01 April, 2026 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય મીઠાઈઓ ભાગ્યે જ કાજુ વગર બને પછી એ કોઈ પણ હલવો હોય, ખીર હોય કે કોઈ લાડુ. પણ ભારતીય મીઠાઈઓ પણ હવે ખાવાની ઓછી થઈ ગઈ છે. વર્ષોથી કાજુકતરી જ બનતી. લાગે છે કે કોઈ વ્યક્તિએ કાજુથી કૉલેસ્ટરોલ વધે એમ સમજીને બદામકતરીની ઈજાદ કરી હશે બાકી બદામકતરી જેવી કોઈ મીઠાઈ પરંપરાગત રીતે થતી નહીં.
કૉલેસ્ટરોલ અને કાજુને એક જ સંબંધ છે અને એ છે મિત્રતાનો. કાજુ ખાવાથી કૉલેસ્ટરોલ વધે તો છે પણ સારું કૉલેસ્ટરોલ, ખરાબ નહીં. વળી કૉલેસ્ટરોલમાં ખરી રીતે સ્વાસ્થ્યદાયક એ ગણાય કે એ બન્નેનો એટલે કે ખરાબ અને સારા કૉલેસ્ટરોલનો રેશિયો જેટલો હોવો જોઈએ એટલી માત્રામાં રહે. આ માત્રા છે ૩.૫:૧. આ માત્રાથી નીચે હોય તો હાર્ટ ડિસીઝનુ રિસ્ક ઘણું ઓછું રહે છે. આ રેશિયોને સુધારવાનું કામ કાજુ કરે છે. આ સિવાયના લાભ જોઈએ તો એ ઇન્સ્યુલિન સેન્સિટિવિટી પણ વધારે છે. વળી એ લોહીની નળીઓની હેલ્થ માટે ઘણાં સારાં છે. કાજુમાં મૅગ્નેશિયમ સારી માત્રામાં હોય છે જે આ બાબતે ઘણું મદદરૂપ તત્ત્વ છે. એમાં ઘણા ઍન્ટિ-ઑક્સિડન્ટ પણ રહેલા છે જેમ કે વિટામિન E અને સેલેનિયમ જે શરીરમાં ઇન્ફ્લમેશન અને ઑક્સિડેટિવ સ્ટ્રેસ સામે રક્ષણ આપવાનું કામ કરે છે.
કાજુ ખાવાથી લાભ ઘણા છે પણ નુકસાન ક્યારે થઈ શકે એ પણ સમજો. ૨૮ ગ્રામ કાજુમાં ૧૫૭ કૅલરી હોય છે. કાજુમાં ૧૨ ગ્રામ ફૅટ છે. એમાં પણ વધુ માત્રામાં તો મોનોસૅચ્યુરેટેડ જે ઉપયોગી છે એ જ, પરંતુ એની સાથે ૨.૫ ગ્રામ સૅચ્યુરેટેડ ફૅટ્સ પણ છે. ૫ ગ્રામ પ્રોટીન અને ૭ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ રહેલાં હોય છે. આમ, એ ઘણાં સ્વાસ્થ્યવર્ધક છે પણ એની ક્વૉન્ટિટી એટલે કે માત્રા જાળવીને ખાવી જોઈએ. વધુ માત્રા લો તો કૅલરી પચવામાં ભારે પડે. એનાથી વજન પણ વધી શકે.
મહત્ત્વનું એ છે કે મીઠાવાળાં, ચાસણીવાળાં, કલરવાળાં, આર્ટિફિશ્યલ ફ્લેવરવાળાં કે ચૉકલેટવાળાં કાજુ ન ખાવાં. જે વ્યક્તિને કૉલેસ્ટરોલ છે એ વ્યક્તિ કાજુ ન ખાય તો સારું. એનું કારણ એ નથી કે કાજુમાં કૉલેસ્ટરોલ રહેલું છે. પણ કૉલેસ્ટરોલને ઘટાડવા માટે જે દવા આપવામાં આવે છે એના ઍબ્સૉર્પ્શનમાં એ નડતરરૂપ સાબિત થઈ શકે છે, જેને લીધે આ દવાઓની અસર ઓછી થાય એવું બની શકે. દરેક વ્યક્તિને આ નિયમ લાગુ પડતો નથી. પરંતુ તમારી તાસીર પારખી એ નક્કી કરી શકાય. એટલે જો તમને કૉલેસ્ટરોલ હોય તો તમારા ડાયટિશ્યનને મળીને નક્કી કરી શકો કે તમારે કાજુ ખાવાં જોઈએ કે નહીં.
- મીનલ ભાનુશાલી
(મીનલ ભાનુશાલી અનુભવી ન્યુટ્રિશનિસ્ટ છે)