30 March, 2026 01:21 PM IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર
સેલ્ફ-લવ એટલે કે સ્વપ્રેમ અને સેલ્ફ-ઑબ્સેશન એટલે કે સ્વઘેલછા વચ્ચે એક પાતળી રેખા છે એ સમજવાની જરૂર છે. આજના યંગસ્ટર્સ સેલ્ફ-લવના નામે સેલ્ફ-ઑબ્સેસ્ડ થઈ રહ્યા છે. આજથી એક દાયકા પહેલાં સેલ્ફ-લવ શબ્દ ભાગ્યે જ સાંભળવા મળતો હતો, પણ આજે સોશ્યલ મીડિયા ખોલતાંની સાથે જ સેલ્ફ-લવની પોસ્ટનો મારો જોવા મળે છે. આ એક પૉઝિટિવ વસ્તુ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ દેખાઈ રહી છે. ખાસ કરીને યુવા પેઢીમાં સેલ્ફ-લવ ધીમે-ધીમે સેલ્ફ- ઑબ્સેશનમાં ફેરવાઈ રહ્યો છે. એવામાં બન્ને વચ્ચેનો ફરક સમજવો અને સંતુલન જાળવવું ખૂબ જરૂરી બની જાય છે જે આપણે સાઇકોલૉજિસ્ટ તેજલ કારિયા પાસેથી તેમના જ શબ્દોમાં સમજીએ.
સેલ્ફ-લવ એક ઇન્વર્ડ ગ્રોથ છે. એ પોતાની ખામીઓ સ્વીકારીને પોતાની જાતને બહેતર બનાવવાની પ્રક્રિયા છે. એમાં માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું એ સ્વાર્થ નથી, પણ એક જરૂરિયાત છે. બીજી બાજુ સેલ્ફ-ઑબ્સેશન એક ઈગો-સેન્ટ્રિક સ્થિતિ છે. અહીં વ્યક્તિને લાગે છે કે પોતે જ સર્વોપરી છે. તે માત્ર પોતાના વિશે જ વિચારે છે અને ઘણી વાર બીજાની લાગણીઓ કે જરૂરિયાતોને નજરઅંદાજ કરે છે.
જ્યારે આપણે સહાનુભૂતિની વાત કરીએ છીએ ત્યારે સેલ્ફ-લવ કરનાર વ્યક્તિ પોતાની જરૂરિયાતોને મહત્ત્વ આપવાની સાથે બીજાની પીડા પણ સમજી શકે છે. તે પોતાનું ભલું ઇચ્છે છે પણ બીજાને નુકસાન પહોંચાડીને નહીં. એનાથી વિપરીત સેલ્ફ-ઑબ્સેશનમાં સહાનુભૂતિનો સાવ અભાવ હોય છે જ્યાં વ્યક્તિ પોતાની સમસ્યાઓને જ સૌથી મોટી માને છે અને બીજાની લાગણીઓ પ્રત્યે લગભગ અંધ બની જાય છે.
આ તફાવત જાગૃતિના સ્તરે પણ સ્પષ્ટ દેખાય છે. સાચો સ્વપ્રેમ આત્મજાગૃતિ લાવે છે, જેમાં વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારીને એને સુધારવા અને આંતરિક શાંતિ કેળવવા સતત પ્રયત્નશીલ રહે છે, જ્યારે સેલ્ફ-ઑબ્સેસ્ડ વ્યક્તિ માત્ર પોતાને જ કેન્દ્રમાં રાખે છે અને પોતાની ખામીઓ જોવાને બદલે હંમેશાં પોતે જ સાચી હોવાનો ભ્રમ પાળે છે.
આ ઉપરાંત વૅલિડેશન એટલે કે બીજાની મંજૂરી બાબતે પણ બન્નેમાં જમીન-આસમાનનો તફાવત છે. જે વ્યક્તિ ખરેખર પોતાની જાતને પ્રેમ કરે છે તેને બહારનાં વખાણની જરૂર ઓછી પડે છે કારણ કે તેનો આત્મવિશ્વાસ પોતાની નજરમાં સાચા હોવા પર ટકેલો હોય છે; પરંતુ સેલ્ફ-ઑબ્સેસ્ડ વ્યક્તિની આખી ઓળખ બીજાની માન્યતા પર નિર્ભર હોય છે, તેને સતત અટેન્શનની અપેક્ષા રહે છે અને જો એ ન મળે તો તે તરત જ અસુરક્ષિતતા અનુભવે છે.
જરૂરિયાતોના સંદર્ભમાં જોઈએ તો સેલ્ફ-લવ પોતાને સંભાળવાની એક સ્વસ્થ પ્રક્રિયા છે જેથી વ્યક્તિ માનસિક રીતે મજબૂત બની બીજાને પણ પ્રેમ આપી શકે, જ્યારે સેલ્ફ-ઑબ્સેશનમાં વ્યક્તિ પોતાના સ્વાર્થ માટે બીજાનાં સમય, શક્તિ અને લાગણીઓનો ઉપયોગ કરે છે અને પોતાની જરૂરિયાતો સંતોષવા માટે બીજાની જરૂરિયાતોને સદંતર અવગણે છે.
આજના સમયમાં સેલ્ફ-ઑબ્સેશન વધવાનું એક મોટું કારણ સોશ્યલ મીડિયાનો વધતો પ્રભાવ છે. અહીં આપણે લોકોની પર્ફેક્ટ તસવીરો અને ખુશીભરી પળો જ જોઈએ છીએ. આ જોઈને વ્યક્તિ ધીમે-ધીમે પોતાના વિશે વધારે જાગ્રત બની જાય છે કે હું કેવી દેખાઉં છું અને લોકો મને કેવી રીતે જુએ છે. લાઇક અને કમેન્ટ્સ પર આધારિત આ વૅલિડેશન સિસ્ટમ ધીમે-ધીમે સેલ્ફ-વર્થ સાથે જોડાઈ જાય છે, જેના કારણે વ્યક્તિ પોતાની કિંમત બીજાની પ્રશંસા પરથી નક્કી કરવા માંડે છે. એ ઉપરાંત સેલ્ફ-લવનો ખોટો અર્થ પણ એક મોટું કારણ છે. ઘણા લોકો માટે હવે સેલ્ફ-લવનો અર્થ ‘મને જે ગમે તે કરવું’ કે ‘મારે બીજાની ચિંતા કરવાની જરૂર નથી’ બની ગયો છે, જે અસંતુલન તરફ દોરી જાય છે. સતત થતી તુલના અને અંદરની અસુરક્ષા પણ વ્યક્તિને પોતાની ઇમેજ વિશે વધારે જાગૃત બનાવે છે અને તે વધુ અટેન્શન શોધવા લાગે છે. આજના માય લાઇફ, માય રૂલ જેવા ટ્રેન્ડ્સ વ્યક્તિગત સ્વતંત્રતાને પ્રોત્સાહન આપે છે, પરંતુ જ્યારે એમાં સેલ્ફ-અવેરનેસ અને સંવેદનશીલતાનો અભાવ હોય ત્યારે એ સહેલાઈથી સેલ્ફ-ઑબ્સેશનમાં ફેરવાઈ શકે છે. લોકો પોતાને સમજવા કરતાં પોતાને દેખાડવામાં વધુ વ્યસ્ત થઈ ગયા છે અને અહીંથી જ આ સમસ્યા ઊભી થાય છે.
જ્યારે સેલ્ફ-લવની સીમા ઓળંગાઈને એ સેલ્ફ-ઑબ્સેશનમાં ફેરવાય છે ત્યારે એની અસર વ્યક્તિના પોતાના માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. આવી વ્યક્તિ હંમેશા એક કાલ્પનિક પર્ફેક્શનના મોહમાં જીવે છે. સોશ્યલ મીડિયાનાં ફિલ્ટર્સ જેવી પર્ફેક્ટ લાઇફ જ્યારે વાસ્તવિકતામાં નથી મળતી ત્યારે તે સતત ઊંડો અસંતોષ અને ઍન્ગ્ઝાયટી અનુભવે છે. તેમનો આત્મવિશ્વાસ આંતરિક હોવાને બદલે બાહ્ય વૅલિડેશન પર નિર્ભર થઈ જાય છે. પરિણામે જો લોકો તરફથી પૂરતું અટેન્શન કે વખાણ ન મળે તો તેઓ ખૂબ જ ઝડપથી હતાશા કે ડિપ્રેશનમાં સરી પડે છે. પોતાની જાતને મહત્ત્વની માનવાની ટેવમાં તેઓ પોતાની ભૂલો જોઈ શકતા નથી, જેના કારણે તેમનો બૌદ્ધિક અને આંતરિક વિકાસ રુંધાઈ જાય છે. હજારો ફૉલોઅર્સ અને દેખાડાની દુનિયા વચ્ચે પણ આવી વ્યક્તિ અંદરથી ભયંકર એકલતા અનુભવે છે, કારણ કે તે કોઈની પણ સાથે સાચું ભાવનાત્મક જોડાણ બનાવી શકતી નથી.
સેલ્ફ-ઑબ્સેશન સંબંધોમાં પણ તિરાડ પાડવાનું કામ કરે છે. કોઈ પણ સંબંધ સમજણ, સહાનુભૂતિ અને એકબીજાની કાળજી પર ટકેલો હોય છે; પરંતુ સેલ્ફ-ઑબ્સેસ્ડ વ્યક્તિમાં આ ગુણોની ખોટ જોવા મળે છે. આવા લોકો દરેક વાતમાં ‘હું’, ‘મારું’ અને ‘મને’ પર જ ધ્યાન આપે છે તેથી સામેની વ્યક્તિ શું અનુભવે છે, તેની જરૂરિયાત શું છે અથવા તેને શું દુઃખ છે એ સમજવામાં તેઓ નિષ્ફળ જાય છે. પરિણામે મિત્રો કે જીવનસાથીને એવું લાગે છે કે તેમની લાગણીઓનું કોઈ મૂલ્ય જ નથી અને તેઓ સંબંધમાં ગૂંગળામણ અનુભવવા લાગે છે. ઘણી વખત આવા લોકો પોતાના ફાયદા માટે બીજા લોકોનો ઉપયોગ કરે છે, જેનાથી વિશ્વાસ તૂટી જાય છે. પોતાની ભૂલો સ્વીકારવાની જગ્યાએ તેઓ બીજા પર દોષ મૂકવાની આદત રાખે છે, જે પરિવાર અને સંબંધોમાં તનાવ પેદા કરે છે. આ બધાના કારણે ભલે સંબંધ પહેલાંથી મજબૂત હોય પરંતુ ધીમે-ધીમે એમાં અંતર, ગેરસમજ અને કડવાશ આવી જાય છે.
યંગસ્ટર્સ માટે હેલ્ધી સેલ્ફ-લવ વિકસાવવાનું એટલું જ મહત્ત્વનું છે જેટલું એમાં સંતુલન જાળવવું. જો આ સંતુલન તૂટી જાય તો સેલ્ફ-લવ સહેલાઈથી સેલ્ફ-ઑબ્સેશનમાં ફેરવાઈ શકે છે. તેથી જરૂરી છે કે આપણે રોજિંદા જીવનમાં કેટલીક એવી ટેવો અને વિચારધારા અપનાવીએ જે આપણને પોતાની સાથે જોડે પણ સાથે દુનિયા સાથે પણ જોડાયેલા રાખે.
દરરોજ થોડો સમય ફોન અને સોશ્યલ મીડિયાથી દૂર રહીને પોતાની સાથે બેસવું ખૂબ જરૂરી છે. આ સમય તમને તમારાં વિચારો, લાગણીઓ અને આંતરિક સ્થિતિને સમજવામાં મદદ કરે છે. જ્યારે તમે સતત બહારના અવાજમાં રહેતા હો ત્યારે પોતાની અંદરનો અવાજ સાંભળવો મુશ્કેલ બને છે અને ત્યાંથી જ અસંતુલન શરૂ થાય છે.
દિવસ દરમિયાન શું થયું, શું સારું લાગ્યું કે શું શીખવા મળ્યું એ લખવાથી ક્લૅરિટી આવે છે. આ ટેવ તમને પોતાની સાથે ઈમાનદાર બનાવે છે અને સેલ્ફ-અવેરનેસ વધારવામાં મદદ કરે છે, જે સેલ્ફ-લવ માટે સૌથી જરૂરી છે.
દરરોજ ૨-૩ બાબતો માટે આભાર વ્યક્ત કરવાથી ધ્યાન ફક્ત પોતાના પર નહીં પરંતુ આસપાસની સારી બાબતો તરફ પણ જાય છે. આથી અહંકાર ઓગળે છે અને વ્યક્તિ વધુ ગ્રાઉન્ડેડ બને છે.
સાચો સેલ્ફ-લવ ફક્ત વિચારોમાં નહીં પરંતુ જીવનશૈલીમાં પણ દેખાવો જોઈએ. યોગ્ય ખોરાક, પૂરતી ઊંઘ અને શારીરિક પ્રવૃત્તિથી મન સ્થિર રહે છે. જ્યારે શરીર અને મન સંતુલિત હોય ત્યારે આપણે વધુ સજાગ નિર્ણયો લઈ શકીએ છીએ.
પર્ફેક્શનનું દબાણ ઘણી વાર અસંતોષ અને તુલનામાં ફેરવાઈ જાય છે. જ્યારે તમે પ્રોગ્રેસ પર ધ્યાન આપો છો ત્યારે તમે પોતાની યાત્રાને સ્વીકારો છો અને આ સાચા સેલ્ફ-લવની શરૂઆત છે.
જો તમે તમારી કિંમત બીજાની પ્રશંસા પરથી નક્કી કરશો તો તમે હંમેશાં બહારના પ્રતિસાદ પર નિર્ભર રહી જશો, પરંતુ જ્યારે તમે પોતાની નજરમાં સાચા રહેવાનો પ્રયત્ન કરો છો ત્યારે આત્મવિશ્વાસ અંદરથી ઊભો થાય છે, જે વધુ સ્થિર હોય છે.
સેલ્ફ-લવનો અર્થ છે પોતાની મર્યાદાઓને સમજવી અને જરૂર પડે ત્યારે ‘ના’ કહેવી; પરંતુ આમ કરતી વખતે સંવેદનશીલતા જાળવવી પણ એટલી જ જરૂરી છે, જેથી સંબંધોમાં કઠોરતા ન આવે.
સોશ્યલ મીડિયા પર દેખાતી દરેક વસ્તુ વાસ્તવિક નથી. સતત તુલના કરવાથી વ્યક્તિ પોતાને ઓછી માનવા લાગે છે. જ્યારે તમે આ ટેવ ઓછી કરો છો ત્યારે તમે તમારી પોતાની ગતિએ આગળ વધવા માટે મુક્ત થાઓ છો.
સાચો સેલ્ફ-લવ તમને એકલા પાડતો નથી પરંતુ સંબંધોને વધુ ગાઢ બનાવે છે. જ્યારે તમે બીજાની વાત સાંભળો છો, તેમની લાગણીઓ સમજો છો ત્યારે તમે સેલ્ફ-ઑબ્સેશનમાંથી બહાર આવીને સંતુલિત જીવન જીવવા લાગો છો.