✕

કૉફી + પ્રોટીન પાઉડર = પ્રોફી આજકાલ નવું ચલણમાં આવેલું આ કૉમ્બિનેશન કેટલું હેલ્ધી છે?

23 October, 2026 02:54 PM IST  |  Mumbai | Kajal Rampariya

ઘણા લોકો એને વજન ઘટાડવા અને ફિટ રહેવાનો શૉર્ટકટ માની રહ્યા છે, પણ શું ખરેખર આ કપ તમારા શરીર માટે સારો છે કે પછી અંદરખાને મોટી બીમારીને આમંત્રણ આપે છે? નિષ્ણાત પાસેથી જાણીએ.

પ્રતીકાત્મક તસવીર

પ્રોટીન પાઉડર કોણે, કેટલો, ક્યારે લેવો જોઈએ એની પૂરતી સમજ હજી લોકોમાં નથી ત્યાં સોશ્યલ મીડિયામાં પ્રોટીનને સ્ટ્રૉન્ગ કૉફીમાં લેવાની સલાહોનો ભંડાર ફૂટી નીકળ્યો છે. કોઈ પણ નવું પીણું નીકળે એટલે પ્રયોગ કરવા ખાતર પણ લોકો એ કરી લેતા હોય છે ત્યારે જાણી લેવું જરૂરી છે કે આ ખરેખર કોઈ હેલ્ધી આદત છે કે પછી ફિટનેસ ઇન્ફ્લુઅન્સર્સ દ્વારા ચાલી રહેલું ગતકડું છે?

સોશ્યલ મીડિયાનાં પ્લૅટફૉર્મ્સ પર આજકાલ એક નવો ટ્રેન્ડ ભારે ચર્ચામાં છે અને એ છે પ્રોફી એટલે કે પ્રોટીનવાળી કૉફી. સવારની ઊંઘ ઉડાડતી સ્ટ્રૉન્ગ કૉફીમાં પ્રોટીન પાઉડર ભેળવીને પીવાનો નવો ટ્રેન્ડ સોશ્યલ મીડિયા પર પૉપ્યુલર થઈ રહ્યો છે. આ ડ્રિન્કને પ્રોફી કહેવાય છે. ઘણા લોકો એને વજન ઘટાડવા અને ફિટ રહેવાનો શૉર્ટકટ માની રહ્યા છે, પણ શું ખરેખર આ કપ તમારા શરીર માટે સારો છે કે પછી અંદરખાને મોટી બીમારીને આમંત્રણ આપે છે? નિષ્ણાત પાસેથી જાણીએ.

ફાયદા કમ, નુકસાન ઝ્યાદા

જે લોકો સવારે ઊઠતાંની સાથે જ કૉફી પીવાની પોતાની આદત છોડી શકતા નથી અને સાથે-સાથે પ્રોટીનયુક્ત આહાર પણ લેવા માગે છે તેમના માટે આ એક ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે એવું ઘણા લોકો માનતા હોય છે ત્યારે આ વિશે ડોમ્બિવલીમાં રહેતાં ડાયટિશ્યન અશ્વિની શાહ કહે છે, ‘પ્રોફી ટ્રેન્ડનાં કેટલાંક સકારાત્મક પાસાં છે જેમને નકારી શકાય નહીં. જ્યારે તમે કૉફી સાથે પ્રોટીનનું સેવન કરો છો ત્યારે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે, જેના કારણે વારંવાર ખાવાની ઇચ્છા થતી નથી અને દિવસ દરમ્યાનનું ઍપેટાઇટ એટલે કે ભૂખનું પ્રમાણ નિયંત્રણમાં રહે છે. ખાસ કરીને એવા લોકો જે સવારે વહેલા ઊઠીને વર્કઆઉટ કરવા જાય છે અને જિમમાંથી પાછા ફર્યા પછી તરત જ પ્રોટીન અને કૅફીન બન્નેની જરૂરિયાત અનુભવે છે તેમના માટે આ મિશ્રણ મસલ્સની રિકવરી અને શરીરને ત્વરિત એનર્જી આપવાનું કામ ઉત્તમ રીતે કરે છે. કૅફીન આપણા શરીરના મેટાબૉલિઝમને સક્રિય કરે છે અને મગજને તરત અલર્ટ બનાવે છે, પણ સિક્કાની બીજી બાજુ એટલી જ ચિંતાજનક છે. મોટા ભાગના લોકો અજાણતાં એવું માની લે છે કે આ પ્રોફી તેમના સવારના નાસ્તાનું સંપૂર્ણ સ્થાન લઈ શકે છે, પણ એવું નથી. નાસ્તો એ કોઈ સામાન્ય આહાર નથી, એ એક સંપૂર્ણ અને હોલસમ ભોજન છે જેમાં પ્રોટીન ઉપરાંત કાર્બોહાઇડ્રેટ્સ, ફાઇબર અને શરીર માટે અત્યંત જરૂરી હેલ્ધી ફૅટ્સ હોવાં અનિવાર્ય છે. માત્ર કૉફી અને પ્રોટીન પાઉડર ક્યારેય સંતુલિત નાસ્તાની ગરજ સારી શકે નહીં. જો કોઈ વ્યક્તિ એને નિયમિત નાસ્તા તરીકે અપનાવવાનું શરૂ કરી દે તો શરીરને પોષણ આપતાં અન્ય આવશ્યક પોષક તત્ત્વો મળતાં બંધ થઈ જાય છે અને શરીર અંદરથી નબળું પડવા લાગે છે.’

પ્રોફી અપનાવતાં પહેલાં શું ધ્યાનમાં રાખવું?

જો તમને પ્રોફીનો ટ્રેન્ડ બહુ અટ્રૅક્ટ કરે છે અને એને રૂટીનમાં લેવાની ઇચ્છા થાય તો અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રોટીન પાઉડરની પસંદગી હંમેશાં તમારી શારીરિક સ્થિતિ અને નિષ્ણાતની સલાહ મુજબ કરો, જેમાં વે પ્રોટીન કે પ્લાન્ટ પ્રોટીન સારા ઑપ્શન છે. ગરમ કૉફીમાં સીધો પ્રોટીન પાઉડર નાખવાનું ટાળો, કારણ કે એનાથી ગઠ્ઠા બની જાય છે. પ્રોફીને ક્યારેય તમારા સવારના પૌષ્ટિક નાસ્તાનો વિકલ્પ ન બનાવો, એને હેલ્ધી નાસ્તા સાથે અવારનવાર માણો. જો તમને ઍસિડિટી, ડાયાબિટીઝ, કિડનીની તકલીફ કે ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો ડાયટિશ્યનની સલાહ વિના આ ટ્રેન્ડથી દૂર રહેવું જ હિતાવહ છે. જો તમને કોફી વગર ચાલે એમ જ ન હોય અને તમારી તબિયત એકદમ સ્વસ્થ હોય તો અવારનવાર અનસ્વીટર્ડ પ્રોટીન પાઉડર સાથે આ પ્રયોગ કરવામાં કોઈ વાંધો નથી, પણ જો આ ટ્રેન્ડ તમારા શરીરને ફાયદાની જગ્યાએ નુકસાન પહોંચાડવા લાગે તો સમય બગાડ્યા વિના તરત જ એનાથી અટકી જવું જોઈએ. કોઈ પણ નવો ફિટનેસ-ટ્રેન્ડ આંખો બંધ કરીને અપનાવતાં પહેલાં તમારા શરીરની વાસ્તવિક જરૂરિયાત શું છે એ સમજો અને એક્સપર્ટ્સની સલાહ લીધા વિના સોશ્યલ મીડિયાની ભીડમાં દોડવું નહીં એ જ સમજદારીનું કામ છે.’

ટ્રેન્ડ પાછળનાં જોખમો

આ ટ્રેન્ડ પાછળનાં જોખમો વિશે વાત કરતાં ડાયટિશ્યન અશ્વિની શાહ કહે છે, ‘વધુ પડતા કૅફીન અને પ્રોટીનનું આ મિક્સચર પાચનતંત્રની સિસ્ટમને બગાડી શકે છે. જે લોકોને પહેલેથી જ ઍસિડિટી, ઍસિડ રિફ્લક્સ, અપચો, કબજિયાત કે ગૅસની ગંભીર સમસ્યા રહેતી હોય તેમણે તો આ પ્રોફીથી દૂર રહેવું જોઈએ. વધુ પડતું કૅફીન માત્ર પાચનક્રિયા જ નહીં, રાતની ગાઢ ઊંઘ પણ હરામ કરી નાખે છે. જે લોકોને ઍન્ગ્ઝાઇટી રહેતી હોય, વાત-વાત પર બેચેની અનુભવાતી હોય કે ધબકારા વધી જતા હોય તેમના માટે આ કૉફી ખતરનાક સાબિત થઈ શકે છે. કિડનીના દરદીઓ, ડાયાબિટીઝથી પીડિત લોકો, ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓ જો ડાયટિશ્યન કે ડૉક્ટરની કડક સલાહ વગર આ પ્રોફીના રવાડે ચડે તો તેમને બ્લડ-શુગર સ્પાઇક, કિડની પર ભારે દબાણ અને શરીરમાં ગંભીર સોજા કે ઇન્ફ્લેમેશન જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

health tips columnists gujarati mid day lifestyle news life and style