દહીં રાત્રે ખવાય કે નહીં ?

19 December, 2025 01:17 PM IST  |  Mumbai | Jigisha Jain

આયુર્વેદ આ વિશે શું કહે છે એ સમજીએ અને નક્કી કરીએ કે રાત્રે દહીં ખાવું કે નહીં

પ્રતીકાત્મક તસવીર

વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે રાત્રે દહીં ખવાય નહીં, પરંતુ આજકાલ ઇન્ટરનેટ પર અઢળક લોકો કહી રહ્યા છે કે રાત્રે દહીં ખાવામાં કોઈ પ્રૉબ્લેમ નથી. ઊલટું તેઓ એવું પણ કહી રહ્યા છે કે રાત્રે દહીં ખાવાથી પાચન સારું બને. માન્યું કે ઘણી માન્યતાઓ આજના સમયમાં ખરી બેસતી નથી, પણ દહીં રાત્રે ન ખાવું એ માન્યતા નહીં પણ સાયન્સ છે. આયુર્વેદ આ વિશે શું કહે છે એ સમજીએ અને નક્કી કરીએ કે રાત્રે દહીં ખાવું કે નહીં

સોશ્યલ મીડિયા પર #કર્ડઍટનાઇટ કે #કર્ડઍટનાઇટગુડઑરબૅડ લખવામાં આવે તો અઢળક પોસ્ટ મળે છે જેમાં કેટલાક ઇન્ફ્લુઅન્સર્સ એવું કહેતા જોવા મળી રહ્યા છે કે રાત્રે દહીં ખાવામાં કોઈ તકલીફ નથી, જૂના જમાનામાં લોકોને એવું લાગતું હતું કે આ ન ખવાય એટલે તેમણે આપણા પર થોપી બેસાડ્યું છે કે દહીં ન ખવાય; પણ એવું કંઈ નથી, દહીં રાત્રે ખવાય.

એટલું કહીને તેઓ અટકતા નથી, દહીંના અઢળક ફાયદાઓ પણ જણાવે છે. ઘણાબધા ન્યુટ્રિશન-સ્પેશ્યલિસ્ટ પણ આવાં જ નિવેદનો કરે છે કે દહીંને શરદી સાથે કંઈ લેવાદેવા નથી, દહીંને શિયાળા સાથે કંઈ લેવાદેવા નથી, દહીં તો ખૂબ સારું છે. તમારા પાચનને બળ આપે છે એટલે જૂની માન્યતાઓ છોડો અને દહીં દરરોજ રાત્રે ખાઓ.

આ વાતને લઈને ઇન્ટરનેટ પર જ વિવાદ છેડાયેલો રહે છે. ઘણા લોકો આયુર્વેદના સિદ્ધાંત અનુસાર દલીલ કરીને કહે છે કે દહીં રાત્રે ન જ ખાવું તો ઘણા લોકો પોતાના પર્સનલ અનુભવો પર એ દલીલ આપે છે કે દહીં રાત્રે ખાવું જ જોઈએ. આજે આ દલીલ પાછળનો મર્મ સમજવાની કોશિશ કરીએ.  

આયુર્વેદમાં શું કહ્યું છે?

શરૂઆત આયુર્વેદથી કરીએ. આયુર્વેદ એક શાસ્ત્ર છે, વિજ્ઞાન છે. એ કોઈ માન્યતાઓ પર નિર્ધારિત વસ્તુ નથી એ પણ અહીં સમજવું જરૂરી છે. પહેલાંના સમયમાં આયુર્વેદનું જ્ઞાન ડૉક્ટર્સ સુધી સીમિત નહોતું. લોકો પણ જાણકાર હતા. રાત્રે દહીં ન જ ખાવું જોઈએ એ માન્યતા નથી, એવું આયુર્વેદ શાસ્ત્રોમાં લખેલું છે અને જે લોકો કહે છે કે રાત્રે દહીં ખાઈ શકાય તેમની મતિ ભ્રષ્ટ થયેલી છે એમ સમજાવતાં આયુર્વેદ નિષ્ણાત ડૉ. સંજય છાજેડ કહે છે, ‘શાસ્ત્રોમાં લખ્યું છે न नक्तं दधी भुञ्जित। એટલે કે દહીં રાત્રે ન જ ખાવું જોઈએ. દહીંમાં ઘણા ગુણો છે પણ ગુણવાન વસ્તુ ખાવાનો એક નિર્ધારિત સમય હોય છે. અને નિર્ધારિત માત્રા પણ. દહીંમાં જે બૅક્ટેરિયા છે એ પાચનમાં મદદરૂપ છે, પણ જ્યારે તમે રાત્રે એ ખાઓ છો ત્યારે એ પાચનમાં બાધા ઊભી કરે છે. એ પાચન કરવામાં અઘરું છે. બીજું એ કે એ પાણીને બાંધે છે. એટલે જો તમે એને રાત્રે ખાઓ તો સવારે ઊઠો ત્યારે બ્લોટિંગ લાગે. એ ખાવાથી વૉટર-રિટેન્શન થાય છે. દહીંની પ્રકૃતિ ઠંડી છે એટલે જ એ ઉનાળામાં વધુ અને શિયાળામાં ઓછું ખવાય છે.’

નુકસાન શું?

સૌથી પહેલી વાત છે કે રાત્રિભોજન જ તકલીફજનક વસ્તુ છે એમ સ્પષ્ટ રીતે સમજાવતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘રાત્રે તમે જે પણ ખાઓ એ તમને પચવામાં ભારે જ રહેવાનું. એમાં જો દહીં ખાઓ તો એ વધુ ભારે બને છે. દહીં ફર્મેન્ટ થનારી વસ્તુ છે. એટલે કે દૂધમાં આથો આવે ત્યારે દહીં બને. રાત્રે જ્યારે ચયાપચયની ક્રિયા મંદ હોય ત્યારે આવી આથાવાળી વસ્તુઓ ન ખાવી જોઈએ. જેમ કે આપણે પરંપરાગત રીતે ઈડલી-ઢોસા-ઢોકળાં રાત્રે ખાતા નથી. આ ખોરાકને રાત્રે પચવામાં વાર લાગે છે. આ ખૂબ સચોટ સાયન્સ છે એ સમજવું. જો એને રાત્રે ખાવામાં આવે તો એનાથી શરીરમાં કફનું નિર્માણ થાય છે. કફનું નિર્માણ એટલે શરદી થવી નહીં પણ શરીરમાં જે કફ, પિત્ત, વાત એમ ત્રણ દોષો હોય એમાંથી કફ દોષની માત્રા વધવી. એ માત્રા વધે એટલે મેદસ્વિતા આવે છે, પાચન બગડે છે, શ્વાસની તકલીફો પણ વધે છે, એ તમારા સાયનસને બ્લૉક કરી શકે છે. ગળામાં ભરાઈને ખરાશ ઊભી કરી શકે છે. એ લોકોને વધુ અસર થાય છે જે લોકોને વારંવાર શરદી કે ઍલર્જી થઈ જાય છે. આ ઉપરાંત વધુ કફ ઊંઘને ખરાબ કરે છે.’

કોને નુકસાન નથી?

એવા ઘણા લોકો છે જે રાત્રે દહીં ખાય છે અને તેમને કંઈ જ થતું નથી. એવું કેમ? એનો જવાબ આપતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘આયુર્વેદમાં વિરુદ્ધ આહાર વિશે એક ખાસ ઉલ્લેખ છે. જે લોકો નાનપણથી કે ઘણાં વર્ષોથી વિરુદ્ધ આહાર ખાતા હોય તેને એ આહાર નડતો નથી. જેમ કે કાઠિયાવાડ કે કચ્છ સૂકા પ્રદેશો છે ત્યાં છાશનું ચલણ છે. રાતના જમવામાં એ લોકો ૨-૩ ગ્લાસ છાશ પી જાય છે. તેમને એ કોઈ કાળે નુકસાન કરતી નથી. એક તો એ છાશ છે જે દહીંથી ઘણું જુદું સ્વરૂપ છે એટલે પણ એ નુકસાન કરતી નથી અને બીજું એ કે વર્ષોથી શરીરને એની આદત છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે માનવશરીર ખૂબ સારી કક્ષાનું યંત્ર છે. તમે જો દરરોજ એને થોડું-થોડું ઝેર પણ આપો તો એને પચી જાય. તો પછી દહીં કે છાશ તો સારી જ બાબત છે. આમ દહીં પણ જો કોઈ વ્યક્તિ વર્ષોથી રાત્રે ખાતી હોય તો તેને નુકસાન કરતું નથી, પણ જો તે વ્યક્તિ રાતને બદલે સવારે દહીં ખાય તો એ વધુ ફાયદો કરે છે.’  

ક્યારે ખાવું?

દહીં પાચનમાં ઘણી મદદ કરે છે. એમાંથી કૅલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે અને એ ઍબ્સૉર્બ થઈ શકે એ પ્રકારનું હોય છે. પાચન સારું કરે એટલે ઇમ્યુનિટીને પણ એ ઘણી સ્ટ્રૉન્ગ કરે છે. તો પછી દહીંના ફાયદા સારી રીતે મળી રહે એ માટે દહીં ક્યારે ખાવું એનો જવાબ આપતાં ડૉ. સંજય છાજેડ કહે છે, ‘દહીં સવારે નાસ્તા સાથે ખાવું જોઈએ. એમાં પણ નિયમો છે. દહીં રાત્રે જમાવવું અને સવારે એ ખાઈ લેવું. દહીંને રાખવું નહીં. તાજું દહીં સારું. સવારે એ મૅક્સિમમ બે​​​નિફિટ આપે છે. જો સવારે ન ખાઓ તો બપોરે જમવામાં. એનું પ્રમાણ એક નાની વાટકીથી વધુ ન હોવું જોઈએ. દહીં એવું જમાવવું જોઈએ કે કાપો તો ચોસલું પડે. જે દહીં જમાવીએ અને પાણી છોડી દે એ દહીં ગ્રહણ કરવા યોગ્ય નથી હોતું, એ નુકસાન કરે છે.’

રાત્રે કોણે ન જ ખાવું?

જે લોકોને સાંધાનો દુખાવો હોય તેમણે તો બિલકુલ રાત્રે દહીં ન જ ખાવું, કારણ કે એ શરીરમાં સોજા વધારી શકે છે અને દુખાવો એનાથી વધી જશે. જેમને આર્થ્રાઇટિસ છે તેમણે પણ રાત્રે દહીં ન જ ખાવું.

જેમને અસ્થમા, બ્રૉન્કાઇટિસ, સાઇનસાઇટિસ જેવી કોઈ પણ પ્રકારની શ્વાસની તકલીફ છે તેમણે રાત્રે દહીં ન જ ખાવું.

એ સિવાય એ ઍસિડિટી ક્રીએટ કરે છે. જે લોકોને ગૅસ, ઍસિડિટી જેવી તકલીફ હોય એ સમયસર દહીં ખાય તો તેમને ફાયદો અને કસમયે દહીં ખાય તો તેમને નુકસાન થાય છે. વ્યક્તિ એ જ છે, ખાદ્ય પદાર્થ પણ એ જ છે પરંતુ એને ખાવાનો સમય બદલાય તો એની અસર પણ બદલાય છે.

એ બાળકો જેમને કફ-કોલ્ડની તકલીફ ખૂબ સરળતાથી થઈ જાય છે, જે અવારનવાર બીમાર પડે છે તેમણે રાત્રે દહીં ન આપવું.

જે લોકોની ઇમ્યુન-સિસ્ટમ પહેલેથી નબળી છે તેમણે પણ રાત્રે દહીં ન ખાવું.

રાત્રે દહીં ખાવું જ હોય તો શું?

નિયમો પ્રમાણે જો તમે દહીંને સવારે ખાઓ તો બેસ્ટ. જો રાત્રે ખાવું હોય તો એમાં થોડા ફેરફાર કરીને ખાઈ શકો છો એમ સમજાવતાં ન્યુટ્રિશનિસ્ટ યોગિતા ગોરડિયા કહે છે, ‘પાકશાસ્ત્રમાં કોઈ પણ ખાદ્ય પદાર્થને કઈ રીતે ખાવામાં આવે કે એ તમને નુકસાન ન પહોંચાડે એના ઘણા ઉપાય છે. જે લોકોને રાત્રે દહીં વપરાશમાં લેવું જ છે તો એનો તોડ એ છે કે તમે છાશ બનાવીને પીઓ, છાશમાં શેકેલું જીરું કે સૂંઠ નાખી શકાય. ખીચડી-કઢી એક બેસ્ટ ડિનર છે. કઢીમાં ભલે દહીં અને એ પણ ખાટા દહીંનો વપરાશ છે પણ એમાં જ્યારે હિંગ, રાઈ, જીરું, લીમડો નાખવામાં આવે ત્યારે એ કોઈ પણ રીતે નુકસાન કરતી નથી. પહેલાંના સમયમાં લોકો વઘારેલી છાશ લેતા. જો તમને દહીં પણ ખાવું હોય તો એ વઘારેલું ટ્રાય કરો. બીજું એ ધ્યાન રાખો કે દહીં ફ્રિજવાળું ઠંડું ન લો. એ કદાચ નડી શકે છે. બાકી જે લોકો વર્ષોથી ખાય છે તેમને તકલીફ પડવાની નથી. એટલે જો તમને અનુકૂળ હોય તો કોઈ તકલીફ નથી. દરેક શરીર જુદું હોય છે. તમને માફક ન આવતું હોય અને નુકસાનજનક લાગતું હોય તો ચોક્કસ આદત બદલો. ઘણી વાર એવું પણ થાય કે આદત બદલો તો વધુ હેલ્ધી ફીલ થાય.’

 

healthy living health tips life and style lifestyle news columnists