✕

ફટાકડા પ્રદૂષણ વધારી ચૂક્યા છે ત્યારે સ્વાસ્થ્યની કાળજી કઈ રીતે રાખશો?

10 November, 2026 11:50 AM IST  |  Mumbai | Dr. Sanajy Chhajed

મહારાષ્ટ્રમાં ચોમાસામાં ઓછો વરસાદ થયો અને આવી રહેલી દિવાળીએ ચોમાસા પછીની પર્યાવરણીય પરિસ્થિતિઓ વિશેની ચિંતાઓમાં વધારો કર્યો છે.

પ્રતીકાત્મક તસવીર

આ વર્ષે મુંબઈમાં ચોમાસામાં ઓછો વરસાદ અને બગડતી હવાની ગુણવત્તા જોવા મળી રહ્યાં છે ત્યારે આપણે આપણી જાતને એક મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછવો જોઈએ. શું આપણે આપણાં બાળકોના સ્વાસ્થ્ય અને તેઓ જે વાતાવરણ વારસામાં મેળવશે એને જોખમમાં મૂકીને સમૃદ્ધિનો તહેવાર ઊજવી શકીએ? મુંબઈનું વાયુપ્રદૂષણ હવે માત્ર શિયાળા પૂરતું જ સીમિત નથી. શરદ પૂનમના દિવસે મુંબઈનો AQI ૧૫૬ નોંધાયો હતો, જે ખરાબ શ્રેણીમાં આવે છે. મહારાષ્ટ્રમાં ચોમાસામાં ઓછો વરસાદ થયો અને આવી રહેલી દિવાળીએ ચોમાસા પછીની પર્યાવરણીય પરિસ્થિતિઓ વિશેની ચિંતાઓમાં વધારો કર્યો છે.
ઘટેલા વરસાદનો અર્થ હવામાં રહેલા ઝેરી કણોનું કુદરતી રીતે ઓછું નિવારણ થઈ શકે છે. એમાં બાંધકામની ધૂળને, વાહનોના ધુમાડાને, કચરો સળગાવવાને અને ફટાકડાના ધુમાડાને ઉમેરો તો આપણા શ્વસનતંત્ર પરનો બોજ વધારી જાય છે. બાળકો, વરિષ્ઠ નાગરિકો અને અસ્થમા કે હૃદય અને ફેફસાંની બીમારીઓ ધરાવતા લોકો આ પરિસ્થિતિમાં વિશેષ રિસ્ક ધરાવે છે. 
હજારો વર્ષો પહેલાં આચાર્ય ચરકે ચરકસંહિતામાં પર્યાવરણીય અસંતુલન અને સામૂહિક સ્વાસ્થ્ય વચ્ચેના સંબંધ વિશે ચર્ચા કરી હતી. તેમણે ૪ આવશ્યક પરિબળો ઓળખાવ્યાં હતાં જેમનું બગડવું સમગ્ર સમુદાયોના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે : વાયુ, જલ, દેશ એટલે કે જમીન અને કાળ એટલે ઋતુ કે સમય. આજના મુંબઈની આસપાસ જુઓ. પ્રદૂષિત હવા, પાણીનાં સંસાધનો પરનું દબાણ, પર્યાવરણીય અધ:પતન અને બદલાતી મોસમી પદ્ધતિઓ આ શાસ્ત્રીય શિક્ષણને અત્યંત સુસંગત બનાવે છે. ચરકનું જ્ઞાન આપણને યાદ અપાવે છે કે બીમારી ફેલાતાં પહેલાં જ એને અટકાવવી જરૂરી છે. દરેક વધારાના સંપર્ક સામે માનવશરીર સહનશક્તિ કેળવે એવી અપેક્ષા રાખવા કરતાં ઉદ્ગમસ્થાને જ પ્રદૂષણ ઘટાડવું વધુ અસરકારક છે.
બાળકોને ફક્ત એમ કહેવાને બદલે કે ‘ફટાકડા ફોડશો નહીં’, ચાલો તેમને કંઈક વધુ રોમાંચક પ્રદાન કરીએ. ફટાકડા ફોડવાનું ટાળવું એ એક અર્થપૂર્ણ પગલું છે, પરંતુ આપણી જવાબદારી ત્યાં જ અટકતી નથી. આપણે ધૂળ-નિયંત્રણને સમર્થન આપવું જોઈએ, ખુલ્લામાં કચરો સળગાવવાનું અટકાવવું જોઈએ, વાહનોનો ધુમાડો ઘટાડવો જોઈએ, શહેરી હરિયાળીનું રક્ષણ કરવું જોઈએ અને પ્રદૂષણ નિયંત્રણ ઉપાયોના અસરકારક અમલીકરણની જરૂર છે. હવાની ખરાબ ગુણવત્તાના સમયગાળા દરમ્યાન બહારની સખત કસરતો ટાળો. ખાસ કરીને બાળકો અને સંવેદનશીલ વયસ્કોનું વધુ ધ્યાન રાખો. ઘરની અંદરની હવાને બને એટલી સ્વચ્છ રાખો અને સતત શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં અસ્વસ્થતા અથવા અન્ય ચિંતાજનક લક્ષણો માટે ડૉક્ટરની સહાય લો. આયુર્વેદ આપણને પ્રકૃતિનું સન્માન કરવાનું શીખવે છે એમ આપણે યાદ રાખીએ કે પ્રકૃતિનું રક્ષણ કરવું એ સ્વાસ્થ્યના રક્ષણથી અલગ નથી.

healthy living health tips diwali life and style lifestyle news