23 June, 2026 03:56 PM IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતી ઘરોમાં ગરમ રોટલીની આદત ઘણાં ઘરોમાં જોવા મળે છે. ગૃહિણી ગરમ રોટલી બનાવે અને બધા જમતા હોય. બધા જમી લે પછી છેલ્લે ગૃહિણી જમવા બેસે. આજકાલ જોવા મળતાં વિભક્ત કુટુંબોની આ વાત નથી. જ્યાં પતિ-પત્ની બે જ રહેતાં હોય એવા કુટુંબમાં આ વસ્તુ જોવા ઓછી મળે, પણ વસ્તારી ઘરમાં એ ખાસ જોવા મળે છે. આ સિસ્ટમમાં માના હાથની ગરમ રોટલી એ એક મીઠી યાદ બનીને રહી જાય છે. ઘરના બધા લોકોને તૃપ્તિનો ઓડકાર પણ મળે છે; પણ છેલ્લે જમતી તે માનું શું? બધા જમી લે પછી જમવું એ સ્ત્રીની મહાનતા છે, તેનો પ્રેમ અને ત્યાગ છે; પણ એની કિંમત તેણે ચૂકવવી પડે છે. આ આદત બદલવી જરૂરી છે.
આ સાંભળીને જો તમને લાગતું હોય કે પહેલાંના સમયમાં આવું થતું, આજની તારીખે એવું થતું નથી તો એવું છે નહીં. અમેરિકામાં વસતા ગુજરાતીઓના ઘરમાં પણ આ જ પ્રૉબ્લેમ જોવા મળે છે અને એટલે જ ગૃહિણીઓએ બધાને જમાડીને છેલ્લે જમવાની આદત બદલવી જોઈએ એવી હિમાયત કરતાં શિકાગોસ્થિત સોશ્યલ મીડિયા પર ગુજરાતી કોચ તરીકે જાણીતા બનેલા ફિટનેસ-કોચ હાર્દિક સોની કહે છે, ‘સ્ત્રીઓ મહાન છે એ વાત સાચી. તે ઘરની દરેક વ્યક્તિનું ધ્યાન રાખે છે એ પણ ખૂબ જ સારું છે. પ્રૉબ્લેમ ત્યાં આવે છે કે તે પોતાનું ધ્યાન નથી રાખતી. આપણે આપણી મમ્મીઓ, બહેનો અને ઘરની બધી જ સ્ત્રીઓને એ સમજાવવું જરૂરી છે કે છેલ્લે જમવાની આ આદત તેમની હેલ્થને ખરાબ કરે છે.’
છેલ્લે જમવાની આદત કઈ રીતે ગૃહિણીઓની હેલ્થ પર અસર કરે છે એના પર વિચાર માંડીએ. બધાને જમાડીને છેલ્લે જમવામાં ગૃહિણીઓ વધ્યું-ઘટ્યું જે હોય એ ખાઈને ચલાવે છે. બધા માટે અડધી રાત્રે પણ જમવાનું બનાવવા તૈયાર મમ્મીઓ પોતાના માટે ખૂટી પડે ત્યારે બે ચમચી શાકથી ચલાવી લેતી હોય છે. ધારો કે છેલ્લે વધુ ખોરાક બચ્યો તો એ ખતમ કરવા માટે વધુ પણ ખાઈ લેતી હોય છે. તે વિચારે છે કે કોણ બચાવે, એના કરતાં ખાઈ લો. આ આદતને લીધે તેઓ કાં તો ઓછું અને કાં તો વધુ જમે છે. બીજું એ કે બધા સમયસર જમવા બેસે છે, પણ ગૃહિણીઓ બધાથી છેલ્લે. એટલે રાત્રે તો ઘણી વાર તેમને ૯-૯.૩૦ વાગી જાય છે જમતાં. ત્યાં સુધીમાં ભૂખ મરી જાય છે અને કાં તો એટલી વધુ લાગી ગઈ હોય છે કે તમે વધુ ખાઈ લો છો. ગરમ ખોરાકનો લહાવો જે બધાને મળે છે એ ગૃહિણીને મળતો નથી, કારણ કે બધાનું કરતાં-કરતાં મમ્મીઓ પોતાના માટે કરતી નથી. મમ્મીને પૂછો કે ગરમ કરીને લાવું? તો હંમેશાં કહેશે કે મને ગરમની જરૂર નથી, મને તો આવું જ ફાવશે. ઘણી સ્ત્રીઓ એવી પણ હોય છે જે બધાને જમાડતાં મોડું થશે એમ માનીને થોડું પહેલાં ખાઈ લે છે અને પછી ફરી છેલ્લે જમવા બેસે છે. આમ જે પણ રીતો છે એ યોગ્ય નથી.
આ ચાલશે, ફાવશેવાળી માનસિકતાને કારણે તેમની હેલ્થ ખાસ્સી કૉમ્પ્રોમાઇઝ થઈ છે એ વિશે વાત કરતાં હાર્દિક સોની કહે છે, ‘કોઈ પણ કારણસર જરૂર કરતાં વધુ કે ઓછું ખાવું ઠીક નથી. સમયસર ખોરાક ન ખાવો એ પણ ઠીક નથી, કારણ કે રાત્રે તેમને ખોરાક પચતો નથી. બપોરે મોડી જમે છે ત્યારે ભૂખ મરી જવાથી પાચન યોગ્ય થતું નથી. આ બધું સમજવું જરૂરી છે. ખોરાક તો એ જ છે; પણ એનો સમય, એની ક્વૉન્ટિટી અને કયા પ્રકારે એ ખવાઈ રહ્યો છે એ બધું જ મહત્ત્વનું છે. વળી આ પરિસ્થિતિ એક દિવસની નથી. વર્ષો સુધી આ જ પરિસ્થિતિમાં સ્ત્રીઓ જીવે છે એટલે આપણી ૫૦-૬૦ વર્ષની સ્ત્રીઓની પરિસ્થિતિ એકદમ ખરાબ થઈ જાય છે, કારણ કે તેમણે ક્યારેય ખુદ પર ધ્યાન આપ્યું જ નથી. હકીકતે જોવા જઈએ તો હેલ્થ બગડવાનું તો ૨૫-૩૦ વર્ષે જ શરૂ થઈ જાય છે, પણ ૪૦ વર્ષ પછી ધીમે-ધીમે અને ૫૦ વર્ષ પછી એકદમ આ તકલીફો તમારી નજર સામે આવે છે.’
ખબર કઈ રીતે પડે કે હેલ્થ પર અસર થઈ રહી છે? આ પ્રશ્નનો જવાબ આપતાં અને કેટલાંક ચિહ્નો સમજાવતાં હાર્દિક સોની કહે છે, ‘તમે ૮ કલાકની ઊંઘ કર્યા પછી પણ દરરોજ સાંજે ૪ વાગ્યે થાકી જાઓ છો? એક સમય હતો જ્યારે તમે ખાસ્સું વજન ઉપાડી શકતા, હવે વજનદાર બૅગ ઊંચકાતી નથી? તમારા વાળ પાતળા થઈ રહ્યા છે, નખ તૂટી રહ્યા છે અને આવું જે થઈ રહ્યું છે એના પર તમારું ધ્યાન પણ નથી જઈ રહ્યું? તમને નાની-નાની વાતે ગુસ્સો આવી જાય છે એના માટે તમે ઘરને, ઘરના કામને કે બાળકોને જવાબદાર ઠેરવી રહ્યાં છો? શું તમને સતત શરીરમાં જુદી-જુદી જગ્યાએ દુખાવો થતો રહે છે? આ બધી તકલીફો પાછળ જુદી-જુદી ઊણપ જવાબદાર છે. થાક પાછળ વિટામિન B12, આયર્ન અને ફેરિટિન જવાબદાર છે. વાળ અને નખના પ્રૉબ્લેમ પાછળ પ્રોટીનની કમી અને થાઇરૉઇડ સંબંધિત તકલીફ હોઈ શકે છે. ગુસ્સા અને મૂડની તકલીફો પાછળ હૉર્મોન્સ સંબંધિત તકલીફો જવાબદાર હોય છે. જુદા-જુદા દુખાવા પાછળ વિટામિન Dની ઊણપ અને હાડકાંનો ઘસારો જવાબદાર હોય છે. સ્ત્રીઓએ સમજવાનું એ છે કે આ ઉંમર સંબંધિત તકલીફો નથી. આ તકલીફો આવી છે કારણ કે તમે તમારું ધ્યાન રાખ્યું નથી, તમારો ખોરાક યોગ્ય નથી.’
હાર્દિક સોનીના મતે જો તમને આ બધી તકલીફો હોય અને તમારા ઘરમાં પણ તમે બધાથી છેલ્લે જમતા હો તો પોતાના માટે આટલું કરો.
મહત્ત્વનું એ છે કે બધા સાથે બેસીને જમો. એક જ સમયે સમગ્ર પરિવાર સાથે બેસીને જમે એમાં પોષણ બધાને મળે, પ્રેમ વધે અને સ્ત્રીઓની શારીરિક અને માનસિક બન્ને પ્રકારની હેલ્થને અસર ન પહોંચે. છતાં તમારે બધાને ગરમ રોટલી જ જમાડવી હોય તો પ્રૉબ્લેમ નથી. તમે બધાથી છેલ્લે નહીં, બધાથી પહેલાં જમો. જમવાનો સમય પણ જળવાશે અને પોષણયુક્ત ખોરાક પણ મળશે.
જો તમારામાં થાક, મૂડ-સ્વિન્ગ્સ, શારીરિક દુખાવો જેવાં જે પણ ચિહ્નોની આપણે વાત કરી એ દેખાતાં હોય તો એ લક્ષણોને બિલકુલ અવગણ્યા વગર ટેસ્ટ કરાવો અને તપાસ કરો કે કયાં પોષક તત્ત્વોની કમી છે તમને. એના માટે HbA1c, ફાસ્ટિંગ બ્લડ-શુગર, ફુલ થાઇરૉઇડ પૅનલ, વિટામિન B12, વિટામિન D, આયર્ન સ્ટોરેજ, ફેરિટિન ટેસ્ટ કરાવવી જરૂરી છે. જે પણ કમી નીકળે એના માટે ડૉક્ટરની સલાહ લઈને સપ્લિમેન્ટ્સ લેવાં. ખોરાકથી પોષણ મળે જ છે, પણ કમી હોય ત્યારે સપ્લિમેન્ટ્સ લેવાં અત્યંત જરૂરી છે.
દરેક સ્ત્રીએ પોતાના ખોરાકનું પૂરતું ધ્યાન રાખવું. એના માટે પોષણયુક્ત ઘરનો બનેલો ખોરાક શરીરને મળે એ જરૂરી છે. જેટલું ધ્યાન તે પરિવારનું રાખે છે એટલું જ ખુદનું રાખવું જરૂરી છે. ખોરાકમાં કોઈ પણ રીતે કૉમ્પ્રોમાઇઝ કરવું નહીં. યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં પોષણયુક્ત ખોરાક લેવો જરૂરી છે.
આ ઉપરાંત દરરોજ એક કલાક દરેક સ્ત્રીએ એક્સરસાઇઝ કરવી જરૂરી છે. એમાં અઠવાડિયામાં બે દિવસ સ્ટ્રેન્થ-ટ્રેઇનિંગ કરવી અનિવાર્ય છે, કારણ કે સ્ત્રીએ પોતાને સશક્ત રાખવા માટે આટલું કરવું જ પડશે. ખોરાકમાં પ્રોટીન વધારવું પણ જરૂરી છે.
આખા ૨૪ કલાકમાંથી એક કલાક ફક્ત તમે તમારા માટે કાઢો. આ એક કલાકમાં તમે ઘરની કોઈ પણ વ્યક્તિનું કે ઘરનું કોઈ કામ ન કરો. ફોનને બાજુ પર રાખી દો. ફક્ત તમને જે ગમે એવી કોઈ પ્રવૃત્તિ કરો. એ પછી શાંતિમાં એક વૉક હોઈ શકે, ચાનો કપ અને એની સાથે એક ગમતું પુસ્તક હોઈ શકે કે પછી ગાર્ડનમાં ઝૂલા પર પસાર થતો સમય હોઈ શકે. આ એ સમય છે જે તમારે તમારી સાથે પસાર કરવાનો છે. આવું કરતી સ્ત્રીઓની હૉર્મોન-હેલ્થ ઘણી સારી રહે છે જે તેની સંપૂર્ણ હેલ્થમાં અતિ મહત્ત્વનું પાસું છે.