લીલા ભીંડા તો રોજ ખાઓ છો, આ ચોમાસામાં ટ્રાય કરો પર્પલ ભીંડા

15 July, 2026 04:48 PM IST  |  Mumbai | Kajal Rampariya

જાંબુડી કલરના ભીંડા સ્વાદમાં જેટલા અલગ છે એટલા જ સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. ચોમાસામાં ઇમ્યુનિટી વધારવા અને પાચનતંત્રને મજબૂત બનાવવા માટે નિષ્ણાત આ ભીંડા ખાવાની સલાહ આપે છે

જાંબુડી કલરના ભીંડા

વરસાદની સીઝનમાં શાકભાજીની વરાઇટી બદલાવા લાગે છે. લીલા ભીંડાનું શાક મોટા ભાગના લોકોના ઘરમાં બનતું હોય છે, પણ શું તમે ક્યારેય પર્પલ રંગના ભીંડા જોયા કે ખાધા છે? અત્યારે આ પર્પલ ભીંડા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે ત્યારે જાણીતા ન્યુટ્રિશનિસ્ટ રીમા ધોરાજીવાલા પાસેથી એના વિશે વિગતવાર માહિતી મેળવીએ.

કલર પાછળનું સાયન્સ

પર્પલ ભીંડામાં રહેલો આકર્ષક જાંબલી રંગ ઍન્થોસાયનિન નામના નૅચરલ પિગમેન્ટને કારણે હોય છે. આ એ જ પાવરફુલ ઍન્ટિ-ઑક્સિડન્ટ છે જે બ્લુબેરી, લાલ કોબી અને જાંબલી ગાજરમાં જોવા મળે છે. લીલા ભીંડાની સરખામણીમાં પર્પલ ભીંડા આપણને સોજા સામે લડવાની અને શરીરના કોષોને ડૅમેજ થતા બચાવવાની વધુ ક્ષમતા આપે છે. એ મેટાબૉલિક બૅલૅન્સ જાળવવા માટે અકસીર માનવામાં આવે છે.

પર્પલ ભીંડાના છે અઢળક ફાયદા

ભીંડામાં રહેલું ફાઇબર પાચનપ્રક્રિયાને ધીમી પાડે છે એટલે ખોરાકમાંથી ગ્લુકોઝ લોહીમાં ભળે છે અને આના કારણે બ્લડ-શુગર લેવલ અચાનક સ્પાઇક થતું નથી. આ સિવાય ઍસિડિટી, 
બ્લડ-શુગર અને બ્લડ-પ્રેશર પર નિયંત્રણ મેળવવામાં મદદરૂપ બની શકે છે.

ડાયટ પર હોય એ લોકો માટે પર્પલ ભીંડા બેસ્ટ ઑપ્શન છે. એમાં કૅલરીનું પ્રમાણ ઓછું અને ફાઇબર વધારે હોવાથી એ લાંબો સમય સુધી પેટને ભરેલું રાખે છે અને ક્રેવિંગ્સ અથવા ઓવરઈટિંગ અટકે છે.

એમાં રહેલો નૅચરલ પર્પલ કલર ચામડીના પ્રોટીન કોલાજનના લેવલને બૂસ્ટ કરે છે. એનાથી સ્કિનની હેલ્થ પણ સારી રહે છે.

પર્પલ ભીંડામાં વિટામિન K ભરપૂર માત્રામાં મળી રહે છે. આ વિટામિનનું મુખ્ય કામ લોહી ગંઠાવવામાં મદદ કરવાનું છે. આપણને જ્યારે કોઈ ઈજા થાય કે લોહી નીકળે ત્યારે વિટામિન K

શરીરમાં એવાં પ્રોટીન્સ સક્રિય કરે છે જે લોહીને વહેતું અટકાવે છે. કૅલ્શિયમની જેમ જ હાડકાંને હેલ્ધી રાખવા માટે વિટામિન K જરૂરી છે.

ચોમાસામાં શા માટે છે ઉત્તમ?

આ સીઝન દરમ્યાન વાયુ અને પાચનને લગતી સમસ્યાઓ સામાન્ય થઈ જાય છે. પર્પલ ભીંડામાં ભરપૂર માત્રામાં ડાયટરી ફાઇબર હોય છે. આ ફાઇબર ગટમાં રહેલા ગુડ બૅક્ટેરિયાને પોષણ આપે છે જેને કારણે પાચનક્રિયા સ્મૂધ બને છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત ભીંડામાં રહેલી ચીકાશ પેટના અંદરના સ્તરને સુરક્ષિત રાખે છે જે ઍસિડિટી અને ગૅસની સમસ્યામાં રાહત આપે છે. પર્પલ ભીંડાને વધુ પડતા ગરમ કરવામાં આવે અથવા લાંબો સમય રાંધવામાં આવે ત્યારે એનો પર્પલ રંગ ઝાંખો પડીને લીલો કે કથ્થઈ થઈ જાય છે. એનાં ઍન્થોસાયનિન અને અન્ય પોષક તત્ત્વો જાળવી રાખવા માટે એને ઓવરકુક ન જોઈએ. એને થોડા સાંતળી લેવા, રોસ્ટ કરવા અથવા શાક કે ગ્રેવી તૈયાર થઈ ગયા પછી છેલ્લી મિનિટોમાં ઉમેરીને રાંધવા હિતાવહ છે.

health tips healthy living life and style lifestyle news columnists