03 November, 2025 09:16 PM IST | Mumbai | Dr. Mukul Choksi
પ્રતીકાત્મક તસવીર
થોડા સમય પહેલાંની વાત છે. એક સોશ્યલ ફંક્શનમાં એક ડિવૉર્સી છોકરી મળી. તેની ઉંમર હશે અંદાજે આડત્રીસ વર્ષની. છોકરીની ઇચ્છા હતી કે તે સિંગલ મધર બને અને એ માટે IVFની હેલ્પ લે. કન્સલ્ટેશન માટે તો તે નહોતી આવી એટલે વધારે વાત કરવી જરૂરી નહોતી પણ તેની જે ઇચ્છા હતી એ જોતાં મને ઇન્ટરેસ્ટ જાગ્યો એટલે મેં તેની સાથે વાત કરી. એ બહેન પોતાના વિચારોમાં ક્લિયર હતી. તેની ઇચ્છા હતી કે માત્ર પોતાનો બુઢાપો સચવાય એવા હેતુથી નહીં પણ તેનામાં જે ક્રીએટિવિટી છે, તેનામાં જે વિચારશીલતા છે એ સચવાઈ રહે, ભવિષ્યમાં પણ તેને યાદ રાખવામાં આવે એ ભાવ હતો. વિચાર જરા પણ ખોટો નહોતો. સાદી અને સરળ ભાષામાં કહું તો વેલ-એજ્યુકેટેડ, સ્માર્ટ અને હોશિયાર વ્યક્તિના DNA વધે, તેમનો વંશ વધુ ને વધુ ફૂલે એ દરેક ભણેલાગણેલાએ વિચારવું જોઈએ.
ખૂબ સારા ઘરનાં, સ્માર્ટ અને હોશિયાર કપલ આજે એક અને વધીને બે બાળક પર અટકી જાય છે જે મૉડર્ન સોસાયટીની દૃષ્ટિએ યોગ્ય નથી. જેમ સારી વાત અને સારા વ્યવહારનો વ્યાપ વધવો જોઈએ એવી જ રીતે સારા DNAનો પણ વ્યાપ વધવો જ જોઈએ અને એ માટે સુશિક્ષિત લોકોએ જાગ્રત રહેવું જોઈએ. ફરી આપણે આપણા વિષય પર આવીએ.
એ છોકરીની ઇચ્છા હતી કે તેના જ DNA હોય એ બાળકની મા બનવું અને એટલે તે બધી રીતે યોગ્યતા ધરાવતી હોવા છતાં બાળક અડૉપ્ટ કરવા માટે તૈયાર નહોતી. તેને જાણવું હતું એટલું કે શું તે સાચી દિશામાં આગળ વધે છે?
દિશા સાચી હતી પણ એ દિશામાં આવનારી અડચણોથી તે વાકેફ નહોતી એટલે મારે તેને કહેવું પડ્યું કે તું જે કરી રહી છે એ માટે સૌથી પહેલાં તો તારે તારા પેરન્ટ્સની જાગ્રત અવસ્થામાં પરમિશન લેવી બહુ જરૂરી છે. બીજી વાત કે આપણે સોશ્યલ ઍનિમલ છીએ એટલે સમાજ વચ્ચે રહેવાનું છે. આવતા સમયમાં એવો તબક્કો આવી શકે કે તેણે લીધેલા અને ફૅમિલીએ સપોર્ટ કરેલા નિર્ણયને લીધે આખો પરિવાર જવાબદેહી બને અને એવા સમયે કોઈની એકબીજા પર અકળામણ નીકળવી ન જોઈએ. IVFનો સપોર્ટ લેવામાં આવ્યો હશે તો પણ સોસાયટી કંઈ પણ ભળતી-સળતી વાત કરી શકે છે માટે સમાજ અને એની વાતોનો પણ વિચાર કરીને આ નિર્ણય લેવો જોઈએ. ત્રીજી અને મહત્ત્વની વાત, સિંગલ મધર બનવા માગતી વ્યક્તિ જો વર્કિંગ વુમન હોય તો તેણે તૈયારી રાખવી પડશે કે પ્રેગ્નન્સીથી ઓછામાં ઓછાં ત્રણેક વર્ષ તે ફુલફ્લેજ્ડ કામ પર પાછી ન ફરી શકે. એવા સમયે તેને પોતાના નિર્ણય પર કોઈ પ્રકારનો અફસોસ ન થવો જોઈએ.
જો આ બધી બાબતોમાં ક્લૅરિટી હોય તો સુશિક્ષિત લોકોએ માતૃત્વ કે પિતૃત્વ મેળવવું જ જોઈએ, કારણ કે એ સોસાયટીની જરૂરિયાત છે.