વજન ઘટાડ્યા પછી છાતીના ભાગની ચરબીને કારણે શરમ આવે છે

22 April, 2024 08:10 AM IST  |  Mumbai | Dr. Mukul Choksi

એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જો હજીયે હૉર્મોનલ અસંતુલન હશે તો એક વાર સર્જરી કરાવ્યા પછી ફરીથી આ જ સમસ્યા ઊભી થઈ શકે છે.

પ્રતીકાત્મક તસવીર

અંતરંગ જીવનની સમજણ કિશોરાવસ્થાથી જ આપવી જોઈએ એવું હું જ નહીં, ઘણા નિષ્ણાતો કહેતા આવ્યા છે. સૌથી મોટી મૂંઝવણ યૌવનપ્રવેશકાળ દરમ્યાન વ્યક્તિને પોતાનાં અંગઉપાંગોના વિકાસ વિશેની હોય છે. જે અંગ સ્ત્રીશરીરને કમનીય બનાવે છે એ જ અંગ જો છોકરાઓમાં સહેજ પણ વધે તો એનાથી લઘુતાગ્રંથિ આવવા લાગે છે. મારી પાસે ખાસ કરીને કુમળા યુવાનો આવે છે. એક કિસ્સો કહું. નાનપણથી ગોળમટોળ બાંધો ધરાવતા એક છોકરાને ટીનેજ પછી લાગ્યું કે બૉડીને કસદાર બનાવવી જોઈએ. તેણે કસરત અને ડાયટ કરીને ખાસ્સું પચીસેક કિલો વજન ઘટાડ્યું, પણ છાતીના ભાગમાં છોકરીઓ જેવો ઉભાર રહી ગયો. પહેલાં ચરબીને કારણે ખબર નહોતી પડતી, પણ હવે શરીરના બીજા ભાગની ચરબી ઘટી છે ત્યારે ઉભાર વધુ સ્પષ્ટ થઈ ગયો. દાઢી-મૂછ બરાબર ઊગી છે, પણ છાતીના ભાગની ચરબી તેને લઘુતાગ્રંથિ અપાવે છે. બસ તેને ઑપરેશન કરીને છાતીની ચરબી ઘટાડવી જ હતી.

આવા સમયે થાય શું? જરા સમજીએ. મેદસ્વી શરીર હોય ત્યારે શરીરના અન્ય ભાગોની સરખામણીએ ખભા, છાતી અને પેટ પરની ચરબી ઘટાડવામાં સૌથી વધુ તકલીફ પડે છે. જોકે એક વાત સમજવી જરૂરી છે કે ભારે શરીર ધરાવતા પુરુષોમાં છાતી એકદમ સપાટ નથી હોતી. હા, ઘણા છોકરાઓમાં પ્યુબર્ટી-એજ દરમ્યાન હૉર્મોન્સમાં આવતા ફેરફારને પગલે છાતીનો ઉભાર આવી ગયેલો જોવા મળે છે. ઘણા કિસ્સામાં આ સમસ્યા ટેમ્પરરી હોય છે. હૉર્મોનલ સંતુલન આવી જતાં બધું બરાબર થઈ જાય છે. તમે જે કસરતો કરો છો એ શરીરના ઉપરના ભાગના સ્નાયુઓને મજબૂત કરવા અને ચરબી ઘટાડવા માટે સારી છે. માત્ર ટાઇટ ગંજીથી ઉભાર નથી દેખાતો. હું હંમેશાં કહેતો હોઉં છું કે આવા કેસમાં કૉસ્મેટિક સર્જરીમાં પડવાની જરૂર નથી. એ છતાં તમે વધારાની ચરબી દૂર કરવી જ હોય તો એ માટે ચોક્કસ એક્સરસાઇઝ વધુ મદદરૂપ થશે.  

એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે જો હજીયે હૉર્મોનલ અસંતુલન હશે તો એક વાર સર્જરી કરાવ્યા પછી ફરીથી આ જ સમસ્યા ઊભી થઈ શકે છે. માટે ફૂલપ્રૂફ રહેવા માટે એક વાર સારા એન્ડોક્રાઇનોલૉજિસ્ટને કન્સલ્ટ કરીને હૉર્મોન્સના સંતુલનની ચોકસાઈ કરી લો અને પછી સર્જરી વિશેનો મત તેની પાસેથી જાણી શકો છો, પણ સર્જરી માટે ઉતાવળ ન કરો એ જ લાંબા ગાળે હિતમાં છે.

health tips life and style columnists