કાર્ડિયોવૅસ્ક્યુલર ઍનૅલાઇઝર ટેસ્ટ કરાવવી જોઈએ?

17 January, 2022 04:53 PM IST  |  Mumbai | Dr. Bipeenchandra Bhamre

કાર્ડિયોવૅસ્ક્યુલર ઍનૅલાઇઝર ટેસ્ટ કોણે કરાવવી જોઈએ જેનાથી હાર્ટની સાચી ઉંમર ખબર પડે?

મિડ-ડે લોગો

મારી ઉંમર ૪૦ વર્ષની છે. પિતાનું મૃત્યુ હાર્ટ અટૅકને કારણે ૬૮ વર્ષની ઉંમરે થયું હતું. મોટા ભાઈને ૪૫ વર્ષે હાર્ટ અટૅક આવ્યો છે. હું હંમેશાં ડાયટ અને એક્સરસાઇઝ દ્વારા ફિટ રહેવાની કોશિશ કરતો આવ્યો છું. વજન બરાબર છે અને સ્મોકિંગ કે આલ્કોહૉલ જેવી કોઈ આદત નથી, પરંતુ જિનેટિકલી મને હાર્ટ પ્રૉબ્લેમ થઈ શકે છે. રેગ્યુલર ચેક-અપમાં શું કરવું? કાર્ડિયોવૅસ્ક્યુલર ઍનૅલાઇઝર ટેસ્ટ કોણે કરાવવી જોઈએ જેનાથી હાર્ટની સાચી ઉંમર ખબર પડે?
    
તમને વારસાગત હાર્ટ પ્રૉબ્લેમ થઈ શકવાની શક્યતા જણાઈ રહી છે. ઉંમરની સાથે લોહીની નળીઓ જે કડક બનતી જાય અને એને કારણે આપણે કહીએ કે હાર્ટ નબળું પડી રહ્યું છે અથવા તો હાર્ટની પણ ઉંમર થઈ રહી છે, એને મેડિકલ ભાષામાં વૅસ્ક્યુલર એજિંગ કહે છે, પરંતુ જ્યારે ઉંમર કરતાં પહેલાં જ હાર્ટની નળીઓ કડક થવા લાગે જેને લીધે લોહીનો પ્રવાહ અસરગ્રસ્ત થાય તો એને મેડિકલ ટર્મમાં અર્લી વૅસ્ક્યુલર એજિંગ કહે છે. બ્લડ-પ્રેશર, ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ કે ઓબેસિટી જેવી એક પણ તકલીફ નથી એવા લોકોને પણ હાર્ટ અટૅક આવે છે જેનું કારણ વૅસ્ક્યુલર એજિંગ હોય છે. આજકાલ નાની ઉંમરે જે સ્ટ્રોકનું કે હાર્ટ અટૅકનું રિસ્ક વધતું ચાલ્યું છે એની પાછળ તેમની હાર્ટની ઉંમર ઘટી રહી છે એ કારણ જવાબદાર છે. આ ઉંમર જાણવા માટે આ ટેસ્ટ ઉપયોગી બને છે, પણ પ્રૅક્ટિકલી જોવા જઈએ તો તમે હાર્ટની ઉંમર જાણીને પણ શું કરશો? કસરત વડે એને સશક્ત બનાવવાની કોશિશ કરશો. એનાથી વધુ કઈ થઈ શકે એમ નથી. 
રેગ્યુલર ટેસ્ટ કરાવનારા લોકોમાં મોટા ભાગે બધા બ્લડ-પ્રેશર, કૉલેસ્ટરોલ, બૉડી માસ ઇન્ડેક્સ એટલે કે હાઇટને આધારે વજન ચેક કરી પોતે ઓબીસ છે કે નહીં એ જાણકારી આપતી ટેસ્ટ, શુગર ટેસ્ટ કરાવતાં હોય છે, એ તમારે કરાવવી. કાર્ડિયોવૅસ્ક્યુલર ઍનૅલાઇઝર ટેસ્ટ વડે હાર્ટની ઉંમર જાણવાથી આગળની પ્રોસિજરમાં ખાસ ફરક પડતો નથી. જો રેગ્યુલર ટેસ્ટ અને દરદીને ક્લિનિકલી ચેક કર્યા પછી લાગે તો અમે 2D ઇકો, સ્ટ્રેસ ટેસ્ટ, ઈસીજી, ઍન્જિયોગ્રાફી જેવી ટેસ્ટ કરીએ છીએ. જે લોકોને વારસાગત હાર્ટ પ્રૉબ્લેમનું રિસ્ક રહેલું છે તેમણે ફક્ત રેગ્યુલર ટેસ્ટ નહીં, પરંતુ રેગ્યુલર ડૉક્ટરની પાસે જઈને ક્લિનિકલ ચેક-અપ પણ કરાવતા રહેવું જરૂરી છે.

health tips columnists