✕

કૂતરું કરડે ત્યારે એને હડકવા હોય કે ન હોય, તમે રસી લઈ લો

28 September, 2026 02:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

 કોઈ પણ સંજોગોમાં પ્રાણી કરડે ત્યારે સુરક્ષા માટે રસી લઈ જ લેવી. રસી લેવાથી કોઈ નુકસાન નથી, પરંતુ ન લેવાથી એ જીવલેણ બની શકે છે. આજે વર્લ્ડ રેબીઝ ડે નિમિત્તે એની રસીનું મહત્ત્વ સમજી લઈએ અને સાવધાનીનાં પગલાં પણ જાણી લઈએ

રેબીઝ

કૂતરું કે અન્ય કોઈ હડકાયું પ્રાણી કરડે ત્યારે રેબીઝ કે હડકવા થવાનું જોખમ રહે છે. રેબીઝ એક પ્રકારનો વાઇરસ છે જે પ્રાણીને અસર કરે છે. એ પ્રાણી પણ એનાથી મરી જાય છે અને આ પ્રાણી જો માણસને કરડે કે બીજી કોઈ રીતે પણ આ વાઇરસ માણસના સંપર્કમાં આવે તો તાત્કાલિક ઉપાય ન કરો તો એ વ્યક્તિના મૃત્યુ માટે પણ જવાબદાર બને છે. આમ તો કોઈ પણ પ્રાણી દ્વારા આ રોગ ફેલાઈ શકે છે; પરંતુ મોટા ભાગે કૂતરા, વાંદરા અને બિલાડી દ્વારા આ રોગ ફેલાતો હોય છે. સૌથી વધુ તો એ કૂતરા દ્વારા જ ફેલાતો જણાય છે. આમ રેબીઝ એ એક અત્યંત ગંભીર અને ઘાતક વાઇરલ ઇન્ફેક્શન છે, પરંતુ સાચી અને સમયસરની સારવારથી એનાથી ૧૦૦ ટકા બચી શકાય છે.
આ વાઇરસ પ્રાણીની લાળમાં હોય છે. એ જ્યારે કરડે કે ફક્ત નહોર પણ માર્યા હોય તો એ વાઇરસ માણસના લોહીમાં ભળે છે અને રોગનું કારક બને છે. આ કરડવાથી થતા જખમને ૩ ભાગમાં વહેંચવામાં આવતો હોય છે. એક, નાનકડો સ્ક્રૅચ જેમાં કંઈ ખાસ થતું નથી. બીજું, નૉર્મલ ઇન્જરી અને ત્રીજો પ્રકાર એવો છે જેમાં આખો માંસનો લોચો જ બહાર આવી ગયો હોય. મહત્ત્વનું એ છે કે ત્રણેય પ્રકારમાં રસી લેવી જરૂરી છે. પ્રાણીને હડકવા હોય કે ન હોય, જ્યારે પ્રાણીને કારણે કોઈ પણ લેવલની ઇન્જરી તમને થઈ હોય - જેમ કે ફક્ત નખ માર્યા હોય, દાંત બેસાડ્યા હોય કે મોટું બટકું ભર્યું હોય - તાત્કાલિક જઈને રસી લેવી જરૂરી છે. એટલે રાહ જોયા વગર તાત્કાલિક ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ.

૧. ત્વરિત પ્રાથમિક સારવાર (First Aid) - સૌથી મહત્ત્વનું પગલું

• ઘાને તરત જ ધોવો : કરડેલા ભાગને નળના વહેતા પાણી અને સાબુથી ઓછામાં ઓછી ૧૫ મિનિટ સુધી સતત અને સારી રીતે ધોવો. આનાથી વાઇરસનો મોટા ભાગનો હિસ્સો ઘામાંથી સાફ થઈ જાય છે.
• ઍન્ટિ-સેપ્ટિક લગાવો : ધોયા પછી ઘા પર ડેટોલ, સેવલોન, આયોડિન અથવા સ્પિરિટ લગાવો.
• ઘાને ખુલ્લો રાખો : ઘા પર પાટો બાંધવો નહીં કે પટ્ટી ચોંટાડવી નહીં. ઘા ખુલ્લો રાખવો જેથી ચેપ વધે નહીં.

૨. ગેરમાન્યતાઓથી બચો

• ઘા પર મરચું, હળદર, ચૂનો, બળતણ તેલ, કેરોસીન કે પાંદડાં જેવી દેશી વસ્તુઓ ક્યારેય ન લગાવો. આનાથી ઇન્ફેક્શન વધવાનું જોખમ રહે છે.
• ડૉક્ટરની સલાહ વિના ઘા પર ટાંકા ન લેવડાવવા.

૩. તાત્કાલિક તબીબી સારવાર અને રસી

• તરત જ ડૉક્ટર પાસે જાઓ: કરડ્યાના ૨૪ કલાકની અંદર ડૉક્ટર કે સરકારી હૉસ્પિટલનો સંપર્ક કરવો.
• ઍન્ટિ-રેબીઝ વૅક્સિન: ડૉક્ટરની સલાહ મુજબ રેબીઝવિરોધી રસીના પૂરા ડોઝ લેવા. સામાન્ય રીતે આ રસી ૦, ૩, ૭, ૧૪ અને ૨૮મા દિવસે આપવામાં આવે છે.
• રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન: જો ઘા ઊંડો હોય અથવા લોહી નીકળ્યું હોય તો ડૉક્ટર વૅક્સિનની સાથે ‘ઇમ્યુનોગ્લોબ્યુલિન’નું ઇન્જેક્શન પણ આપે છે, જે ઘાની આસપાસ તરત જ ઍન્ટિ-બૉડી આપે છે.
• ધનુરનું ઇન્જેક્શન : જો છેલ્લા ૬ મહિનામાં ધનુરનું ઇન્જેક્શન ન લીધું હોય તો એ પણ લેવું જરૂરી છે.

૪. કૂતરાની રસીકરણની વિગત

• જો તમને પાળેલો કૂતરો કરડ્યો હોય અને એને રેબીઝની રસી આપેલી હોય તો પણ ડૉક્ટરની સલાહ લેવી અને તેમની સૂચના મુજબ જ સારવાર આગળ વધારવી. રેબીઝનાં લક્ષણો એક વાર શરૂ થઈ જાય પછી એની કોઈ સારવાર નથી એટલે સમયસર લેવાયેલી રસી જ આનો એકમાત્ર બચાવ છે.

 ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ-રિસર્ચ-નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એપિડેમિયોલૉજીના અંદાજ મુજબ ૨૦૨૪માં ૯૧ લાખ લોકોને પ્રાણી કરડ્યાં હતાં. એમાંથી ૮૦ ટકા કૂતરું કરડવાના કેસ હતા. ૯૯ ટકા કેસમાં માણસોને કૂતરું કરડવાથી જ હડકવા થયો હોવાનું નોંધાયું છે. થોડાં વર્ષો પહેલાં વર્ષે ૨૦,૦૦૦ મૃત્યુ હડકવાથી થતાં હતાં. ૨૦૨૫માં ૫૭૨૬ મૃત્યુ થયાં હતાં. હવે વૅક્સિન બાબતે જાગૃત થઈએ તો આ તમામ મૃત્યુ નિવારી શકાય. 

lifestyle news life and style healthy living health tips gujarati mid day