ડાયાબિટીઝને પાછો ધકેલવો છે? તો જરૂરી છે પ્રતિબદ્ધતા અને શિસ્ત

10 December, 2025 02:28 PM IST  |  Mumbai | Jigisha Jain

ડાયાબિટીઝને પાછો મોકલવો શક્ય છે પણ એના માટે જે મહેનત કરવી પડે છે એ સરળ નથી. એમાં લાઇફસ્ટાઇલ ધરમૂળથી બદલાવવી પડે છે.

પ્રતીકાત્મક તસવીર

ડાયાબિટીઝને પાછો મોકલવો શક્ય છે પણ એના માટે જે મહેનત કરવી પડે છે એ સરળ નથી. એમાં લાઇફસ્ટાઇલ ધરમૂળથી બદલાવવી પડે છે. પોષણયુક્ત ખોરાક, રેગ્યુલર એક્સરસાઇઝ, વ્યવસ્થિત ઊંઘ, સ્ટ્રેસનું સારું મૅનેજમેન્ટ અને વ્યસન વગરનું જીવન આ બધું જ જ્યારે અચીવ કરો ત્યારે ડાયાબિટીઝને રિવર્સ કરી શકાય છે. અઘરો લાગતો આ ટાસ્ક વ્યાપક સ્વરૂપમાં જોઈએ ત્યારે લાગે કે અત્યંત જરૂરી છે. મજા મન ભરીને ગુલાબજાંબુ ખાવામાં નહીં, બે વર્ષ સ્વસ્થ બનીને જીવવામાં છે એ સમજણ ડેવલપ કરવી જરૂરી છે. આજે સમજીએ કે ડાયાબિટીઝને પાછો ધકેલવા માટે કઈ રીતે સજ્જ થઈ શકાય.

ડાયાબિટીઝ એક એવી અવસ્થા છે જે ક્વૉલિટી ઑફ લાઇફ અને ક્વૉન્ટિટી ઑફ લાઇફ બન્ને ઘટાડે છે એટલે કે જીવનનાં વર્ષો ઓછાં કરે છે અને જેટલું જીવી રહ્યા છીએ એ જીવનને પણ પૂરી રીતે જીવી નથી શકાતું. લોકો માને છે કે આ રોગ એક વખત આવી ગયો પછી દવાઓ અને ઇન્સ્યુલિન પર જ જીવન પસાર થાય છે. જોકે એવું નથી, સાયન્સ સાબિત કરી ચૂક્યું છે કે ડાયાબિટીઝને તમે પાછો ધકેલી શકો છો. આંકડાઓ કહે છે કે ડાયાબિટીઝની શરૂઆતનાં ૭ વર્ષમાં જો તમે કોશિશ કરી તો ૧૦૦ ટકા એ પાછો જતો રહે છે અને ૮-૧૭ વર્ષ દરમિયાન જો કોશિશ કરવામાં આવે તો ૯૦ ટકા શક્યતા છે કે તમારો ડાયાબિટીઝ રિવર્સ થઈ શકે. ઘણા વિરલાઓ સમાજમાં જોવા મળે પણ છે જે આ રોગને પાછો ધકેલવામાં સફળ રહ્યા છે. આ રોગ એકદમ શરૂઆતનો હોય, પ્રી-ડાયાબેટિક સ્ટેજ પર તમે હો ત્યારે જો આ બાબતે કોશિશ કરો તો સરળતાથી આ રોગ પાછો ધકેલી શકાય છે. જો તમે કેટલાંક વર્ષોથી ડાયાબિટીઝના દરદી હો અને ઇન્સ્યુલિન પર પણ જતા રહ્યા હો તો પણ એને રિવર્સ કરી શકાય છે. મહેનત વધુ લાગશે પણ આ ચમત્કાર શક્ય છે, કારણ કે શરીર પોતાને હીલ કરવા સક્ષમ છે. તમારે બસ એની કાળજી રાખવી જરૂરી છે. આજે સમજવાની કોશિશ કરીએ કે ડાયાબિટીઝને રિવર્સ કરવાનો આ અઘરો ટાસ્ક કઈ રીતે શક્ય બને છે.

સમય

જ્યારે તમે નક્કી કરો કે ડાયાબિટીઝ જેવો રોગ મને મારા જીવનમાં જોઈએ જ નહીં અને હું એનાથી છુટકારો પામવા માગું છું ત્યારે સૌથી પહેલાં એ સમજવું કે એના માટે સમય જોઈશે. લાઇફસ્ટાઇલ બદલવા માટે અઢળક પ્લાનિંગ કરવું પડે છે. એ પ્લાનિંગ પાછળ સમય જોઈએ. શું ખાવું-શું ન ખાવું, ક્યારે બનાવવું, દિવસના કયા સમયે એક્સરસાઇઝ કરવી, કઈ રીતે એના માટે દરરોજ સમય કાઢવો, એ જાતે કરવી કે કોઈ એક્સપર્ટની મદદ લેવી, જો એ મદદ લો તો તેમનો સમય સાચવવો. આમ ડાયાબિટીઝ રિવર્સ કરવા માટે પ્લાનિંગ જરૂરી છે અને એના માટે સમય જરૂરી છે. શરૂઆતમાં આ સમય કાઢવો અઘરો છે, પછી એ રૂટીન બની જશે.

ધીરજ અને પ્રતિબદ્ધતા

ડાયાબિટીઝ રાતોરાત રિવર્સ થતો નથી એટલે ધીરજ જોઈશે એમ સમજાવતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘ઘણી વાર આરંભે શૂરાની જેમ વ્યક્તિ લાઇફસ્ટાઇલ બદલવા માટે પ્રયત્નો કરવા લાગે છે પણ પછી કરતાં-કરતાં તેને એ કઠવા લાગે છે. તેને થાય છે કે આ બધું ક્યાં સુધી કર્યા કરવાનું? ઍવરેજ ડાયાબિટીઝ રિવર્સ થતાં ૧-૨ વર્ષની મહેનત અનિવાર્ય હોય છે. જેવી તમે મહેનત શરૂ કરો તો તમને રિઝલ્ટ મળશે, પણ એ રિઝલ્ટ ટકી રહે એ માટે ધીરજ જરૂરી છે.’

ડાયાબિટીઝને રિવર્સ કરવા માટે જે પ્રતિબંધ તમે પોતાના જીવનમાં લગાવ્યા છે એ ટકાવી રાખવા અઘરા છે. હોમિયોપૅથ અને ન્યુટ્રિશનિસ્ટ ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘ડાયાબિટીઝને પાછો ભગાડવા જે બદલાવ તમારે જીવનમાં લાવવાનો છે એ બદલાવ લાવવો સહજ કે સરળ નથી જ. એટલે એ બાબતે પ્રતિબદ્ધતા જોઈશે. એક વખત આ રસ્તે ચાલી નીકળવું સહેલું છે પણ એના પર ટકવું અઘરું છે એટલે માર્ગ ભટકવાનો નથી એ ખુદને સમજાવવું. ચાલશે, ફાવશેવાળો ઍટિટ્યુડ પણ નહીં જોઈએ. આજે એક દિવસ બહારનું ખાઈ લીધું તો ચાલશે કે એક દિવસ એક્સરસાઇઝ માટે સમય ન મળ્યો તો ફાવશે એ નહીં ચાલે. માનસિક રીતે સ્ટ્રૉન્ગ બનવું જરૂરી છે. લાઇફસ્ટાઇલમાં બદલાવ ધરમૂળથી લાવવાનો હોય ત્યારે ચાલશે-ફાવશે કામ કરતું નથી. શરૂઆતમાં તકલીફ પડશે પણ એક વખત રિઝલ્ટ મળવાનું શરૂ થશે પછી એ લાઇફસ્ટાઇલ પર ચાલવાનું સરળ રહેશે.’

વેઇટલૉસ

આ શબ્દ જેટલો સામાન્ય રીતે સાંભળવા મળી રહ્યો છે એટલો જ એના પર અમલ અઘરો છે. એક સમયે જે ઇશ્ક માટે કહેવાતું હતું એ વેઇટલૉસ માટે કહી શકાય કે યે વેઇટલૉસ નહીં આસાન બસ ઇતના સમઝ લીજે, આગ કા દરિયા હૈ ઔર ડૂબ કે જાના હૈ. એ સરળ એટલે નથી કારણ કે વર્ષોથી શરીર જે અવસ્થામાં છે એને ધરમૂળથી બદલવાની આ વાત છે. એ વિશે વાત કરતાં ડૉ. કોમલ ગાંધી કહે છે, ‘ડાયાબિટીઝ માટે વધેલું વજન, એમાં પણ ખાસ કરીને પેટની આસપાસનો ઘેરાવો એક મોટું ટ્રિગર સાબિત થાય છે. જો એને પાછો ભગાડવો હોય તો વજન ઉતારવું અત્યંત જરૂરી છે. શરૂઆત ૫-૧૦ ટકા જેટલા વજનથી કરવી. વજન ઉતારવું જેટલું જરૂરી છે એટલું જ મહત્ત્વનું એ છે કે એ સાચી રીતે ઉતારવું. દર મહિને ૨-૩ કિલો ઉતારવાનો ટાર્ગેટ રાખવો. જેવું વજન ઊતરશે એવો ડાયાબિટીઝ ઠીક થવા લાગશે, જે ચમત્કારિક પરિણામો આવશે એ વજન ઉતરવાને કારણે જ આવશે. પણ ખોટા રસ્તે એટલે કે વધુપડતા ભૂખ્યા રહીને કે એક્સરસાઇઝમાં અતિ કરીને વજન ઉતારવાની કોશિશ કરી તો ઊલટું નુકસાન થઈ જશે. વેઇટલૉસ કરવાનું ગમેતેટલું અઘરું હોય, એમાં શૉર્ટકટ અપનાવવાનો નથી. રસ્તો કઠિન છે પણ શિસ્ત અને પ્રતિબદ્ધતા સાથે પાર કરી શકાશે.’

ઍક્ટિવિટી અને એક્સરસાઇઝ

ડાયાબિટીઝને પાછો ધકેલવા તમારે બેઠાડુ જીવનને ત્યાગવું જરૂરી છે. એ વિશે વાત કરતાં ડાયાબેટોલૉજિસ્ટ ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘ડાયાબિટીઝના દરદીઓએ દિવસનો એક કલાક એક્સરસાઇઝને આપવો ખૂબ જરૂરી છે, જેમાં ફક્ત ચાલવું પૂરતું નથી. ચાલવાથી શરૂઆત કરો પણ પછી આગળ વધો. શરીરને કસવાની વાત છે. એક જ પ્રકારની એક્સરસાઇઝથી શરીર ટેવાઈ જાય છે. એટલે સતત એને ચૅલેન્જ કરવું જરૂરી છે. ડાયાબિટીઝના દરદીઓ માટે વેઇટ-ટ્રેઇનિંગ અત્યંત જરૂરી એક્સરસાઇઝ છે. આદત ન હોય તો ધીમે-ધીમે પણ આ એક્સરસાઇઝથી સ્નાયુ સશક્ત બને છે અને ઇન્સ્યુલિનનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકે છે. લોકો વેઇટ-ટ્રેઇનિંગને યુવાનોની એક્સરસાઇઝ તરીકે જુએ છે, પણ એવું નથી. કોઈ પણ ઉંમરે જો તમને ડાયાબિટીઝ હોય તો વેઇટ-ટ્રેઇનિંગ કરવી જરૂરી છે. કૅપેસિટી પ્રમાણે એક કિલો વજનથી પણ શરૂઆત કરી શકાય. આ સિવાય અતિ મહત્ત્વની વાત એ છે કે એક કલાક એક્સરસાઇઝ કરવાથી બધું પતી નથી જતું. આખો દિવસ ઍક્ટિવ રહેવું જરૂરી છે. શરીરમાંથી આળસ છોડી, સતત ચાલવાનાં કે કામ કરવાનાં બહાનાં શોધો. દરેક વસ્તુ આજે ઘરે બેઠાં આવી જાય છે અને દરેક કામ માટે આપણી પાસે માણસો છે, પરંતુ જો ડાયાબિટીઝને પાછો ધકેલવો હોય તો એ નાનાં-નાનાં રોજિંદાં કામ જાતે કરો. કશું લેવા-મૂકવાનું, ઘરનો દરવાજો ખોલવાનો, દાદર ચડવાના, સફાઈ રાખવાનું, બહારથી સામાન લાવવાનો કે ઘરકામ જેવી ઍક્ટિવિટી સતત કરતા રહેવી.’

સ્ટ્રેસને મૅનેજ કરતાં શીખો

સ્ટ્રેસ આજની તારીખે કોને નથી? એટલે જ જીવનમાં ઓબેસિટી અને ડાયાબિટીઝ જેવા રોગો ઘૂસી ગયા છે. એ સ્ટ્રેસને દૂર કરી શકાય નહીં તો એ સ્ટ્રેસને મૅનેજ કરતાં શીખવું જરૂરી છે. આ સંદર્ભમાં યોગગુરુ હંસા યોગેન્દ્ર કહે છે, ‘શ્વાસમાં ઘણી શક્તિ છે. એ તમારા માનસિક અને શારીરિક સંતુલનને ખોરવવા દેતા નથી. આજના સમયમાં કોઈ વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય પર કામ કરવા ઇચ્છતી હોય તો તેણે તેના શ્વાસ પર કામ કરવું જરૂરી છે. દરરોજની દસ મિનિટની પ્રૅક્ટિસ તમારા જીવનમાં ઘણા મોટા બદલાવ લાવી શકવા સમર્થ છે એ યાદ રાખો. ઘણા જુદા-જુદા પ્રાણાયામ છે. દરેક પ્રાણાયામ જુદી-જુદી રીતે અત્યંત લાભ પ્રદાન કરે છે. પણ મહત્ત્વનું છે કે એની દૈનિક પ્રૅક્ટિસ કરવી. યોગને જીવનમાં સ્થાન આપો. યોગમાં જે સ્નાયુ સ્ટ્રેચ થાય છે અને પછી જ્યારે એ સ્નાયુને ઢીલો મૂકીએ તો એને કારણે લોહીનું પરિભ્રમણ વધે છે. આ ક્રિયા ડાયાબિટીઝમાં ઘણી લાભ કરે છે.’

કાયમી બદલાવ

જેને ડાયાબિટીઝ છે એ વ્યક્તિએ જીવનભર સારી જ લાઇફસ્ટાઇલ સાથે જીવવાનું છે એ નક્કી બાબત છે. તો અત્યારે મહેનત કરો છો અને પછી એક વખત ડાયાબિટીઝ જતો રહ્યો પછી પહેલાં જેવું જીવન ફરીથી જીવી શકાશે એવી આશા ખોટી છે એ સમજાવતાં ડૉ. પ્રદીપ ગાડગે કહે છે, ‘ખરાબ લાઇફસ્ટાઇલને કારણે જ તમારો ડાયાબિટીઝ ટ્રિગર થયો છે એટલે સારી લાઇફસ્ટાઇલ જેમાં પોષણયુક્ત ભોજન, દરરોજની એક્સરસાઇઝ, ઍક્ટિવ લાઇફ, પૂરતી સારી ઊંઘ, વ્યસનરહિત જીવન, સારું માનસિક સ્વાસ્થ્ય આ બધું જ આવે છે એ અપનાવવી પડે. જો નીરોગી જીવવું હોય તો એક-બે મહિના કે એક-બે વર્ષ પૂરતું તમારે બદલાવાનું નથી, આ જે બદલાવ છે એ જીવનભર માટેનો છે એ મગજમાં દૃઢ કરીને જ શરૂઆત કરો.’

શું ન કરવું?

ડાયાબિટીઝ રિવર્સ કરવાનું વિચારતા હો ત્યારે જો દવાઓ કે ઇન્સ્યુલિન પહેલેથી લેતા હો તો એ તરત છોડવાની ભૂલ ન કરવી. દવાઓ અને ઇન્સ્યુલિનનું મૅનેજમેન્ટ તમારા ડૉક્ટર પર છોડો. રેગ્યુલર શુગર ચેક કરતા રહેવી. અને એ ચાર્ટ ડૉક્ટરને બતાવીને તે કહે ત્યારે દવાઓ કે ઇન્સ્યુલિન ઓછાં કરવાં. પ્રોફેશનલ મદદ સતત લેવી. ડૉક્ટર, ડાયટિશ્યન, ટ્રેઇનર બધા મળીને તમારા પર કામ કરશે તો ડાયાબિટીઝને રિવર્સ કરવો સરળ બનશે.

diabetes health tips healthy living life and style lifestyle news columnists Jigisha Jain