વધુપડતા સ્ક્રીન-ટાઇમને કારણે નાનાં બાળકોને આજકાલ વયસ્કની જેમ ડ્રાય આઇની તકલીફ થવાનું રિસ્ક વધ્યું છે

28 April, 2026 02:07 PM IST  |  Mumbai | Dr. Himanshu Mehta

વધુપડતા સ્ક્રીન-ટાઇમને કારણે નાનાં બાળકોને આજકાલ વયસ્કની જેમ ડ્રાય આઇની તકલીફ થવાનું રિસ્ક વધ્યું છે

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

હમણાં થોડા સમય પહેલાં મારા ક્લિનિકમાં ૧૨ વર્ષના દીકરાને લઈને તેની મમ્મી આવી. આજકાલ તેની આંખમાં સતત ખંજવાળ આવ્યા કરે છે, આંખો સતત લાલ દેખાયા કરે છે અને તેને આંખમાં સતત કશુંક ખૂંચ્યા કરે છે એવી ફરિયાદ તેણે કરી. મેં તેમને પૂછ્યું કે સ્ક્રીન-ટાઇમ કેટલો છે તેનો? એના જવાબમાં તેની મમ્મીએ કહ્યું કે સ્કૂલ, ક્લાસિસ, કાર્ટૂન, સોશ્યલ મીડિયા, ચૅટિંગમાં જ તેનો બધો સમય જાય છે. આંખની કોઈ પણ તકલીફમાં લાપરવાહી ન કરવી જોઈએ, તરત ડૉક્ટરને મળીને ચેક કરાવવું જોઈએ અને સાચું નિદાન મેળવવું જોઈએ એવો મારો એક વિડિયો તેણે જોયેલો એટલે તે બાળકને લઈને મારી પાસે આવી. મેં ચેક કર્યું ત્યારે સમજાયું કે બાળકને ડ્રાય આઇ એટલે કે આંખ સૂકી થઈ જવાની તકલીફ છે.

ડ્રાય આઇનો પ્રૉબ્લેમ બાળકોને થઈ શકે છે. જોકે વયસ્ક લોકો જેટલો એ કૉમન નથી બાળકોમાં. તમારા બાળકને ડ્રાય આઇ હોવાની શક્યતા છે, કારણ કે જો બાળક સ્ક્રીન સામે જ રહે છે તો આવું થવાની શક્યતા તો ખરી. આજનાં બાળકોના જીવનમાં બધું જ ઑનલાઇન થઈ ગયું છે જેને લીધે સ્ક્રીન-ટાઇમ ખૂબ વધી ગયો છે. આ સિવાય એક બીજી તકલીફ છે જેને લીધે ડ્રાય આઇ થઈ શકે છે અને એ છે ઊંઘ બરાબર ન થવી. બાળકોમાં આ બન્ને તકલીફો છેલ્લા એક-દોઢ વર્ષમાં વધી ગઈ છે એટલે જ એ લોકોમાં ઓછી જોવા મળતી હતી એ તકલીફ પણ હવે શરૂ થઈ ગઈ છે.

આપણે જ્યારે કોઈ પણ સ્ક્રીનને જોઈએ છીએ અને એ રસની વસ્તુ હોય તો ઑટોમેટિક આપણે આંખ પટપટાવવાનું ભૂલી જતા હોઈએ છીએ. એને લીધે આંખ સાફ થતી નથી અને એ સૂકી થતી જાય છે. આ પ્રક્રિયા વારંવાર બનતી જાય છે ત્યારે વ્યક્તિને ડ્રાય આઇનો પ્રૉબ્લેમ થઈ જાય છે. આ માટે કોઈ ડ્રૉપ નાખવાની જરૂર નથી. પહેલી જરૂર એ છે કે તેને ડૉક્ટર પાસે લઈ જઈને તેની આંખનું પ્રૉપર ચેક-અપ કરાવો. બીજું એ કે તમારાં બાળકોને ટીવી, ટૅબ્લેટ, સ્માર્ટફોન અને કમ્પ્યુટર્સ નિયંત્રિત સમય માટે જ વાપરવા દો. સતત ઍરકન્ડિશનમાં રહેવાનું છોડો. સ્કૂલ કે ક્લાસ સિવાયનો સમય મોબાઇલ અને કમ્પ્યુટરની સામે બાળક બેઠું ન રહે એનું ધ્યાન રાખો. દર એક મિનિટમાં ૩-૪ વાર પલકારા મારી શકાય એની કાળજી રાખવી. આ ઉપરાંત ઑમેગા થ્રી ફૅટી ઍસિડયુક્ત ખોરાક ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીનાં બી, અખરોટ, સોયાબીન, તોફુ, કોલી ફ્લાવરનું શાક વગેરેનો ઉપયોગ રોજબરોજના ખોરાકમાં કરવો. દિવસમાં ૮-૧૦ ગ્લાસ પાણી પીવું. આ ખોરાક અને પાણી આંસુના નિર્માણમાં ઉપયોગી બનશે. 

parenting tips health tips healthy living life and style lifestyle news columnists