મૂળાનાં પાન ફેંકી ન દેતા

05 February, 2025 08:38 AM IST  |  Mumbai | Rajul Bhanushali

શિયાળામાં જો રોજ ૧૦૦ ગ્રામ મૂળાનાં પાન ખાઈ લો તો આખા દિવસનું પોષણ મળી જાય છે

મૂળાનાં પાન

એ ભાજી તમને અકાળ વૃદ્ધત્વથી બચાવે છે અને એમાં કૅન્સર સામે રક્ષણ આપવાના ગુણો પણ રહેલા છે. એવું કહેવાય છે કે શિયાળામાં જો રોજ ૧૦૦ ગ્રામ મૂળાનાં પાન ખાઈ લો તો આખા દિવસનું પોષણ મળી જાય છે. તો ચાલો વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોવા છતાં ખૂબ અવગણાયેલી મૂળાની ભાજીના ફાયદા વિસ્તારથી સમજીએ

સામાન્ય રીતે એવું થાય કે લોકો મૂળાનું કંદ એટલે કે સફેદ ભાગ ખાય પણ એનાં પાન ફેંકી દેતા હોય છે. પરંતુ મૂળાનાં પાનમાં પણ ખૂબ પોષણ રહેલું છે. એમાં ભરપૂર ફાઇબરની સાથે ઘણાંબધાં વિટામિન્સ અને મિનરલ્સ છે તેમ જ એ ઘણીબધી બીમારીઓમાં ઔષધ તરીકે પણ ફાયદાકારક છે. કહેવાય છે કે જો દિવસમાં ૧૦૦ ગ્રામ મૂળાનાં પાન લેવાય તો આખા દિવસનું પોષણ એમાં મળી જાય છે. મૂળાનાં પાન અત્યંત પૌષ્ટિક છે અને એ ચોક્કસપણે ખાવાં જોઈએ એવું જણાવતાં જસલોક હૉસ્પિટલનાં હેડ ડાયટિશ્યન ઉષાકિરણ સિસોદિયા કહે છે, ‘મૂળા રૂટ વેજિટેબલ એટલે કે કંદ છે. એનો સફેદ ભાગ તો બધા જ ખાતા હોય છે પરંતુ મોટા ભાગના લોકો પાન ફેંકી દેતા હોય છે. પાનમાં ભરપૂર ફાઇબર અને ઍન્ટિઑક્સિડન્ટ્સ રહેલાં છે. મૂળામાં ઍન્ટિએજિંગ અને ઍન્ટિકૅન્સરસ ગુણ રહેલા છે. એમાં બિટા કૅરોટિન અને વિટામિન A છે જે લિવરના સ્વાસ્થ્ય અને સ્કિન માટે ખૂબ ફાયદાકારક છે. મૂળાનાં પાનમાં ભરપૂર ફાઇબર છે એટલે જેમને કૉન્સ્ટિપેશન રહેતું હોય તેમણે ચોક્કસપણે ખાવાં જોઈએ. કબજિયાતની સખત તકલીફ રહેતી હોય તો પાનનો જૂસ કાઢીને પીવો. એ ઉપરાંત એમાં કૅલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે લોકો રેગ્યુલરલી કૅલ્શિયમની દવા લેતા હોય એ લોકો નિયમિત સેવન કરે તો ઘણો ફાયદો થઈ શકે એમ છે. શુગર હાઈ રહેતી હોય કે બ્લડપ્રેશર હાઈ રહેતું હોય તેમના માટે પણ મૂળાનાં પાન અત્યંત ઉપકારક છે. આ શાકભાજીમાં પોટૅશિયમ ભરપૂર માત્રામાં છે એટલે જેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હોય કે જે લોકો બ્લડ થિનર લેતા હોય તેમણે પણ પાન સહિત મૂળા ખાવા જોઈએ. આ શાકભાજીમાં જે ફાઇબર હોય છે એને ડાઇજેસ્ટ થતાં ત્રણથી ચાર કલાક લાગે છે. સૅલડમાં મૂળા ખાધા હોય તો ઘણા લાંબા સમય સુધી પેટ ભરાયેલું રહે છે. વજન ઘટાડવાનો પ્રયત્ન કરતા લોકોએ પણ મૂળા ખાવા જોઈએ. એનાથી ફાયદો થાય છે. એક મહત્ત્વની વાત ધ્યાનમાં રાખવી કે આજકાલ શાકભાજી ઉગાડવામાં ખૂબબધાં પેસ્ટિસાઇડ્સ વાપરવામાં આવે છે એટલે ખાતાં પહેલાં મૂળા હોય કે અન્ય કોઈ પણ શાકભાજી, એને પાણીમાં બોળીને રાખવાં અને પછી સરખાં ધોઈને ઉપયોગ કરવો.’

આયુર્વેદ મુજબ ત્રિદોષશામક

મૂળાને સંસ્કૃતમાં મૂલક કહેવામાં આવે છે એમ જણાવતાં આયુર્વેદાચાર્ય ડૉ. રાજેશ્વરી બુચ કહે છે, ‘એને ત્રણ ભાગમાં વહેંચાય છે. પાન, ફળ એટલે કે મૂળો પોતે અને એની શિંગ એટલે કે મોગરી. મૂળાનાં પાનનો રસ કટુ એટલે કે તીખો છે અને ગુણ ગુરુ છે. એ પચવામાં થોડાક ભારી છે પરંતુ વિષ્ટંભી દોષની દૃષ્ટિએ જોઈએ તો એનાથી ત્રિદોષશમન થાય છે. એ વિષહર છે એટલે કે પેટમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય, જૂનો મરડો હોય, ગ્રહણી હોય એવા ઇન્ફેક્શનના ઉપચારમાં મૂળાનાં પાન ખૂબ ઉપયોગી સાબિત થાય છે. માત્ર એક જ વાત ધ્યાન રાખવાની છે કે કાચા ખાઈએ તો પચવામાં ભારે પડે છે અને એના ગુણોનો પૂરો લાભ નથી મળતો.’

મૂળાનાં પાન કેવી રીતે ખાવાં?

મૂળાનાં પાનને ઝીણાં સમારીને એને તલના તેલમાં કે પછી જે તેલ તમે વાપરતા હો એમાં રાઈ, મેથી અને હિંગ નાખીને વઘારી નાખવાનાં. એને ગુજરાતીમાં સંભારો કે ખારિયું કહેવાય. આ રીતે પાનનો ઉપયોગ કરવાથી પૂરેપૂરું પોષણ મળે છે અને સહેલાઈથી પચી પણ જાય છે. મૂળાનાં પાનમાં ચણાનો લોટ નાખીને ભાજી પણ બનાવી શકાય છે. આ ભાજી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. જેને વજન ઓછું કરવું છે તેમણે આ શાક ખાવું જોઈએ કારણ કે ચણાનો લોટ નાખવાથી એમાંથી ભરપૂર પ્રોટીન મળે છે પ્લસ ફાઇબર પણ મળે છે. બાળકોને મૂળાની ભાજી ન ભાવતી હોય તો આ જ ભાજી ભરીને સ્ટફ્ડ પરાઠાં બનાવી શકાય. મૂળાની રગડ એટલે કે કઢી પણ બનાવી શકાય જે બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે.

બીજું, મૂળાનાં પાનમાં વિટામિન B6 ભરપૂર પ્રમાણમાં છે. તેમ જ પોટૅશિયમ, ફોલિક ઍસિડ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, એસ્કૉર્બિક ઍસિડ, રીબોફ્લેવિન એટલે કે વિટામિન B2, કૉપર વગેરે ભરપૂર પ્રમાણમાં મળી આવે છે જે શરીરની ઇમ્યુનિટી વધારે છે. સૉર થ્રોટમાં એટલે કે કફના લીધે ગળું બેસી ગયું હોય અને સૉરનેસ લાગતી હોય તો એમાં પણ મૂળાનાં પાનની ભાજીનો ઉપયોગ ફાયદાકારક નીવડે છે.

મૂળો પણ છે ફાયદાકારક

મૂળાના સફેદ ભાગના ગુણો વિશે ડૉ. રાજેશ્વરી બુચ કહે છે, ‘એનો રસ પણ તીખો છે, કડવો છે અને મધુર છે. એના ગુણ લઘુ અને તીક્ષ્ણ છે તેમ જ એ મળનું નિષ્કાસન કરનાર છે એટલે કે એ કબજિયાતમાં ખૂબ ફાયદાકારક છે. એનું વીર્ય પણ ઉષ્ણ છે એટલે તાસીર ગરમ છે. ત્રિદોષશામક છે. એટલે કે વાત, પિત્ત અને કફનું શમન કરે છે. ઇમ્યુનિટી પણ વધારે છે. સૉર થ્રોટમાં પણ ઉપયોગી છે પરંતુ ગરમ તાસીર હોવાથી મૂળાનાં ફળ એટલે કે સફેદ ભાગને પણ અલ્સર અને ગૅસ્ટ્રાઇટિસમાં ખાવું સલાહભર્યું નથી. એ ઉપરાંત મૂત્ર વિકાર સંબંધી કોઈ પણ રોગમાં મૂળાના ફળનો ઉપયોગ કરવો જોઈએ. જેમને યુરિન અટકી-અટકીને આવતું હોય, બળતરાથી આવતું હોય કે સોજા રહેતા હોય તેમના માટે પણ મૂળો ઉત્તમ ઔષધી છે. કમળો, રૂમેટૉઇડ આર્થ્રાઇટિસ જેવી બીમારીમાં પણ ઘણો કારગત નીવડે છે. એમાં ઘણાંબધાં વિટામિન્સ અને મિનરલ્સ આવેલાં હોવાથી તે ડાયાબિટીઝ પણ પ્રિવેન્ટ કરે છે. આ ઉપરાંત જેને બૉડી ડીટૉક્સ કરવું હોય તેના માટે મૂળો ઉત્તમ ફળ છે. મૂળાનો ત્રીજો ભાગ એટલે એની શિંગને મોગરી કહેવામાં આવે છે. મોગરીમાં પણ એ જ ગુણ છે જે મૂળામાં છે. એનો રસ પણ તીખો, કડવો અને મધુર છે. એના ગુણ પણ લઘુ, તીક્ષ્ણ અને મળનું નિષ્કાસન કરનાર છે. વીર્ય ઉષ્ણ છે અને એ વાત અને કફનું શમન કરે છે. જનરલી મોગરીનું અથાણું કરવામાં આવે છે. મૂળા અને એનાં પાનના પ્રમાણમાં એ ઓછી લેવી જોઈએ. મોગરીને તેલનો વઘાર કરીને સંભારો બનાવીને ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે. એના ગુણ જોઈએ તો એ બળ આપનાર, પાચન કરનાર છે. રુચિવર્ધક છે તેમ જ હ્રય છે એટલે હૃદય માટે ફાયદાકારક છે અને કંઠ્ય છે એટલે જે લોકો ગાયન સાથે સંકળાયેલા હોય કે ટીચર અથવા પ્રોફેસર હોય, જેમને ખૂબ બોલવાનું થતું હોય તેમના માટે ઉત્તમ ઔષધી છે. એ મૂત્રદોષ અને નાભિશૂળનો પણ નાશ કરે છે અને ધાધર જેવા ચામડીના રોગોમાં  પણ ઉપયોગી છે.’

કુમળો મૂળો અને ભાજી બેસ્ટ
આયુર્વેદમાં સદાપથ્ય આહારમાં બાલમૂલકનો સમાવેશ થયો છે. બાલમૂલક એટલે નાના મૂળા. બાલમૂલક મૂળા તમે રોજેરોજ ખાઈ શકો એટલે કે એનું નિત્ય સેવન કરી શકો. એ હંમેશાં બળ આપનાર અને ત્રિદોષનું શમન કરનાર છે. એટલા માટે બાલમૂલકનું વર્ણન આયુર્વેદના દરેક ગ્રંથમાં મળે છે અને એનો નિત્ય સેવનીય આહાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મૂળાના પંચાંગને સૂકવીને ઉકાળો કરીને પીવામાં આવે તો મૂત્ર સંબંધિત ઘણા રોગોમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટ તરીકે આપી શકાય છે.

health tips ayurveda diet skin care diabetes life and style indian food columnists