ઊંઘની ગોળી લેવી જોઈએ કે નહીં?

18 October, 2021 10:42 AM IST  |  Mumbai | Dr. Sushil Shah

એમના માટે એ સેફ છે, પરંતુ મને બીક લાગે છે કે મને એની આદત પડી ગઈ તો? મારે એની આદત ન પાડવી હોય તો શું કરવું?   

પ્રતીકાત્મક તસવીર

મારી ઉંમર ૪૩ વર્ષ છે. છેલ્લા ઘણા સમયથી મારી રાત્રે વારે-વારે ઊંઘ ખૂલી જાય છે, પછી પાછી લાગવી મુશ્કેલ બની જાય છે. ઘરના કહે છે કે ટેન્શનને કારણે ખૂલી જાય છે, પરંતુ એવું પણ નથી. ટેન્શન તો મને વર્ષોથી રહે છે. કામકાજ કરતી દરેક વ્યક્તિને રહે છે. ઊંઘ પૂરી ન થવાને લીધે હું ચીડિયો બની ગયો છું. ગુસ્સો કર્યા કરું છું. મને શાંતિથી સૂવું છે. મેં ખૂબ કોશિશ કરી, પણ જાતે એ શક્ય નથી બની રહ્યું. મને ડૉક્ટરે થોડો સમય સ્લીપિંગ પિલ્સ લેવાનું કહ્યું છે. એમના માટે એ સેફ છે, પરંતુ મને બીક લાગે છે કે મને એની આદત પડી ગઈ તો? મારે એની આદત ન પાડવી હોય તો શું કરવું?   

ઊંઘ દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. જોકે એ નૅચરલ ઊંઘ હોય તો વધુ સારું. ઊંઘની કોઈ પણ પ્રકારની તકલીફ જો લાંબા ગાળા સુધી ચાલતી હોય તો ચોક્કસ ડૉક્ટરનો સંપર્ક કરવો જ જોઈએ, કારણ કે જો તમે સારી ઊંઘ લઈ શકતા નથી તો શરીર ધીમે-ધીમે રોગીષ્ઠ બનતું જાય છે. માનસિક અને શારીરિક જુદા-જુદા પ્રકારના પ્રૉબ્લેમ્સ ઘર કરી જતા હોવાથી સારું છે કે તમે ડૉક્ટર પાસે ગયા. 
અહીં બીજું સમજવાનું એ છે કે ઊંઘની ગોળીઓ ડૉક્ટર દરદીને ત્યારે જ આપે છે જ્યારે અપૂરતી ઊંઘને કારણે દરદીને હાઇપરટેન્શન કે ઍન્ગ્ઝાયટી આવે કે એના કામકાજી કે સામાજિક જીવન પર એની અસર પડતી હોય. રાત્રે ઊંઘવું દરેક વ્યક્તિ માટે અત્યંત જરૂરી છે. દરદી એક સારી ઊંઘ લઈ શકે જેને લીધે એના શરીર, મન અને મગજને આરામ મળી રહે એ માટે એને ઊંઘની ગોળીઓ આપવામાં આવે છે જે એકદમ સેફ છે, જ્યાં સુધી તમે ડૉક્ટરના કહ્યા મુજબ ચાલો અને એમના કહેવા પૂરતી જ લો. 
જો ક્યારેક ખાધી અને ક્યારેક ન ખાધી અને વધુ કે ઓછી ખાધી તો એ તકલીફ ઊભી કરી શકે છે. ખાસ કરીને જે લોકો ઊંઘની ગોળીઓ ખાતા હોય તેમણે  આલ્કોહોલ ન જ લેવું જોઈએ. જો એ બંને સાથે લીધું તો મોટી તકલીફ થઈ શકે છે. ખાસ કરીને જરૂરત કરતાં વધુ ખાવાને કારણે આદત પડી જાય છે અને આ આદત લાંબા ગાળાનો પ્રૉબ્લેમ બની જાય છે જેને કારણે માનસિક રીતે પડતી પણ શક્ય છે. સામાન્ય રીતે જ્યારે તમે ધ્યાન ન રાખો ત્યારે આ દવાઓની આદત પડી જાય છે. 

health tips