પહેલાં માણસોની એકાગ્રતાનો સમય ૩૦ મિનિટ જેટલો હતો, હવે ૯ સેકન્ડ પણ ધ્યાન ચોંટતું કેમ નથી?

18 April, 2025 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

AIIMS દિલ્હીના સાઇકિયાટ્રિસ્ટનું કહેવું છે કે એનું મુખ્ય કારણ ડિજિટલ ડિવાઇસ પર સતત સતર્ક રહેવાની આદત તો છે જ, સાથે-સાથે ગરમીમાં એકાગ્રતાની સમસ્યા હજી વધી જાય છે

પ્રતીકાત્મક તસવીર

આજની ઝડપી લાઇફસ્ટાઇલ અને સતત મોબાઇલ કે કમ્પ્યુટરની સ્ક્રીન સાથે વળગી રહેવાની આદતથી માનવોની એકાગ્રતા રાખવાની ક્ષમતા પર બહુ માઠી અસર થઈ છે. દિલ્હીની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસ (AIIMS)ના સાઇકિયાટ્રિસ્ટ ડૉ. નંદ કુમારનું કહેવું છે કે ‘હવે માણસો બહુ મુશ્કેલીથી ૮થી ૯ સેકન્ડ સુધી કોઈ એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. પહેલાં આ ક્ષમતા લગભગ ૨૦થી ૩૦ મિનિટ સુધીની હતી. છેલ્લા દોઢથી બે દાયકામાં એકાગ્રતાની ક્ષમતામાં સતત અને ઝડપી ઘટાડો જોવા મળ્યો છે. એનું મુખ્ય કારણ ડિજિટલ ડિવાઇસના સતત ઉપયોગને કારણે એકાગ્રતાનો દુરુપયોગ થયો છે એ છે. મેન્ટલ રેસ્ટલેસનેસ એ ડિજિટલ યુગની દેણ છે. લોકોનું ધ્યાન સતત ફોન, લૅપટૉપ અને નોટિફિકેશન્સમાં સંકળાયેલું રહે છે જેને કારણે મગજ સતત અલર્ટ મોડમાં રહે છે. અલર્ટ મોડને કારણે થાક વધે છે અને કૉન્સન્ટ્રેશનની ક્ષમતા ઘટે છે.’

એકાગ્રતા ઘટવાનું બીજું મહત્ત્વનું પરંતુ ટેમ્પરરી કારણ વાતાવરણમાં વધી રહેલી ગરમી પણ છે એમ જણાવતાં ડૉ. નંદકુમાર કહે છે, ‘ગરમીની સીઝનમાં શરીરની સાથે મગજ પણ જલદી થાકે છે. ગરમ વાતાવરણમાં સહજ રીતે માનસિક બેચેની, ચીડચીડિયાપણું અને વ્યગ્રતા વધે છે જેને કારણે વારંવાર ધ્યાન ભટકે છે. ગરમીમાં એકાગ્રતાની સમસ્યા વધી જાય છે. બન્ને કારણો માટે ડિજિટલ ડિટૉક્સ, ધ્યાન અને પૂરતા માનસિક આરામને દિનચર્યામાં સામેલ કરવાનું જરૂરી છે.’

health tips healthy living yoga life and style