માત્ર ટેક્નિકલ જરૂરિયાત પૂરતી સીમિત ન રાખતાં આપણા મનોવિશ્વને હકારાત્મક સ્પંદનો પેદા કરવાનું માધ્યમ બનાવીએ તો ખરેખર જીવનમાં હકારાત્મકતાનો ધીમો ડોઝ મળી શકે છે. આજે વિશ્વભરમાં પાસવર્ડ દિવસ મનાવાઈ રહ્યો છે ત્યારે જાણીએ કે આપણા મગજની દુનિયાની પૉઝિટિવિટીનાં તાળાં પાસવર્ડ દ્વારા કઈ રીતે ખોલી શકાય છે એ....

આપણે દિવસમાં સરેરાશ અનેક વખત અલગ-અલગ અકાઉન્ટ્સમાં લૉગ-ઇન કરવા માટે પાસવર્ડ ટાઇપ કરીએ છીએ. ડિજિટલ દુનિયામાં પાસવર્ડ‍્સ બહુ જ મહત્ત્વના છે. જોકે એને માત્ર ટેક્નિકલ જરૂરિયાત ન સમજવી જોઈએ. વારંવાર અને રિપીટેડલી જે ચીજનો ઉપયાગ આપણે કરીએ છીએ એની પૉઝિટિવ કે નેગેટિવ કોઈક તો અસર આપણા મન પર થતી જ હોય છે. વારંવાર વપરાતા શબ્દોમાં કે કોડથી પણ મનમાં ઍફર્મેશન એટલે કે હકારાત્મક વિચારોને દૃઢ કરવાનું કામ થઈ શકે છે. એવામાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ માત્ર એક યાંત્રિક પ્રક્રિયા રહેવાને બદલે તમારી થિન્કિંગ પૅટર્નને બદલવાનું અનોખું સાધન બની શકે? જો તમે આવું ઇચ્છતા હો તો આજથી જ તમારા પાસવર્ડને ઍફર્મેશનના એક ટૂલ તરીકે વાપરવાનું શરૂ કરી દો. જે પૉઝિટિવ થૉટ તમારા મનમાં ઇમ્પ્લાન્ટ કરવાની ઇચ્છા હોય એ થૉટને પાસવર્ડરૂપે વાપરવાનું શરૂ કરો. આનાથી રાતોરાત ફરક પડી જશે એવું નથી; પણ લાંબા ગાળે આ હકારાત્મક એનર્જી તમારા મનોવિશ્વને જ નહીં, તમારી આદતો અને વર્તણૂકને બદલવામાં પણ મદદ કરી શકે છે. પાસવર્ડ દ્વારા ઍફર્મેશન પર શું અને કેવી સાઇકોલૉજિકલ અસરો થાય, એને તમે કઈ રીતે તમારી ડેઇલી લાઇફની હૅબિટમાં વણી શકો અને સાથે જ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે એ તમામ વિશે આપણે સાઇકોલૉજિસ્ટ પૂર્વી શાહ પાસેથી તેમના જ શબ્દોમાં જાણી લઈએ. 
સાઇકોલૉજી સમજો

૧. સબકૉન્શ્યસ માઇન્ડનું પ્રોગ્રામિંગ 
આપણા મગજનો એક મહત્ત્વનો ભાગ સબકૉન્શ્યસ માઇન્ડ કહેવાય છે. એ સંપૂર્ણ તર્ક (લૉજિક) પર કામ કરતું નથી, પરંતુ વારંવાર મળતી માહિતી અને અનુભવોના આધારે પૅટર્ન બનાવી લે છે. તમે જ્યારે વારંવાર કોઈ પૉઝિટિવ વાત પાસવર્ડ તરીકે ટાઇપ કરો છો ત્યારે તમારું અર્ધજાગૃત મન એને ‘જાણીતું અને મહત્ત્વપૂર્ણ’ તરીકે સ્વીકારવા લાગે છે. સમય જતાં આ સતત મળતી સૂચનાઓ તમારી થિન્કિંગ પૅટર્ન અને સેલ્ફ-ટૉક પર અસર કરે છે જે લાંબા ગાળે તમારા વર્તનમાં ફેરફાર લાવી શકે છે.

૨. કૉગ્નિટિવ ડિસોનન્સ (માનસિક વિરોધાભાસ)
ધારો કે તમે અત્યારે કોઈ મુશ્કેલીમાં છો, પણ તમે પાસવર્ડ રાખો છો I-Am-Successful. હવે તમારા મગજમાં એક પ્રકારની અસંગતતા ઊભી થાય છે. એક બાજુ તમારી હાલની સ્થિતિ છે અને બીજી બાજુ તમારું ઍફર્મેશન. મનોવિજ્ઞાન મુજબ આપણું મન આવી પરિસ્થિતિમાં લાંબા સમય સુધી અસ્વસ્થ રહેવાનું પસંદ નથી કરતું. પરિણામે એ તમને ધીમે-ધીમે એવા નિર્ણય અને ક્રિયાઓ તરફ દોરી શકે છે જે તમારા લક્ષ્ય સાથે વધુ મેળ ખાતા હોય.

૩. મગજનું રીવાયરિંગ
આપણું મગજ લવચીક છે, જેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે. તમે જ્યારે વારંવાર કોઈ પૉઝિટિવ શબ્દ કે વિચાર સાથે જોડાઓ છો ત્યારે તમારા મગજમાં એ વિચાર માટેના ન્યુરલ પાથવેસ મજબૂત બનવા લાગે છે. જેમ કોઈ જંગલમાં એક જ રસ્તે વારંવાર ચાલવાથી ત્યાં કેડી પડી જાય છે એમ આ પ્રૅક્ટિસ હકારાત્મક વિચારધારા માટે નવા રસ્તા બનાવવામાં મદદરૂપ બને છે, આ જૂના નકારાત્મક વિચારોને ધીમે-ધીમે ઓછા કરવામાં મદદ કરી શકે છે.

૪. RAS નામનું ફિલ્ટર
આપણા મગજમાં RAS (રેક્ટિક્યુલર ઍક્ટિવેટિંગ સિસ્ટમ) નામનું એક ફિલ્ટર હોય છે જે નક્કી કરે છે કે આસપાસની માહિતીમાંથી આપણે કઈ બાબતો પર વધુ ધ્યાન આપીએ. જો તમારો પાસવર્ડ Opportunity@2026 હોય તો તમે તમારા મગજને સૂચના આપો છો કે એ તકો તરફ વધુ ધ્યાન આપે. પરિણામે જે તકો પહેલાં પણ હતી પરંતુ ધ્યાનમાં આવતી નહોતી એ હવે વધુ સ્પષ્ટ દેખાવા લાગે છે. આ રીતે તમારું ધ્યાન તમારા લક્ષ્ય સાથે વધુ સંકળાય છે.

સ્માર્ટ પાસવર્ડ ગાઇડ
પૉઝિટિવ ઍફર્મેશનને પાસવર્ડમાં વાપરવાનો વિચાર ખૂબ જ પ્રભાવશાળી છે, પરંતુ એને સ્માર્ટ રીતે અમલમાં મૂકવો અનિવાર્ય છે જેથી મોટિવેશન મળવાની સાથે સિક્યૉરિટી પણ મજબૂત રહે. સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે I am confident જેવું સીધું વાક્ય પાસવર્ડ તરીકે રાખવું જરાય સલામત નથી એટલે એને થોડું ક્રીએટિવ અને કોડેડ ફૉર્મમાં બદલવું જોઈએ. દાખલા તરીકે સીધું લખવાને બદલે અક્ષરોની જગ્યાએ સ્પેશ્યલ કૅરૅક્ટર્સ અને નંબર્સ વાપરીને IamC0nf!dent@24 જેવો પાસવર્ડ બનાવી શકાય જેમાં કૅપિટલ લેટર્સ અને સિમ્બૉલ્સનો ઉપયોગ એને હૅકર્સ માટે મુશ્કેલ બનાવે છે. લાંબાં વાક્યોને બદલે StayC@lm#99 કે IW!llGr0w@2026 જેવા ટૂંકા પણ પાવરફુલ ફ્રેઝ પસંદ કરવા જોઈએ જે તમને ટાઇપ કરતી વખતે તરત અર્થ યાદ અપાવે. તમારા હાલના લક્ષ્ય મુજબ તમે કૉન્ફિડન્સ માટે Strong, ફોકસ માટે Disciplined કે સ્ટ્રેસ કન્ટ્રોલ માટે Peace જેવા શબ્દો પસંદ કરીને પાસવર્ડને કસ્ટમાઇઝ કરી શકો છો જે તમને રોજ યાદ અપાવશે કે તમે તમારા જીવનમાં શું બદલવા માગો છો. સુરક્ષા જાળવવા માટે દરેક અકાઉન્ટમાં અલગ પાસવર્ડ રાખવો જોઈએ. જોકે તમે Gr0w@Mind#1 અને Gr0w@Life#2 જેવી એકસમાન થીમ જાળવીને પૉઝિટિવિટી કન્સિસ્ટન્ટ રાખી શકો છો. આ ઉપરાંત દર બે-ત્રણ મહિને પાસવર્ડની સાથે તમારાં ઍફર્મેશન પણ બદલતા રહેવું જોઈએ જેથી સુરક્ષા સાથે વિચારોમાં પણ નવીનતા આવે. સૌથી મહત્ત્વની વાત એ છે કે માત્ર યાંત્રિક રીતે ટાઇપ કરવાને બદલે પાસવર્ડ નાખતી વખતે એક સેકન્ડ માટે એ શબ્દને ફીલ કરવો જોઈએ, કારણ કે અર્થ સાથે જોડાવાથી જ એની વાસ્તવિક અસર થાય છે. આમ ઍફર્મેશનને સ્ટ્રૉન્ગ કોડમાં બદલીને જો તમે એનો ઉપયોગ કરો છો તો એ માત્ર સિક્યૉરિટી જ નહીં પણ તમારા માનસિક ગ્રોથમાં પણ મદદરૂપ સાબિત થાય છે.

હકારાત્મક વિચારોના દૃઢીકરણ માટે આ નુસખા પણ અપનાવી શકાય
પાસવર્ડ એક રીત છે, પણ ઍફર્મેશનને દૈનિક જીવનમાં ગોઠવવાની ઘણી સરળ અને અસરકારક રીતો છે. ખાસ વાત એ છે કે એને રૂટીન સાથે જોડો, જેથી એ આપોઆપ થતી આદત બની જાય.

૧. દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે : દર વખતે જ્યારે તમે ઘર કે ઑફિસનો દરવાજો ખોલો ત્યારે મનમાં કહો કે ‘મારા જીવનમાં સારી તકો આવી રહી છે.’ આ ક્રિયા મગજને નવાં દ્વાર ખૂલવાનો સંકેત આપે છે.
૨. મોબાઇલ અનલૉક કરતી વખતે : આપણે દિવસમાં સેંકડો વાર ફોન ચેક કરીએ છીએ. દર વખતે અનલૉક કરતાં પહેલાં માત્ર એક સેકન્ડ માટે કહો : ‘હું ફોકસ્ડ અને કન્ટ્રોલમાં છું.’ આ તમને સોશ્યલ મીડિયાના ડિસ્ટ્રક્શનથી બચાવશે.
૩. પાણી પીતી વખતે : પાણી શરીરને શુદ્ધ કરે છે. દર વખતે પાણી પીતી વખતે કહો કે ‘મારું શરીર અને મન સ્વસ્થ બની રહ્યું છે.’ આનાથી તમારી હેલ્થ-અવેરનેસ વધશે.
૪. મિરર ટેક્નિક : સવારે તૈયાર થતી વખતે અરીસામાં પોતાની આંખોમાં જોઈને કહો કે ‘હું કૉન્ફિડન્ટ છું.’ આ તમારી સેલ્ફ-ઇમેજ પર સીધી અસર કરે છે.
૫. ચાલતી કે સીડી ચડતી વખતે : જ્યારે પણ તમે ચાલો ત્યારે દરેક ડગલે મનમાં કહો કે ‘હું આગળ વધી રહ્યો છું.’ આ ખાસ કરીને ત્યારે કામ લાગે છે જ્યારે તમને મોટિવેશનની જરૂર હોય.
૬. સૂતાં પહેલાં (નાઇટ પ્રોગ્રામિંગ) : ઊંઘતા પહેલાં આપણું મન સૌથી વધુ ગ્રહણશીલ હોય છે. ત્રણ-પાંચ વાર ધીમેથી કહો કે ‘આવતો દિવસ મારા માટે શ્રેષ્ઠ રહેશે.’

કેમ ઊજવાય છે વર્લ્ડ પાસવર્ડ ડે?
વર્લ્ડ પાસવર્ડ ડે ઊજવવા પાછળનું મુખ્ય કારણ ડિજિટલ દુનિયામાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનું છે. દર વર્ષે મે મહિનાના પહેલા ગુરુવારે આ દિવસ મનાવવામાં આવે છે. આનો ઉદ્દેશ લોકોને મજબૂત પાસવર્ડ રાખવાનું મહત્ત્વ સમજાવવાનો છે. આજના સમયમાં જ્યારે આપણી બૅન્કિંગ વિગતોથી લઈને પર્સનલ ડેટા બધું જ ઑનલાઇન છે ત્યારે નબળા પાસવર્ડને કારણે હૅકિંગ અને સાઇબર ક્રાઇમનો ખતરો વધી જાય છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે 123456 કે password જેવા સરળ પાસવર્ડ રાખવા કેટલા જોખમી છે. એ સિવાય આપણે વર્ષો સુધી એક જ પાસવર્ડ વાપરવાની આળસ રાખતા હોઈએ છીએ. વર્લ્ડ પાસવર્ડ ડે આપણને આપણો જૂનો પાસવર્ડ બદલવા અને દરેક અકાઉન્ટ માટે યુનિક (અલગ) પાસવર્ડ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. જેમ આપણે ઘરને સુરક્ષિત રાખવા મજબૂત તાળું મારીએ છીએ એમ આપણાં ઑનલાઇન અકાઉન્ટ્સ માટે મજબૂત પાસવર્ડ એ જ ડિજિટલ સુરક્ષાનું પ્રથમ પગથિયું છે.

ધ્યાન રાખવા જેવું
ઍફર્મેશન ઉપયોગી છે, પરંતુ એ કોઈ જાદુઈ ઉપાય નથી. એ માત્ર નકારાત્મક વિચારોને દબાવવા માટેનો રસ્તો પણ નથી. ઘણી વાર આપણા મનમાં ભૂતકાળના વણઊકલ્યા પ્રશ્નો અને ઊંડી માન્યતાઓ હોય છે જ્યાં માત્ર ઉપરછલ્લાં પૉઝિટિવ વાક્યો અસરકારક સાબિત થતાં નથી. આવી પરિસ્થિતિમાં થેરપી જરૂરી બની શકે છે જે મનના મૂળ સુધી જઈને જૂની ખોટી માન્યતાઓને બદલવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે જો કોઈ વ્યક્તિ અંદરથી એવું માનતી હોય કે ‘હું પ્રેમ મેળવવા લાયક નથી’. તો માત્ર ‘બધા મને પ્રેમ કરે છે’ જેવા ઍફર્મેશનથી ખાસ ફાયદો નહીં થાય, કારણ કે અર્ધજાગૃત મન એને સ્વીકારવા તૈયાર નથી. ઍફર્મેશન વિશેની ચર્ચામાં એક વાત ખાસ સમજવી જરૂરી છે કે માત્ર પૉઝિટિવ વાક્યો ટાઇપ કરવાથી કે બોલવાથી રાતોરાત ચમત્કાર નથી થતો. ઍફર્મેશન તમારા મગજને તૈયાર કરે છે, પણ પરિણામ તો તમારી ઍક્શનથી જ મળે છે. મનોવિજ્ઞાન કહે છે કે જ્યારે તમારા વિચારો અને તમારાં કાર્યો એક દિશામાં હોય ત્યારે જ સફળતા મળે છે.

mental health health tips gujarati mid day life and style lifestyle news